સુભાષ ઠાકર
ચંપકલાલ નામના મોબાઈલમાંથી ઈશ્વરે આત્મા નામનું સીમકાર્ડ કાઢી લીધું એ જ ક્ષણે કાકા માણસમાંથી લાશ બની ગયા. ચંપકલાલ માટે ડાઘુઓ પણ ભાડેથી લાવવા પડ્યા હતા. લાશ ખભે ઊંચકી ડાઘુઓ એવા દોડ્યા કે
આપણને એમ લાગે કે આ બધું પાછું છુટુ ન પડી જાય. બે દીકરાની પીકનીક અગાઉથી નક્કી કરી હોવાથી બાપુજીની સ્મશાનયાત્રામાં આવી શકે એમ ન હોતા ને આમેય બાપુજીને જીવતાજીવત જ એટલો બાળી બાળી
શેરડીના સાંઠા જેવો બનાવી દીધો હતો કે હવે બાળવા આવે કે ન આવે શું ફેર પડે?. છ ખભા ઉપર કાકાની શાહી સ્મશાનયાત્રા નીકળી. નિયમ મુજબ સાચી-ખોટી રોકકળ ચાલી. બીજી બાજુ જે પથારીમાં જીવ છોડ્યો એ પથારી કાકીએ ખંખેરી તો એક ચિઠ્ઠી જોઈ ચમક્યા. ખોલીને મનોમન વાંચવા લાગ્યા.
‘ડાર્લિંગ મજામાં? ખબર છે મજામાં નથી તોયે પૂછ્યું. રોજ સવારે આપણે એકબીજાને ‘જયશ્રી કૃષ્ણ’ કહેતા ને આજે મારું જ જયશ્રી કૃષ્ણ થઇ ગયું. ‘ડાર્લિંગ’ શબ્દ વાંચી તારા કાનમાં મોરપીંછ ફરતું હોય એવી ગલીપચી થશે. ચંપુ, હજી પેલો રોમેન્ટિક મૂળ જતો નથી. મારા 90માંથી 28 બાદ કરીએ તો 62 વર્ષની આપણી સંસારયાત્રા સહયાત્રા. હાચું કઉ? રાધા-કૃષ્ણ હોય કે સીતા-રામ. રાજ-નરગીસ હોય કે ધર્મેન્દ્ર- હેમા પણ આ બધા ચંપક-ચંપા પાસે તો પાની કમ ચાય આપણે તો સારસ પંખીની જોડ જેવાં. મેઈડ ફોર ઈચ અઘર.
યાદ કર હું ઘરની બહાર નીકળતો ને તું ચાલુ થઇ જતી ‘અકેલે અકેલે કહાં જા રહે હો, હમે સાથે લેલો જહાં જા રહે હો’ ને હું લઇ જતો કે નઈ? મેં ક્યારેય ના પાડેલી? પણ સોરી આજે જીદ કરીશ, રડીશ તો પણ નઈ લઇ જઉં, કારણકે આજે તો મને જ ખબર નથી કે ક્યાં જઈ રહ્યો છું. કદાચ ઈશ્વર પાસે. પણ એય ડોબી, મને મંઝિલ મળે ને હું ગાવા લાગુ ‘અકેલે હૈ ચાલે આઓ, જહાં હો’ તો આવજે હો.. આવીશને?’
ડાર્લિંગ, ખોટું ન લાગે તો સાચું કઉં? તારી એક ટેવ જીવનમાં મને જરાય નહોતી ગમતી તું વારંવાર દીકરાઓની ફરીયાદ કરતી કે એમનું વર્તન બરાબર નથી, આપણા કહ્યામાં નથી પૂરતા પૈસા આપતા નથી. અરે ગાંડી, આપણી જાત નીચોવીને તેમને ભણાવ્યા, ગણાવ્યા ને મોટા ગજાના બનાવ્યા. કબૂલ પણ એને સંસ્કાર આપ્યા પણ આજે પિકનિક છોડી અગ્નિસંસ્કાર આપવા ન આવ્યા. અરે, આપણને 3000ના ભાડામાં વીસ બાય દસની રૂમ ભાડે અપાવી કે નઈ? ને એમાં આપણે તો બે જ ચૂકવવાના. બાકીનો એક મારા આવતા પેન્શનમાંથી ચુકવતા. નો ચિટીંગ. અરે, આપણે ક્યારેક રસોઈ બનાવવા અશક્ત બનતા તો દીકરા-વહુ ટિફિન મોકલતા કે નઈ?
