બેંગલુરુ : કર્ણાટકમાં કોંગ્રેસ એકશન મોડમાં આવી છે. જેમાં પાર્ટીએ શુક્રવારે સિદલાઘટ્ટા મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ અપશબ્દો બોલવા બદલ વરિષ્ઠ નેતા રાજીવ ગૌડાને સસ્પેન્ડ કર્યા હતા. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમૃતા ગૌડાની ફરિયાદ બાદ 14 જાન્યુઆરીએ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં કમિશ્નર અમૃતા ગૌડાએ આરોપ લગાવ્યો હતો કે તેમણે ફોન પર તેમના ફોટાવાળું બેનર દૂર કરવા બદલ ફોન પર ગાળ બોલ્યા હતા ધમકી આપી હતી.
રાજીવ ગૌડાને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી
જોકે, આ અંગે કોંગ્રેસ રાજ્ય શિસ્ત સમિતિના અધ્યક્ષ કે. રહેમાન ખાને જણાવ્યું હતું કે રાજીવ ગૌડાને મામલાની ગંભીરતાને કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટનાના દસ દિવસ પછી પણ પોલીસ તેમને શોધી શકી નથી. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ બુધવારે 21 જાન્યુઆરી ના રોજ મ્યુનિસિપલ કમિશનરને ધમકી આપવા અને દુર્વ્યવહાર કરવા બદલ રાજીવ ગૌડાને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. આ ઘટનાએ રાષ્ટ્રીય સ્તરે શાસક કોંગ્રેસ પાર્ટીને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી હતી. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે એમ પણ કહ્યું હતું કે જો કોઈ કોંગ્રેસના નેતા આવું કૃત્ય કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
હજુ સુધી નોટિસનો જવાબ આપ્યો નથી
ઉલ્લેખનીય છે કે , રાજીવ ગૌડાએ સિદલાઘટ્ટાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે છેલ્લી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તેઓ ખાદ્ય મંત્રી કેએચ મુનિયપ્પા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નજીકના હોવાનું કહેવાય છે. કેપીસીસીના વડા ડીકે શિવકુમારના નિર્દેશ બાદ રાજ્ય શિસ્ત સમિતિએ તેમને 15 જાન્યુઆરી, 2026 ના રોજ નોટિસ ફટકારી હતી. જોકે, તેમણે હજુ સુધી નોટિસનો જવાબ આપ્યો નથી.
રાજ્ય કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ (વહીવટ) જી.સી. ચંદ્રશેખરે શિસ્ત સમિતિના અધ્યક્ષ કે. રહેમાન ખાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, "આ મામલે રાજીવ ગૌડા દ્વારા આપવામાં આવેલા નિવેદનો મીડિયામાં વ્યાપકપણે પ્રસારિત થયા છે. જેના કારણે પાર્ટી અને તેના નેતૃત્વને શરમજનક સ્થિતીમાં મુકાવું પડ્યું છે. કેપીસીસી પ્રમુખે આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને નિર્દેશ આપ્યો છે કે રાજીવ ગૌડા ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો મામલો કેપીસીસી શિસ્ત સમિતિને મોકલવામાં આવે.
હાઈકોર્ટ દ્વારા અરજદારને ઠપકો આપવામાં આવ્યો
આ ઉપરાંત મંગળવારે કર્ણાટક હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાજીવ ગૌડાને મહિલા મ્યુનિસિપલ કમિશનરને ફોન પર ધમકી આપવા અને દુર્વ્યવહાર કરવા બદલ ઠપકો આપ્યો હતો. તેમજ સરકારને પ્રશ્ન કર્યો હતો કે તેણે તેમની સામે ગંભીર આરોપો કેમ દાખલ કર્યા નથી. બેન્ચે આ કેસમાં તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની અરજીની સુનાવણી દરમિયાન અરજદારને ઠપકો આપ્યો હતો. રાજીવ ગૌડા હાલમાં ફરાર છે અને અરજી તેમના વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું, શું અરજદારને મહિલાઓ પ્રત્યે કોઈ માન નથી. તેમજ એકવાર બોલાયેલા શબ્દો પાછા લઈ શકાતા નથી