Sat Sep 05 2026

Logo

સીમાંકન બિલ મુદ્દે કોંગ્રેસ ભાજપની પડખે? મીડિયામાં જાગેલી ચર્ચાને કારણે કોંગ્રેસે કરી સ્પષ્ટતા

2026-07-19 15:56:09
Author: Devayat Khatana
સીમાંકન બિલ મુદ્દે કોંગ્રેસ ભાજપની પડખે? મીડિયામાં જાગેલી ચર્ચાને કારણે કોંગ્રેસે કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: આગામી દિવસોમાં શરૂ થનારા સંસદના મહત્વપૂર્ણ ચોમાસુ સત્ર પૂર્વે યોજાયેલી સર્વદળીય બેઠક બાદ રાજકીય ગરમાવો તેજ થયો છે. ખાસ કરીને સીમાંકન બિલ મુદ્દે કોંગ્રેસના વલણને લઈને ચાલી રહેલી અટકળો પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ આ પ્રસ્તાવિત બિલનું સમર્થન કરી રહી નથી. મીડિયામાં ચાલતી અહેવાલોને તેમણે પાયાવિહોણી અને મનઘડત ગણાવી છે.

સોશિયલ મીડિયા પર આકરા પ્રહાર કરતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, કેટલાક ટીવી ચેનલો દ્વારા જાણીજોઈને ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસે સર્વદળીય બેઠકમાં સીમાંકન બિલને સમર્થન આપ્યું છે. તેમણે આવા મીડિયા હાઉસને આડે હાથ લેતા કહ્યું કે, આ પ્રકારની માહિતી તદ્દન ખોટી છે અને વિપક્ષના વલણ વિશે ભ્રમ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મોદી સરકાર આ સત્રમાં મહિલા અનામત અને લોકસભા-વિધાનસભાની સીટો વધારવા અંગેનું સીમાંકન બિલ ફરીથી રજૂ કરી શકે છે. અગાઉ એપ્રિલમાં બહુમતીના અભાવે આ બિલ પાસ થઈ શક્યું ન હતું, પરંતુ હવે સરકાર તમામ રાજ્યોમાં 50 ટકા સીટો વધારવાની તૈયારી સાથે આ બિલ પસાર કરાવવા માટે વ્યૂહરચના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે બંધારણીય સુધારા માટે બે-તૃતીયાંશ બહુમતી એટલે કે 360 સાંસદોના ટેકાની જરૂર પડે છે.

સંસદમાં બદલાતા સમીકરણો પર નજર કરીએ તો, NDA પોતાની સંખ્યા વધારવા માટે મથી રહ્યું છે. હાલમાં NDA પાસે 293 સાંસદોનું સમર્થન છે, પરંતુ વિવિધ પક્ષોના સમીકરણો અને જોડાણો જોતા આ આંકડો 354 સુધી પહોંચવાની શક્યતા છે. સરકાર બહુમતી માટે જરૂરી આંકડા સુધી પહોંચવા મથામણ કરી રહી છે, તેમ છતાં સરકારે સત્તાવાર રીતે આ બિલ રજૂ કરવા અંગે કોઈ જાહેરાત કરી નથી. આમ ચોમાસુ સત્રમાં આ બિલ રાજકીય જંગનું મુખ્ય કેન્દ્ર બની રહે તેવી પૂરેપૂરી સંભાવના છે.