અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રાજ્ય વેરા વિભાગમાં ફરજ બજાવતા જીએસટી ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના સમર્થનમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. શંકરાચાર્ય દ્વારા મુખ્ય પ્રધાન પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં તેમણે આ આકરો નિર્ણય લીધો છે. પ્રશાંત કુમારે રાજ્યપાલને મોકલેલા બે પાનાના રાજીનામામાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની વિચારધારા સાથે મક્કમતાથી ઊભા છે.
પોતાના રાજીનામામાં ડેપ્યુટી કમિશનરે ભાવુક થતા લખ્યું છે કે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ લોકશાહી ઢબે ચૂંટાયેલા રાજ્યના વડા છે અને તેમનું અપમાન કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, જે પ્રદેશનું તેઓ મીઠું ખાય છે અને જ્યાંથી તેમને પગાર મળે છે, તે પ્રદેશના નેતૃત્વના સન્માન ખાતર આ નિર્ણય લેવો તેમની નૈતિક ફરજ છે. શંકરાચાર્યની ટિપ્પણીથી તેઓ છેલ્લા ત્રણ દિવસથી માનસિક રીતે વ્યથિત હતા અને આ નિર્ણય કોઈના દબાણમાં નહીં પણ આત્મસન્માન અને પોતાના વિચારોના આધારે લીધો છે.
પ્રશાંત કુમાર સિંહ વર્ષ 2023થી અયોધ્યામાં તૈનાત હતા. તેમણે જાહેરાત કરી છે કે રાજીનામું સ્વીકારાયા બાદ તેઓ પોતાના વ્યક્તિગત સંસાધનો દ્વારા સામાજિક કાર્યોમાં યોગદાન આપશે. અગાઉ સોમવારે બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પણ રાજીનામું આપ્યું હતું, જોકે ત્યાર બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગ્નિહોત્રીએ જિલ્લા વહીવટીતંત્ર પર માનસિક દબાણ અને અટકાયતના ગંભીર આક્ષેપો કર્યા હતા.
આ ઘટનાક્રમને પગલે અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશના વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. અધિકારીઓ દ્વારા રાજકીય સમર્થન કે વિરોધમાં રાજીનામા આપવાની આ ઘટનાઓએ શાસન વ્યવસ્થામાં નવી ચર્ચા છેડી દીધી છે.