Tue Jan 27 2026

Logo

White Logo

કવર સ્ટોરીઃ રેહમાનને કામ નથી મળતું, કારણ કે...

4 days ago
Author: Mumbaisamachar Team
Video

મૂળ નામ એ. એસ. દિલીપ કુમાર પણ 23 વર્ષની ઉંમરે ધર્માંતરણ પછી અલ્લારખા રેહમાન બનેલા આ અલાયદા સંગીતકારનું નામ વિવાદમાં ઘેરાયું છે. એક ઈન્ટરવ્યૂમાં સંગીતકારે વ્યથા ઠાલવી છે- ફરિયાદ કરી છે કે છેલ્લા આઠ વર્ષમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી મળતા કામમાં ઓટ આવી છે અને એનું કારણ જાતિવાદ હોઈ શકે છે. રેહમાને કોમ્યુનલ શબ્દ વાપર્યો છે જેનો અર્થ મુસ્લિમ થાય. સાથે સંગીતકારે એમ પણ કહ્યું છે કે ‘ક્રિયેટિવ નથી એવા લોકો પાવરફુલ બની ગયા હોવાથી પોતાને કામ ઓછું મળી રહ્યું છે...’

આ પછી રેહમાન ઉમેરે છે કે ‘મોઢા પર કોઈ નથી કહેતું, પણ વાયા વાયા વાત મારા કાન સુધી પહોંચે છે કે નિર્માતા તો તમારી પાસે મ્યુઝિક કંપોઝ કરાવવા માગતા હતા, પણ મ્યુઝિક કંપનીઓએ ઉપરવટ થઈ તેમના પાંચ કમ્પોઝરને કામ આપી દીધું. હું કામની શોધમાં નથી અને મારે મને કામ આપો એવી ટહેલ નથી નાખવી. સામે ચાલીને મળશે એ જ કામ હું કરીશ. હું લાયક હોઈશ એ જ કામ મને મળશે.’

ઈન્ટરવ્યૂમાં રેહમાને બીજી પણ કેટલીક વાત કરી છે, પણ ‘જાતિવાદને કારણે કદાચ મને કામ ઓછું મળી રહ્યું છે’ એ બેસૂરા મુદ્દાને કારણે સંગીતકાર સામે તોપ તાકવામાં આવી છે. અલબત્ત, કદાચ નામની ઢાલ રેહમાને વાપરી છે, પણ ધર્મને કારણે (મુસ્લિમ હોવાને કારણે) પોતાને કામ ઓછું મળી રહ્યું છે એ વાત સો ટકા ખોટી તો છે જ, વાહિયાત પણ છે. હા, કયા સંગીતકારને કામ આપવું એના બદલાયેલાં વ્યવસાયિક કારણોની દલીલમાં વજૂદ છે ખરું.

કોમ્યુનલ હોવાને કારણે કામ ઓછું મળી રહ્યું છે એ દલીલ સદંતર ખોટી છે એ સાબિત પણ કરવું પડે એમ નથી. હાલ રેહમાન પાસે જે હિન્દી ફિલ્મો છે એમાં પહેલું નામ તોતિંગ બજેટ ધરાવતી નિતેશ તિવારીની ‘રામાયણ’નું જ આવે. વાત દીવા જેવી સ્પષ્ટ છે કે જો ધર્મ આડખીલી બનતો હોય તો હિન્દુ સંસ્કૃતિનો મહિમા ગાતી ‘રામાયણ’ ફિલ્મનું સંગીત તૈયાર કરવાની તક રેહમાનને ન મળે. આ સિવાય અન્ય છ હિન્દી ફિલ્મ અને એક ટીવી સિરીઝના સંગીત પર એ કામ કરી રહ્યા છે અથવા સંગીત તૈયાર થઈ ગયું છે. 

