ભરત ભારદ્વાજ
અંતે નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બની જતાં ભાજપને લગભગ દોઢ વર્ષ પછી પૂર્ણ સમયના રાષ્ટ્રીય પ્રમુખ મળ્યા. જે.પી. નડ્ડા લોકસભાની ચૂંટણી પછી મોદી સરકારમાં મંત્રી બન્યા ત્યારથી કેન્દ્રમાં મંત્રીપદ અને ભાજપનું પ્રમુખપદ એમ બે ઘોડે સવારી કરી રહ્યા હતા. નીતિન નબીન પ્રમુખ બનતાં હવે નડ્ડાનો એક ઘોડો છૂટી ગયો છે. હવે નડ્ડા ફુલ ટાઈમ કેન્દ્રીય મંત્રીપદ ભોગવી શકશે ને પક્ષની જવાબદારી નીતિન નબીન સંભાળશે. મૂળ ઝારખંડના રાંચીમાં જન્મેલા નીતિન નબીન માત્ર 46 વર્ષના છે તેથી ભાજપના ઈતિહાસમાં સૌથી યુવા રાષ્ટ્રીય પ્રમુખ બન્યા છે.
આ પહેલાં અમિત શાહ 49 વર્ષની ઉંમરે ભાજપન રાષ્ટ્રીય પ્રમુખ બનેલા. નબીને તેમનો રેકોર્ડ તોડીને ભાજપના 12મા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ધૂરા સંભાળી છે. યોગાનુયોગ નબીન બારમા સુધી જ ભણેલા છે. જે પક્ષના પ્રમુખપદે અટલ બિહારી વાજપેયી અને ડો. મુરલી મનોહર જોશી જેવા વિચારકો બેઠેલા એ પક્ષના પ્રમુખપદે બારમું ધોરણ ભણેલી વ્યક્તિ બેસે એ લોકશાહીની બલિહારી છે.
નીતિન નબીનની રાજકીય કારકિર્દી યશસ્વી છે તેનો સ્વીકાર કરવો પડે. 45 વર્ષની ઉંમરમાં તો નબીન પાંચ વાર ધારાસભ્યપદે ચૂંટાઈ ચૂક્યા છે. 2006મા પહેલી વાર પટણા પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બનનારા નીતિન એ પછી બાંકીપુર વિધાનસભા બેઠક પરથી સળંગ ચાર વાર ધારાસભ્યપદે ચૂંટાયા છે.
બિહારની નીતિન સરકારમાં મંત્રી રહી ચૂકેલા નબીન ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને બિહાર પ્રમુખ રહી ચૂક્યા છે. નીતિન કદી ચૂંટણી હાર્યા નથી એ જોતાં તેમનો રેકોર્ડ સારો કહેવાય પણ નબીનની સફળતામાં તેમના પિતાએ રળેલી રાજકીય મૂડીનો મોટો ફાળો છે એ પણ સ્વીકારવું પડે.
નબિનના પિતા નબીન કિશોર પ્રસાદ સિંહા બિહારના દિગ્ગજ કાયસ્થ નેતા હતા. જયપ્રકાશ નારાયણ બિહારની સરકાર સામે છેડેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી લાલુ પ્રસાદ યાદવ. નીતિશ કુમાર, શરદ યાદવ સહિતના વિદ્યાર્થી નેતાઓ ઊભા થયા ને બિહારના રાજકારણમાં છવાયા. નબીન કિશોર પણ તેમાંથી એક હતા ને કટોકટી વખતે જેલમાં પણ ગયેલા. લાલુ, નીતિશ વગેરે સમાજવાદનો ડોળ કરીને ઝડપથી આગળ આવી ગયા.
જ્ઞાતિનાં સમીકરણો પણ તેમને ફળ્યાં જ્યારે નબીન કિશોરને રાજકીય કારકિર્દી જમાવતાં વાર લાગી. જો કે નબિન કિશોરે જમાવી ત્યારે એવી રાજકીય કારકિર્દી જમાવી કે પછી કોઈ તેમને હલાવી જ ન શક્યું. નબીન કિશોર 1995થી સળંગ ચાર વાર બિહારની પટણા પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા.
બિહારમાં અત્યારે ભાજપે રાજકીય મજબૂરીના કારણે નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા પડ્યા છે, બાકી ભાજપ સૌથી મોટો પક્ષ છે. 1990ના દાયકામાં બિહારમાં લાલુ પ્રસાદ યાદવનું એકહથ્થું શાસન હતું. એ વખતે ભાજપના ગણ્યાગાંઠ્યા નેતા સળંગ ચૂંટાતા હતા. નબીન કિશોર તેમાંથી એક હતા. તેના પરથી જ તેમનો રાજકીય પ્રભાવ કેવો હશે તેનો અંદાજ લગાવી લેજો.
2006માં નબીન કિશોર ગુજરી ગયા ત્યારે નીતિન નબીનને પટણા પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે ટિકિટ આપેલી ને નીતિન સહાનુભૂતિના મોજાં પર સરળતાથી જીતી ગયા હતા.
