ભારત હવે માત્ર વિદેશી મદદ લેનારો દેશ નથી રહ્યો, પરંતુ તે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના અનેક દેશો માટે એક મજબૂત આર્થિક ભાગીદાર અને મદદગાર તરીકે ઉભરી આવ્યો છે. ભારતની આ બદલાયેલી ભૂમિકા તેની વિદેશ નીતિ અને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાને દર્શાવે છે. કેન્દ્રીય બજેટના આંકડાઓ સાક્ષી પૂરે છે કે ભારત પડોશી દેશોની પ્રગતિમાં કેટલો મોટો ફાળો આપી રહ્યું છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ ભારત કયા દેશોને આર્થિક સહાય કરે છે અને આ યાદીમાં સૌથી ટોપ પર કયો દેશ છે-
વર્તમાન સમયમાં ભારત વૈશ્વિક મંચ પર એક જવાબદાર અને પ્રભાવશાળી દેશ તરીકે પોતાની છબી મજબૂત કરી રહ્યું છે. વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટમાં વિદેશ મંત્રાલય માટે 22,155 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાંથી એક મોટો હિસ્સો અન્ય દેશોને સહાય અને લોન આપવામાં ખર્ચવામાં આવે છે. ભારતની આ નાણાંકીય સહાય તેની વિદેશ નીતિનો મજબૂત અને મહત્ત્વનો હિસ્સો માનવામાં આવી રહી છે.
ભારત સૌથી વધુ મદદ કયા દેશને કરે છે?
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રિય બજેટ 2024-25ના દસ્તાવેજો મુજબ, વિદેશ મંત્રાલય માટે 22,155 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી, જે 2023-24ના બજેટમાં કરાયેલી 18,050 કરોડ રૂપિયા કરતાં વધારે છે.
વાત કરીએ ભારત તરફથી સૌથી વધુ આર્થિક સહાય મેળવતા દેશની તો આ યાદીમાં ભૂટાન સૌથી મોખરે છે. વર્ષ 2024-25માં ભૂટાનને આશરે 2,068.56 કરોડ રૂપિયાની સહાય ફાળવવામાં આવી છે. જોકે આ રકમ ગયા વર્ષના સુધારેલા અંદાજ (2,398.97 કરોડ) કરતાં થોડી ઓછી છે, તેમ છતાં ભૂટાન ભારતની સહાય યાદીમાં પ્રથમ ક્રમે આવે છે.
ભારત તરફથી આર્થિક સહાય મેળવતા ટોચના દેશોની યાદી
ભારત પોતાના પડોશી અને મિત્ર દેશોને અનુદાન અને લોન સ્વરૂપે જે મદદ કરે છે તેના નામ નીચે મુજબ છે-
1. ભૂટાન: 2,068.56 કરોડ રૂપિયા
2. નેપાળ: 700 કરોડ રૂપિયા
3. માલદીવ: 400 કરોડ રૂપિયા
4. મોરેશિયસ: 370 કરોડ રૂપિયા
5. મ્યાનમાર: 250 કરોડ રૂપિયા
6. શ્રીલંકા: 245 કરોડ રૂપિયા
7. અફઘાનિસ્તાન: 200 કરોડ રૂપિયા
8. આફ્રિકન દેશો: 200 કરોડ રૂપિયા
9. બાંગ્લાદેશ: 120 કરોડ રૂપિયા
10. સેશેલ્સ: 40 કરોડ રૂપિયા
11. લેટિન અમેરિકન દેશો: 30 કરોડ રૂપિયા
ભારતનું પરનું વિદેશી દેવુ કેટલું છે?
એક તરફ ભારત અન્ય દેશોને મદદ કરે છે, તો બીજી તરફ પોતાની વિકાસલક્ષી જરૂરિયાતો માટે તે પોતે ઉધાર લઈ પણ રહ્યું છે. માર્ચ 2020ના અંત સુધીમાં ભારતનું કુલ વિદેશી દેવુ અંદાજે 558.5 અબજ ડોલર સુધી પહોંચી ગયું હતું. આ દેવામાં મોટાભાગનો હિસ્સો કોમર્શિયલ બોરોઇંગ અને NRI ડિપોઝિટનો છે. કોરોના મહામારી દરમિયાન ભારતે એમએસએમઈ, આરોગ્ય અને શિક્ષણ જેવા આધારભૂત સેક્ટરને ટેકો આપવા વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી સંસ્થાઓ પાસેથી પણ લોન લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત હાલમાં 65થી વધુ દેશોને લોન, અનુદાન, તકનીકી સહયોગ અને માનવીય સહાય પૂરી પાડે છે. બજેટના આંકડાઓ જોતા જ ખ્યાલ આવે છે કે ભારત હવે વૈશ્વિક સ્તર પર એક જવાબદાર અને પ્રભાવશાળી દેશના રૂપમાં પોતાની ભૂમિકા વધુને વધુ મજબૂત કરી રહ્યું છે.