Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 7 ઓક્ટોબરે  સેવા જ્યોત યાત્રા યોજાશે

2026-10-06 20:05:29
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 7 ઓક્ટોબરે  સેવા જ્યોત યાત્રા યોજાશે

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન તરીકે જાહેર સેવાના 25  વર્ષ પૂર્ણ થશે. ત્યારે  તેમના આ 25  વર્ષના નિઃસ્વાર્થ નેતૃત્વ, વિકાસ અને સુશાસનના શાસનકાળ પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહ વ્યક્ત કરવા માટે સમગ્ર દેશ અને ગુજરાતમાં 'સેવા સંકલ્પ અભિયાન'  ચાલી રહ્યું છે.

ત્યારે ગુજરાતના  પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત તા. 7 ઓક્ટોબરના રોજ 'વિકસિત ભારત સંકલ્પ સભા' નું રાષ્ટ્રવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.00  કલાકે આ સભાના માધ્યમથી સમગ્ર દેશને સંબોધશે તેમ જ 'વિકસિત ભારત @ 2047 'નો સામૂહિક સંકલ્પ લેવડાવશે.

ગુજરાતના દરેક જિલ્લામાં કાર્યક્રમનું આયોજન

આ સભા અંતર્ગત ગુજરાતના દરેક જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, અમદાવાદ ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, વાવ-થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી,  રૂપાલ (ગાંધીનગર જિલ્લા)  ખાતે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી તથા  અન્ય જિલ્લાઓમાં વિવિધ પ્રભારી મંત્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાશે.

'સેવા જ્યોત યાત્રા' ને પ્રસ્થાન કરાવવામાં આવશે

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 'સેવા જ્યોત યાત્રા' ને પ્રસ્થાન કરાવવામાં આવશે. સમગ્ર દેશમાં તા. 07  ઓક્ટોબરના રોજ “સેવા જ્યોત યાત્રા” યોજાશે. ગુજરાતના દરેક જિલ્લા અને મહાનગરના પ્રસ્થાન સ્થળે વડાપ્રધાનના સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ત્યારબાદ સ્થાનિક અગ્રણીઓ દ્વારા 'સેવા જ્યોતિ' પ્રજ્વલિત કરી યાત્રાનો સત્તાવાર પ્રારંભ કરાવાશે.

વડનગર અને વારાણસી ખાતે યાત્રાનું સમાપન

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગત તા.17 સપ્ટેમ્બરથી શરૂ થયેલી દેશવ્યાપી 'સેવા સંકલ્પ યાત્રા'નું 7  ઓક્ટોબરે વડાપ્રધાનની જન્મભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાયેલા બે ઐતિહાસિક કેન્દ્રો વડનગર (ગુજરાત) અને વારાણસી (ઉત્તર પ્રદેશ) ખાતે એકસાથે સમાપન થશે. વડનગર ખાતે ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક સાથે આ યાત્રા સંપન્ન થશે.

પશ્ચિમ બંગાળના સીએમ અને સુવેન્દુ અધિકારી કેન્દ્રીય મંત્રી  શિવરાજસિંહ ચૌહાણ હાજર રહેશે 

વડનગરમાં સાંજે 4-૦૦ કલાકે યોજાનાર સમાપન કાર્યક્રમમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી  સુવેન્દુ અધિકારી, કેન્દ્રીય મંત્રી  શિવરાજસિંહ ચૌહાણ, નાયબ મુખ્યમંત્રી  હર્ષભાઈ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્મા અને યાત્રાના પ્રભારી  વી.ડી. શર્મા ખાસ ઉપસ્થિત રહેશે.આ અભિયાન અંતર્ગત યુવાનો દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, જળ સંરક્ષણ, ગૌ-સેવા અને વૃદ્ધાશ્રમોમાં સેવા જેવા અનેક સામાજિક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.