Tue Jan 27 2026

Logo

White Logo

પાકિસ્તાનના રવાડે ચડ્યું બાંગ્લાદેશ, આટલા અબજ રૂપિયાનું નુકસાન ભોગવવું પડશે

3 days ago
Author: Ajay Motiwala
Video

ખેલાડીઓમાં નારાજગી ફેલાઈ શકે, ક્રિકેટ બોર્ડ બરખાસ્ત થઈ શકે

દુબઈ/ઢાકાઃ
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આવતા મહિને ભારત અને શ્રીલંકામાં રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના સ્થાને સ્કૉટલૅન્ડનો સમાવેશ કરી નાખવામાં આવ્યો છે એવું સત્તાવાર રીતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને જણાવી દીધું એ સાથે આ જલદ વિષયમાં કેટલાક નવા વળાંકો જોવા મળશે અને વિવાદના નવા ફણગાં ફૂટશે એમાં બેમત નથી. સૌથી મોટી વાત એ છે બાંગ્લાદેશ ક્રિકેટને આ બહિષ્કારથી આર્થિક (Financial) રીતે બહુ મોટું નુકસાન થશે.

પાકિસ્તાનની ચડામણીથી બધુ ગુમાવ્યું

બાંગ્લાદેશમાં લગભગ દરરોજ હિન્દુ નાગરિકોની હત્યા થઈ રહી છે. બીસીસીઆઇએ બાંગ્લાદેશી પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને આઇપીએલમાં કેકેઆરની ટીમમાંથી કઢાવડાવ્યો એટલે બાંગ્લાદેશ સરકાર અને એના ક્રિકેટ બોર્ડ નક્કી કર્યું કે તેઓ પોતાના ખેલાડીઓને (અસલામતીના કારણસર) વર્લ્ડ કપમાં રમવા ભારતના પ્રવાસે નહીં મોકલે. બાંગ્લાદેશે વિકલ્પ તરીકે શ્રીલંકામાં પોતાની મૅચો રાખવા આઇસીસીને વારંવાર વિનંતી કરી હતી, પણ એ ફગાવી દેવામાં આવી અને છેવટે પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશે વર્લ્ડ કપમાંથી જ હાથ ધોઈ નાખવા પડ્યા. આઇસીસીની મીટિંગમાં બાંગ્લાદેશની માગણીને એકમાત્ર પાકિસ્તાને ટેકો આપ્યો હતો. પાકિસ્તાને જ બાંગ્લાદેશને ભારતમાં પોતાના ખેલાડીઓ ન મોકલવા ભરમાવ્યું હતું. બાંગ્લાદેશે ધાર્યું હશે કે આઇસીસી સહાનુભૂતિ બતાવીને એની માગણી સ્વીકારશે, પણ આઇસીસી ટસનું મસ ન થયું અને સખત વલણ અપનાવીને એના સ્થાને સ્કૉટલૅન્ડનો સમાવેશ કરીને યોગ્ય ફેંસલો આપી દીધો.

ટૂંકમાં, બાંગ્લાદેશના ખેલાડીઓ દેશની સરકાર અને ક્રિકેટ-સત્તાધીશોની મેલી રાજરમતનો શિકાર થયા છે. તેમને વર્લ્ડ કપમાં નહીં રમવા મળે એ બદલ તેમનું ક્રિકેટ બોર્ડ તેમને વળતર આપવાની સ્થિતિમાં પણ નથી, સાવ કંગાળ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના હોદ્દેદારોમાં મોટી ફેરબદલ પણ જોવા મળશે તો નવાઈ નહીં લાગે.

બાંગ્લાદેશને 13.75 અબજ રૂપિયાનું નુકસાન?

એક અંદાજ મુજબ બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી કાઢી મૂકવામાં આવ્યું એનાથી બાંગ્લાદેશ ક્રિકેટને કુલ મળીને 150 મિલિયન ડૉલર (આશરે 13.75 અબજ રૂપિયા)નું નુકસાન થઈ શકે. આઇસીસી તરફથી કુલ આવકમાંથી મળનારો 240 કરોડનો હિસ્સો હવે બાંગ્લાદેશને નહીં મળે. વર્લ્ડ કપ માટે અગાઉથી બ્રૉડકાસ્ટિંગ કૉન્ટ્રૅક્ટ થયા હશે, પણ હવે બાંગ્લાદેશનો વર્લ્ડ કપમાંથી એકડો નીકળી જતાં બ્રૉડકાસ્ટિંગ દ્વારા મળનારી કરોડો રૂપિયાની કમાણી પણ ગુમાવવી પડશે. સ્પૉન્સર્સ સાથેના કરાર પણ હવે પૂર્ણ નહીં થાય એટલે ક્રિકેટ બોર્ડને એનું પણ નુકસાન થશે. ક્રિકેટ બોર્ડની વાર્ષિક આવકમાં 60 ટકા જેટલો ઘટાડો જોવા મળી શકે.

ભારત સપ્ટેમ્બરમાં ટીમ નહીં મોકલે

આગામી ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશમાં ભારત સામે કેટલીક સિરીઝ રમાવાની હતી, પણ હિન્દુઓની અવિરતપણે હત્યા થતી રહી હોવાથી અને બાંગ્લાદેશે પોતાના ક્રિકેટરોને ભારત મોકલવાનું ટાળતાં હવે ભારત પોતાના ખેલાડીઓને આ વર્ષે બાંગ્લાદેશ નહીં મોકલે. જોકે ભારતે અગાઉ જ સ્પષ્ટતા કરી દીધી હતી કે જ્યાં સુધી બાંગ્લાદેશમાં રાજકીય અને સામાજિક અરાજકતા બંધ નહીં થાય ત્યાં સુધી ભારત પોતાના ક્રિકેટરોને બાંગ્લાદેશના પ્રવાસે નહીં મોકલે.