માત્ર બારમા ધોરણ સુધી ભણેલા નીતિને ત્યાં સુધી રાજકીય રીતે કોઈ ચમાકાર નહોતા બતાવ્યા કે બીજી કોઈ ઊડીને આંખે વળગે એવી લાયકાત નહોતી પણ પિતાની રાજકીય મૂડીના જોરે એ ધારાસભ્ય બની ગયેલા. નીતિન નબીન એ રીતે વંશવાદી રાજકારણની પેદાશ છે. ભાજપ પોતે કરે એ લીલા ને બીજાં કરે એ છિનાળું એ માનસિકતામાં માને છે તેથી નબીનને વંશવાદી રાજકારણની પેદાશ નહીં ગણે એ અલગ વાત છે.
નબીન કિશોરને મોદીભક્તિ પણ ફળી છે. નબીન 2006થી ધારાસભ્ય હતા પણ કોઈ ભાવ નહોતું પૂછતું. 2017ના માર્ચમાં નબીને કૉંગ્રેસના ધારાસભ્ય અબ્દુલ જલીલ મસ્તાન સામે રાજદ્રોહનો કેસ કર્યો ને મોદીની નજરમાં વસી ગયા. મોદીએ 2016ના નવેમ્બરમાં નોટબંધી દાખલ કરી ત્યારે કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી જેવો ઘાટ થઈ ગયેલો. આખા દેશમાં અંધાધૂંધી ને અરાજકતાનો માહોલ હતો ત્યારે મસ્તાને નોટબંધી વિરોધી રેલીમાં લવારો કરેલો કે, મોદીની તસવીર પર જૂતાં મારવાં જોઈએ.
બિહારમાં એ વખતે નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવના ખોળામાં બેઠા હતા. કૉંગ્રેસ અને આરજેડીનું જોડાણ હતું તેથી મસ્તાન મંત્રી બનેલા. છ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મસ્તાન બિહારના રાજકારણના દિગ્ગજ મુસ્લિમ નેતા ગણાતા હતા. નબીને મસ્તાનના નિવેદનને કોમી સદભાવના બગાડનારું ગણાવીને કેસ કર્યો તેમાં લાઈમલાઈટમાં આવી ગયા.
તાત્કાલિક તેમને બિહાર ભાજપ યુવા મોરચાના પ્રમુખ બનાવી દેવાયા ને પછી રાષ્ટ્રીય સ્તરે લઈ જવાયા. નીતિશ લાલુને છોડીને ફરી ભાજપ સાથે નાતરું કર્યું ત્યારે નબીનને મંત્રીપદ પણ અપાયેલું. ડિસેમ્બરમાં ભાજપના કાર્યકારી પ્રમુખ બનાવાયા ત્યાં લગી નબીન નીતિશ કુમાર સરકારમાં મંત્રી હતા. બિહારમાં કાયસ્થો મુઠ્ઠીભર છે અને મતબેંકની રીતે બહુ મહત્ત્વના નથી છતાં નબીન મોટા નેતા બની ગયા એ મોદીભક્તિનો પ્રતાપ છે.
નબીન પ્રમુખ બન્યા પછી થયેલી ભાષણબાજીમાં નબીન ભાજપના બોસ છે અને બીજા બધા તેમના હાથ નીચે કામ કરતા કાર્યકરો છે એવી વાતો થઈ. ભાજપમાં હવે એકદમ યુવા રાષ્ટ્રીય પ્રમુખ બન્યા છે તેથી નવો યુગ શરૂ થયો છે એવા દાવા પણ કરાય છે. મોદીએ પણ નબીન પોતાના બોસ હોવાનું કહ્યું પણ આ બધી કોરી વાતો છે. વાસ્તવમાં નડ્ડા ગયા ને નબીન આવ્યા તેનાથી ભાજપમાં કોઈ ફર્ક પડવાનો નથી.
ભાજપ જાહેરમાં લોકશાહી રીતે કામ કરતી પાર્ટી હોવાના દાવા થાય છે પણ વાસ્તવમાં ભાજપમાં પ્રમુખ સહિતના હોદ્દા શોભાના ગાંઠિયા જેવા છે કેમ કે અસલી શો તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચલાવે છે. સંગઠનમાં બેઠેલા લોકોએ તો મોડિફાઈડ કારકુન બનીને તેમનો પડ્યા બોલ ઝીલવાના હોય છે. ભારત લોકશાહી દેશ છે અને રાજકીય પક્ષોએ લોકશાહીને અનુસરતા હોવાનું સાબિત કરવા માટે સંગઠનની ચૂંટણીઓ કરવા સહિતનાં નાટકો કરવાં પડે છે પણ ભાજપ કૉંગ્રેસ કે બીજા પક્ષોથી અલગ નથી.
કૉંગ્રેસ સહિતના પક્ષોમાં વંશવાદની બોલબાલા છે તો ભાજપમાં ચાપલૂસીની બોલબાલા છે. આ સંજોગોમાં નબીન ગમે તેટલા સક્ષમ નેતા હોય તો પણ તેમની પાસે કરવા જેવું કશું છે જ નહીં. ખાલી સાહેબોની અમીનજર રહે એટલે બસ છે. આ રીતે નડ્ડાએ ચાર વરસ ખેંચી કાઢ્યાં ને નબીન તો આ કામમાં તેમના કરતાં વધારે માહિર છે તેથી બે ટર્મ પણ ખેંચી કાઢે તો નવાઈ નહી.