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસ તરફ નજર નાખશો તો એવા અનેક ઉદાહરણ મળશે કે લોકોને ગમી ગયું હોય એવું સંગીત આપ્યું હોવા છતાં સંગીતકારને ફિલ્મ મળતી બંધ થઈ હોય. આવું થવાના એકથી વધુ કારણ આપવામાં આવ્યા હતા.

મદન મોહન કેવા સફળ અને સુરીલા સંગીતકાર હતા એની છણાવટ કરવાની ન હોય, પણ એમની કારકિર્દી પર નજર નાખવાથી સંગીતકાર તરીકેનું કામ કેમ છીનવાઈ જાય એનું સચોટ કારણ ચોક્કસ જડી આવે છે. શરૂઆત 1950ના પ્રારંભમાં અને 1958ની ‘અદાલત’થી (‘યૂં હસરતોં કે દાગ મોહબ્બત મેં ધો લિયે’ યાદ હશે) બોલબાલા થઈ અને 1960ના શંકર જયકિશન, એસ. ડી. બર્મન અને ઓ. પી. નય્યરના દબદબાવાળા દાયકામાં પણ મદનજીની 25થી વધુ ફિલ્મ રિલીઝ થઈ અને ‘ગઝલ સમ્રાટ’નું બિરુદ મળ્યું. 

જોકે, પાંચમા નહીં, પચીસમાં પુછાતા આ અફલાતૂન સંગીતકારના 1970ના દાયકામાં એવા વળતા પાણી થયા કે હતાશા અને શરાબ સેવનને કારણે 1975માં એમનું અવસાન થયું. મદન મોહનને કામ નહીં મળવા માટે ક્યારેય કોઈ અંગત કારણ આપવામાં નહોતું આવ્યું. મુખ્ય કારણ હતું હિન્દી ફિલ્મ સંગીતમાં કેટલાક સમીકરણ બની રહ્યા હતા જેમાં એક્ટરનો ફલાણા સંગીતકાર માટે આગ્રહ જવાબદાર હતો. 

જેમ કે રાજ કપૂર કામ કરતા હોય એ ફિલ્મમાં શંકર જયકિશનનો જ આગ્રહ રાખવામાં આવતો. એવી જ રીતે દેવ આનંદ બર્મન પિતા-પુત્ર અને દિલીપ કુમાર નૌશાદ સાબનો આગ્રહ રાખતા થઈ ગયા હતા. એક સમય હતો જ્યારે તલત મેહમૂદ જ દિલીપ કુમારને પ્લેબેક આપતા પણ પછી દિલીપ કુમાર મોહમ્મદ રફીનો આગ્રહ રાખતા થયા અને તલતજીનું પત્તુ કપાઈ ગયું.

બીજી એક વાત એ પણ બની કે ‘તીસરી મંઝિલ’માં રાહુલ દેવ બર્મનના પાશ્ચાત્ય છાંટવાળા મ્યુઝિકથી સંગીત રસિકો પ્રભાવિત થયા. લોકોની રુચિ બદલાઈ અને મદન મોહન જ નહીં અન્ય સંગીતકાર પણ હાંસિયામાં ધકેલાઈ ગયા. આવું તો ચાલ્યા કરે. છેવટે ફિલ્મ મેકિંગ એક વ્યવસાય છે અને એમાં દરેકની પસંદગી અને ગ્રાહકને એટલે કે દર્શકને શું ગમશે એને પ્રાધાન્ય અપાય એ સ્વાભાવિક બાબત ગણાય. આવા બીજા અનેક ઉદાહરણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઉપલબ્ધ છે.

આ પરિપ્રેક્ષ્યમાં રેહમાનને કામ કેમ નથી મળતું એની ચર્ચા થવી જોઈએ કે સંગીતકારે આત્મમંથન કરવું જોઈએ. ફિલ્મ વર્તુળોમાં એક એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે રેહમાન જે પ્રકારનું સંગીત આપવા માટે જાણીતા છે એ માટે રુચિ ઘટી રહી છે. એમનો પ્રભાવ ઓસરી રહ્યો છે એવી પણ દલીલ થાય છે.

