નવી દિલ્હી: ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને રોકવા અને ગાઝામાં કાયમી શાંતિ સ્થાપવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ એક વૈશ્વિક મંચ તૈયાર કરી રહ્યા છે. ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષને વિરામ આપવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક 'શાંતિ બોર્ડ' (Peace Board)ની રચના કરવામાં આવી છે. આ બોર્ડમાં જોડાવા માટે ઘણા દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત પણ તે પૈકીનો એક દેશ છે. જોકે, હજુ ઘણા દેશોએ આ આમંત્રણ સ્વીકાર્યું નથી.
ભારતની 'થોભો અને રાહ જુઓ'ની નીતિ
ગાઝા 'શાંતિ બોર્ડ'માં જોડાવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અનેક નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાકિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત (UAE), ઇજિપ્ત, બહેરીન, મોરોક્કો, હંગેરી, કઝાકિસ્તાન અને વિયેતનામ જેવા દેશોએ આ બોર્ડમાં જોડાવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જોકે, ભારતે હજુ સુધી આ પ્રસ્તાવ પર કોઈ સત્તાવાર મહોર મારી નથી. ભારત ઉપરાંત ચીન, રશિયા, જર્મની, ઇટાલી, તુર્કી અને યુક્રેન જેવા દેશોએ હજુ સુધી આ આમંત્રણનો સ્પષ્ટ જવાબ આપ્યો નથી.
ગાઝા 'શાંતિ બોર્ડ'માં જોડાવા મુદ્દે ભારત હાલ 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. નિષ્ણાતોના મતે, ભારત હંમેશા વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા વિવાદો ઉકેલવાનું પક્ષધર રહ્યું છે. જોકે, ગાઝાનો મુદ્દો જટિલ હોવાથી ભારત કોઈ પણ જૂથમાં જોડાતા પહેલા તેના હિતો અને મધ્ય પૂર્વના દેશો સાથેના સંબંધોને ધ્યાનમાં રાખી રહ્યું છે. ભારતની વ્યૂહરચના એ જોવાની રહેશે કે આ બોર્ડ માત્ર ગાઝા પૂરતું મર્યાદિત રહેશે કે અન્ય વૈશ્વિક સંઘર્ષોમાં પણ ભૂમિકા ભજવશે.
ઉલ્લેખનીય છે કે, સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલા 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ' (WEF) દરમિયાન આજે ડોનાલ્ડ ટ્રમ્પ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવાના છે. આ સમારોહમાં તેઓ શાંતિ બોર્ડની રૂપરેખા, તેના સભ્યો અને ભવિષ્યની યોજનાઓની સત્તાવાર જાહેરાત કરશે. ભારત આ પહેલના દરેક પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે કારણ કે આ એક અત્યંત સંવેદનશીલ રાજદ્વારી મુદ્દો છે.