Wed Jul 15 2026

Logo

ગુજરાતમાં ફરી ધબધબાટી બોલશે કે વધશે 'બફારો'? જાણી લો IMDની નવી આગાહી!

2026-07-15 20:41:19
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશમાં બે અલગ-અલગ મોસમનો અહેસાસ થઈ રહ્યો છે. પૂર્વોત્તરના રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે મધ્ય ભારતમાં હજુ પણ બફારો યથાવત્ છે. માહોલ વરસાદી બની રહ્યો છે પણ કેટલાય એવા રાજ્યો છે, જેમાં એક ટીપું પણ વરસાદ નથી. જે શહેરમાં દિવસની શરૂઆત થતાં જ વરસાદી વાદળો જોવા મળતા હતા ત્યાં તડકો થઈ રહ્યો છે. દિવસભર ગરમી લાગી રહી છે. ગરમાવાના અહેસાસ વચ્ચે દિવસ કરતા રાત્રનો બફારો લોકોને અકળાવી રહ્યો છે. આકાશમાં વરસાદી વાદળા કરતા આકાશ સ્વચ્છ દેખાઈ રહ્યું છે. 

ભારતમાં વરસાદનું જોર ઘટ્યું

ચોમાસાની ગતિમાં ઘટાડો થયો છે. જેના પરિણામે અનેક એવા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો નથી. દેશના હવામાન ખાતાએ આપેલા એક રિપોર્ટ અનુસાર આને વેધર એનાલિટિક્સની ભાષામાં બ્રેક ઈન મોન્સૂન કહેવાય છે. થોડા જ દિવસોમાં વરસાદની સમગ્ર સિસ્ટમ નબળી પડી જાય અને વરસાદ પડવાનો હોય એ વિસ્તાર ચોખ્ખો બની જાય છે. ટૂંકમાં ત્યાં કોઈ પ્રકારે વરસાદ થતો નથી. 
દેશના હવામાન વિભાગે રિપોર્ટ આપતા કહ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદનું જોર ઘટ્યું છે. સમુદ્રી હવા, પ્રેશર, વરસાદી સિસ્ટમ અને વાદળાઓ વચ્ચેનું ખેંચાણ જેવા પરિબળ કામ કરતા હોવાથી એક સિસ્ટમ તૈયાર થતા અને તેને આગળ વધતા ઘણો સમય લાગે છે. આ વર્ષે સૌથી મોટી મુશ્કેલી એ ઊભી થઈ છે કે, કેરળથી શરૂ થયેલું ચોમાસું મહારાષ્ટ્ર પહોંચે ત્યાં સુધીમાં ધીમું પડી ગયું હતું. આ કારણે ગુજરાતના દક્ષિણ પ્રાંત સુધી જ ચોમાસું પહોંચ્યું હતું. 

ગુજરાતમાં વરસાદ ક્યારે?

ગુજરાતમાં જે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યાં અલગ સિસ્ટમ તૈયાર થતા પ્રેશરને કારણે વરસાદ થયો છે. બંગાળની ખાડીમાં જે નવું લૉ પ્રેશર ઊભું થવું જોઈએ એ થયું નથી. જો જુલાઈ મહિનામાં આ સિસ્ટમ તૈયાર થશે તો ગુજરાતથી લઈને છેક દિલ્હી સુધી વરસાદ ફરી શરૂ થશે. બીજી બાજુ પેસિફિક ઓસનમાં જે વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે એ ભારતની તરફેણમાં નથી. આ કારણે પશ્ચિમ પ્રાંત અને અરબ સાગર પરથી તૈયાર થતી સિસ્ટમ થોડી નબળી છે. આ કારણે હવાનો વેગ ઘટે છે અને વરસાદની ગતિ ધીમી પડી જાય છે. મોન્સૂન ટ્રફને વરસાદનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. 

હાલમાં ટ્રફ હિમાલયની તળેટી ધરાવતા વિસ્તારમાં છે. આ ટ્રફ જ્યાં પણ જાય છે ત્યાં વરસાદી વાદળા બને છે. આ કારણે હિમાચલ પ્રદેશથી લઈને બિહાર સુધીના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 17 જુલાઈ બાદ વરસાદ પડે એવી પૂરી શક્યતાઓ છે. એક નવી સિસ્ટમ સર્વત્ર ગુજરાતમાં વરસાદ પાડી શકે છે. હાલમાં ભારતમાં બે જુદા જુદા મૌસમથી એક અસર જોવા મળી રહી છે. 

કઈ મોટી સમસ્યા આ વર્ષ થઈ?

સમસ્યાએ થઈ છે કે આ વર્ષે ચોમાસું વર્ગીકૃત થઈ ગયું છે. મોનસૂન સીઝન ખતમ થઈ નથી પણ આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. લોકો એવું કહી રહ્યા છે કે, જુન મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં વરસાદ જોઈએ એવો પડ્યો નથી. તાપમાનમાં ઘટાડો થયો છે પણ બફારાથી કોઈ રીતે રાહત મળી નથી. ખાસ કરીને દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરીય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સુધી વરસાદના અભાવની એક અસર જોવા મળી છે. 

સૌથી વધારે મુશ્કેલીઓ ખેડૂતોને હાલમાં થઈ રહી છે. વાવણી શરૂ કર્યા બાદ જો હવે પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડે તો મોટી મુશ્કેલીઓ ઊભી થશે. પૂરતો વરસાદ નહીં પડે તો જળાયશોમાં પણ પાણીને લઈને એક પડકાર ઊભો થશે.17 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની શકે છે. જેના કારણે વેગ સાથે પવન ફૂંકાશે અને વરસાદ પણ પડી શકે છે.