લંડનઃ ચેક રિપબ્લિક (ચેકિયા)ની ટેનિસ ખેલાડી લિન્ડા નૉસ્કોવાએ શનિવારે અહીં વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપનો સિંગલ્સનો ખિતાબ જીત્યા બાદ આકાશ તરફ જોઈને સદગત મમ્મીને એ ટાઇટલ અર્પણ કર્યું હતું. તેની આંખોમાં આંસુ હતા, તેણે પોતાનો જમણા હાથ ચૂમ્યો અને આકાશની દિશામાં રાખ્યો હતો અને સદગત મમ્મીને ફ્લાઇંગ કિસ આપીને યાદ કર્યા હતા. પ્રેક્ષકોએ નૉસ્કોવાને સ્ટૅન્ડિંગ ઑવેશન આપ્યું હતું.
21 વર્ષની નૉસ્કોવા (Noskova)એ ફાઇનલમાં તેના જ દેશની ખેલાડી અને મિત્ર કૅરોલિના મુહોવાને 6-2, 5-7, 6-3થી હરાવી દીધી હતી. વિમ્બલ્ડનની ફાઇનલમાં ચેક રિપબ્લિકની બન્ને ખેલાડી રમી હોય એવું પહેલી જ વખત બન્યું હતું.
નૉસ્કોવાનાં મમ્મી ઇવાનાનું 2024માં કૅન્સરથી અવસાન થયું હતું. શનિવારે નૉસ્કોવાના પપ્પાએ સ્ટૅન્ડમાં બેસીને પુત્રીની યાદગાર મૅચ જોઈ હતી.
નૉસ્કોવાની ફાઇનલ તેના જ દેશનાં મહાન ખેલાડી માર્ટિના નવરાતિલોવાએ એક સ્ટૅન્ડમાં બેસીને માણી હતી અને તેને અભિનંદન આપ્યા હતા.