એમાં વળી તારી ફરિયાદ કે દાળ પાણી જેવી છે. શાક ફિક્કું છે, રોટલી દાઝેલી છે, ભાત કેમ ન મોકલ્યા? શાકને બદલે અથાણું, બે જણા વચ્ચે આટલું જ?. અરે યાર, મોઘવારી કેટલી છે?. એક ટંકના 200-250 થાય, જ્યારે આપણા દીકરા તો માત્ર 100 જ લેતા. એમાં પ્રોફિટ માત્ર 20 રૂપિયા. એટલું તો આપણી પાસે કમાય કે નઈ? અરે ડોબી મારી, ને તું હિસાબ માગી એમની ભૂલો કાઢતી પણ વૃક્ષે ક્યારેય છાયા પાસે હિસાબ માગ્યો છે?
જોકે ભૂલો તો આપણી છે. આપણે તેમને જન્મ આપ્યો. આપણે એવા ભ્રમમાં રહ્યા કે દીકરો આવું ન કરે. શરૂઆતમાં બે દીકરાઓએ પંદર-પંદર દિવસ રાખવાના ભાગલા પાડેલા પણ એકત્રીસ દિવસનો મહિનો આવે તો બેમાંથી કોઈ આપણને ન રાખે ને એક દિવસ ભીખ માગી રખડતા અને એક ભૂલ એ કે એમને લવમેરેજ કરાવી મનગમતી વહુ લાવવા દીધી. તને ખબર છે એ વહુ તારા મારા દીકરાને કહેતી ‘આ તારા બા-બાપુજી હજી કેટલાં વર્ષ કાઢશે?’
જવાબમાં તેં એકવાર કીધેલું : ‘બેટા, અમે તો ખર્યું પાન, આજ છીએ ને કાલ નઈ’ ત્યારે વહુ બોલેલી ‘પણ બા અમારે આજ તો કાઢવાની ને? ને હું મારા મા-બાપને છોડી શકું તો તું કેમ ન છોડી શકે? પણ દીકરો શું બોલે? ને વહુની વાત ખોટી પણ નહોતી. પણ બિચારા સમાજની બીકે ભાડાના ઘરમાં મૂકી ગયા કે નઈ? બંને દીકરા પણ થાકીને બોલેલા હવે ‘બાપુજી છૂટે તો સારું.’
પણ હકીકતમાં એમને છૂટવું હતું... મને તો તારો પ્રેમ વધુ જીવવા મજબૂર કરતો હતો. મારે તો મરવુ જ ન હોતું. મારે તો તને અખંડ સૌભાગ્યવતી જ મોકલી પછી મરવું હતું, પણ તારી મજબૂરી કે તું મારા વગર રહી ન્હોતી શકતી. પણ મૃત્યુ ક્યાં કોઈનું સાંભળે છે? જો બકા, આ હું ચાલ્યો ને નપાવટ દીકરાઓ મોઢામાંથી ચોકઠું પણ કાઢી લેશે ને વીટી ન નીકળે તો આંગળી ને ઘડિયાળ ન નીકળે તો કાંડુ કાપી લે એવા પાકા લોભી છે....
હવે એક વાત સાંભળ... થોડા રૂપિયા ભેગા કરી ચાલીના ઘરમાં ચોપડીના નીચેના કબાટમાં તારા માટે એક સફેદ અવરગંડી ખરીદી મૂકી છે. આજે કદાચ તું ન પહેરે તો મારી પ્રાર્થનામાં પહેરજે. વહુઓ પહેરે તો તું કેમ નઈ? હું તને તસવીરમાંથી જોઇશ, ડાર્લિંગ. તે મારી વાતનો ક્યારેય ક્યાં અનાદર કર્યો છે? હું દેખાઉ નઈ એનો મતલબ એ નથી કે હું નથી. આ તો મધ્યાંતર પડ્યો છે. મારી એક વાત માનજે કે જેની ચિંતા કરી એ દીકરાઓને ચિતા પ્રગટાવવા દેતી નઈ, નઈતર ઉપર ઈશ્વર મારા પર ખીજાશે...
અરે એય શું કરે છે ગાંડી મારી, રડે છે? તારા આંસુ મારા માટે કીમતી છે. તું જ તો કહેતી આંખ તારી હોય કે મારી બસ આંસુ ન હોવા જોઈએ ને આજે તું. ચલ આંસુ લુછી નાખ.’
તારો ભવોભવનો ચંપક.’
ચંપા બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં ત્યાં વહુ આવી બોલી ‘બા જરા આઘા ખસો અહીં ગૌ મૂત્ર છાંટીને જગ્યા પવિત્ર કરવી પડશેને?’
બા ડઘાઈ ગયા ...
તમે? શું કહો છો?