બીજી એક દલીલ એ પણ કરવામાં આવી છે કે રેહમાનનું મહત્તમ કામ મણિ રત્નમ, સુભાષ ઘઈ, આશુતોષ ગોવારિકર અને રામગોપાલ વર્મા સાથે હતું. આ મેકરો હવે વ્યસ્ત નથી. ગુલઝાર અને જાવેદ અખ્તરનાં ગીતોની ધૂન બનાવવા માટે પણ રેહમાન ખ્યાતિ ધરાવે છે. જોકે, આ બંને અવ્વ્લ ગીતકાર પણ બહુ ઓછું કામ કરી રહ્યા છે. 

બીજી એક વાત એ પણ છે કે તાજેતરનું હિટ થયેલું સંગીત જોશો તો એમાં જૂનાં ગીતો મોડર્ન સ્ટાઈલમાં રિમિક્સ કરીને કે પછી સોશ્યલ મીડિયાના રીલ કે પછી અમુક પ્રકારનો ધ્વનિ ધરાવતા ટ્રેન્ડનો પ્રભાવ જોવા મળે છે. રેહમાન એવું સંગીત ન આપી શકે અને આપવું પણ ન જોઈએ. કામ ન મળવા માટે આ અને આવાં કારણોની દલીલ કરવી જોઈતી હતી. સંગીતનું ઘસાયેલું સ્તર કે બદલાયેલી રુચિના રોદણાં રડ્યા હોત તો લેખે લાગત. સુભાષ ઘઈની ફિલ્મનું ‘તાલ સે તાલ મિલા’ રેહમાને જ સ્વરબદ્ધ કર્યું છે ને...

જોકે આ બધા વચ્ચે સમય સાથે બદલાઈ જવા તૈયાર રહેવું જોઈએ (જે કદાચ રેહમાન માટે શક્ય નહીં હોય) અથવા તો ‘ઈઝ્ઝત-એ-શોહરત-એ-ઉલ્ફત એ સબ કુછ ઈસ દુનિયા મેં રહતા નહીં, આજ મૈં હૂં જહાં કલ કોઈ ઔર થા, યે ભી એક દોર હૈ વો ભી એક દોર થા’ એ રાજેશ ખન્નાના ડાયલોગની વાસ્તવિકતા સ્વીકારી આવતી કાલે સમય પાછો આવી શકે છે એની આશા રાખવી જોઈએ.

રેહમાને કહ્યું છે કે ‘હું કામ શોધવા નહીં જાઉં.’ મિસ્ટર રેહમાન, તમારી મરજી. બાકી અમિતજીનું ઉદાહરણ યાદ કરી જોજો. ભાઈદાસ હોલમાં સંજય ગોરડિયા નિર્મિત જયા બચ્ચનના ‘માં રિટાયર હોતી હૈ’નું ગ્રાન્ડ રિહર્સલ ચાલી રહ્યું હતું ત્યારે અમિતજી ત્યાં આવેલા ત્યારે એમના ચહેરા પર નિરાશાનું જંગલ જોઈને થોડી પીડા અનુભવી હતી, પણ અમિતજી હાથ જોડીને બેસી ન રહ્યા અને ‘યશજી, મારી પાસે કોઈ કામ નથી. મને કામ મળી શકે?’ એ મતલબની રજૂઆત કરી. યશ ચોપડાની ‘મોહબ્બતેં’થી અમિતજીની સિનિયર સિટિઝનની ઈનિંગ્સની શરૂઆત થઈ અને 25 વર્ષ પછી પણ અડીખમ છે. કામ કરવું હોય ત્યારે માગવામાં છોછ ન હોવો જોઈએ. હા, કોની પાસે માગવું એમાં ચીવટ જરૂર રાખી શકાય.