મુંબઈ: રાણી મુખર્જીની ફિલ્મ 'મર્દાની' અને 'મર્દાની 2'ને બોક્સઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે રાણી મુખર્જી 'મર્દાની ૩' ફિલ્મ સાથે ફિલ્મી પડદે કમબેક કરી રહી છે. હાલ, રાણી મુખર્જી 'મર્દાની ૩' ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવા સમયે રાણી મુખર્જીના બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહરે તેના માટે એક ખાસ સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું. આ સરપ્રાઈઝ જોઈને રાણી મુખર્જી ભાવુક થઈ ગઈ હતી અનને તેની આંખમાંથી આસું આવી ગયા હતા.
કરણ જોહરે દીકરીનો પત્ર વાંચી સંભળાવ્યો
રાણી મુખર્જી અને આદિત્ય ચોપરા 2014માં એકબીજા સાથે લગ્નગ્રંથીમાં જોડાયા હતા. 2015માં રાણી મુખર્જીએ દીકરીને જન્મ આપ્યો હતો. જેનું નામ આદિરા રાખવામાં આવ્યું છે. હાલ આદિરા 10 વર્ષની થઈ ગઈ છે. જેણે પોતાની માતાને એક પત્ર લખ્યો હતો. તાજેતરમાં રાણી મુખર્જીએ બોલીવૂડમાં 30 વર્ષ પૂરા કર્યા છે. જેના માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આદિરાએ લખેલા પત્રને કરણ જોહરે રાણી મુખર્જીને વાંચી સંભળાવ્યો હતો.
મને તમારી કેટલીક વાતો નથી ગમતી
આદિરાએ પત્રની શરૂઆતમાં રાનીને વિશ્વની સર્વશ્રેષ્ઠ માતા ગણાવી છે. આદિરાએ પત્રમાં લખ્યું કે, "હું તમને ખૂબ પ્રેમ કરું છું. આપણે સાથે ઘણી બધી ખુશીની, દુઃખની અને રમુજી ક્ષણો વિતાવી છે. મને તમારામાં કેટલીક વાતો ગમે છે, તો કેટલીક નથી ગમતી."
આદિરાએ આગળ રમૂજી અંદાજમાં લખ્યું, "મમ્મી, તમારી પાસેથી મને અભિનય, નૃત્ય અને ચિત્રકામની કળા વારસામાં મળી છે. પણ એક વાત જે મને નથી ગમતી છતાં વારસામાં મળી છે તે છે - તમારો ગુસ્સો. ભલે આપણી પસંદ અલગ હોય (તમને બોલ્ડ રંગો ગમે અને મને પેસ્ટલ), પણ આપણો દેખાવ અને આદતો સરખી છે. હા, મારી ગણિતની નબળી કુશળતા તમને નથી ગમતી! પણ જ્યારે હું મોટી થઈશ, ત્યારે હું તમારા જેવી જ દયાળુ, આત્મવિશ્વાસુ, બુદ્ધિશાળી અને સ્ટાઇલિશ બનવા માંગુ છું."
આદિરાએ પત્રના અંતે ભાવુક રીતે લખ્યું, "આપણે એક જ લોહીના છીએ, આપણે માતા-પુત્રી છીએ અને આપણો સંબંધ હંમેશા આવો જ અનોખો રહેશે."
ઉલ્લેખનીય છે કે, રાની હંમેશા તેની પુત્રીને મીડિયા અને સોશિયલ મીડિયાની લાઈમલાઈટથી દૂર રાખવાનો આગ્રહ રાખે છે, જેના કારણે આ પત્ર રાની અને તેના ચાહકો માટે અત્યંત ખાસ બની ગયો હતો. વર્ક ફ્રન્ડની વાત કરીએ તો આગામી ૩૦ જાન્યુઆરીએ 'મર્દાની ૩' ફિલ્મ થિએટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રાનીની સાથે મલ્લિકા પ્રસાદ અને ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા પણ મહત્વની ભૂમિકામાં છે.