નવી દિલ્હી: નવી દિલ્હી: દેશના 77 પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળોના 70 જવાનો માટે શૌર્ય પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાં છ લોકોને મરણોત્તર આ સન્માન પ્રાપ્ત થશે. આમાં એક અશોક ચક્ર, ત્રણ કીર્તિ ચક્ર અને 13 શૌર્ય ચક્ર (એક મરણોત્તર)નો સમાવેશ થાય છે. જયારે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો છે. નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બા, મેજર અર્શદીપ સિંહ અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરને કીર્તિ ચક્ર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. જૂન 2025 માં શુભાંશુ શુક્લાએ એક્સિઓમ-4 મિશનના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ઉડાન ભરી હતી. શુભાંશુ અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય અને ISS પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ બન્યા. તેમની 18 દિવસની યાત્રા 41 વર્ષમાં પ્રથમ ભારતીય અવકાશ ઉડાન હતી. આ પૂર્વે રાકેશ શર્માએ વર્ષ 1984 માં રશિયન સોયુઝ અવકાશયાનમાં બેસીને અવકાશમાં મુસાફરી કરી હતી.
લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત
જયારે દક્ષિણ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને 77મા પ્રજાસત્તાક દિવસે ઉત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત કરવામાં આવશે. ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના ચીફ એર માર્શલ આશુતોષ દીક્ષિતને 77મા પ્રજાસત્તાક દિવસે પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.
44 સેના મેડલ (શૌર્ય)નો સમાવેશ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 70 સશસ્ત્ર દળોના જવાનો માટે શૌર્ય પુરસ્કારોને મંજૂરી આપી છે. જેમાંથી છને મરણોત્તર આ સન્માન પ્રાપ્ત થશે. આમાં એક અશોક ચક્ર, ત્રણ કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર (એક મરણોત્તર સહિત), એક બાર ટુ ધ સેના મેડલ (શૌર્ય), અને 44 સેના મેડલ (શૌર્ય)નો સમાવેશ થાય છે. કીર્તિ ચક્ર પુરસ્કાર મેળવનારાઓમાં મેજર અર્શદીપ સિંહ, નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બા અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરનો સમાવેશ થાય છે.
મેજર અર્શદીપ સિંહને કીર્તિ ચક્ર એનાયત
આસામ રાઇફલ્સના મેજર અર્શદીપ સિંહને કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો છે. તેમણે 14 મે 2025 ના રોજ ભારત-મ્યાનમાર સરહદ પર એક ખાસ દળનું નેતૃત્વ કર્યું હતું. જેમાં એક ઊંચી ટેકરી પરથી અચાનક ગોળીબાર થયો હતો. ત્યારે તેમણે નિર્ભયતાથી ગીચ ઝાડીઓમાંથી દુશ્મન ચોકી પર હુમલો કર્યો અને દુશ્મનના ભારે ગોળીબાર છતાં ઘણા સશસ્ત્ર આતંકવાદીઓને મારી નાખ્યા હતા. જેમાં એક આતંકી RPG લોન્ચરથી સજ્જ હતો. અસાધારણ નેતૃત્વ, બહાદુરી સાથે તમામ સૈનિકોને સુરક્ષિત રાખ્યા હતા.
નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બાએ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં બહાદુરી દર્શાવી
પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સિસ) ના નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બાને કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો છે. જેમાં 11 એપ્રિલ 2025 ના રોજ કિશ્તવાડ જિલ્લાના જંગલોમાં હાથ ધરવામાં આવેલા આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં બહાદુરી દર્શાવી હતી. ભારે ગોળીબારી વચ્ચે પોતાની સલામતીની અવગણના કરી અને આતંકવાદીઓની નજીક આગળ વધ્યા હતા. તેમજ એક કટ્ટર વિદેશી આતંકવાદીને નજીકથી મારી નાખ્યો અને બીજાને પણ ઠાર માર્યો હતો.