સ્થાનિકમાં ચાંદી રૂ. 3328 ચમકી, સોનામાં રૂ. 60નો સાધારણ સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડી હોવા છતાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાને કારણે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 0.6 ટકા જેટલો સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ 2.2 ટકા જેટલા ઉછળી આવ્યાના અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3328નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 60નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે 999 ટચ ચાંદીમાં જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3328ના ચમકારા સાથે રૂ. 2,24,157ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 60 વધીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,47,605 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,48,198ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 4165.49 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.8 ટકા વધીને 4194.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.2 ટકા ઉછળીને આૈંસદીઠ 61.72 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલના તબક્કે અમેરિકી સરકારના દેવાના વધી રહેલા સ્તરને ધ્યાનમાં લેતાં અમે સોનાના ભાવ દબાણ હેઠળ રહેવાની શક્યતા જાળવી રાખીએ છીએ, એમ યુબીએસનાં વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત ઊંચા વ્યાજદરના પડકારો સામે પણ સોનામાં એકંદરે ભાવની સ્થિતિ સારી છે. નોંધનીય બાબત એ છે કે ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકાનું દેવું વધીને સૌ પ્રથમ વખત 40 ટ્રિલ્યનની સપાટીએ પહોંચ્યું હતું, જેને રાજકોષીય કટોકટીની સ્થિતિ ગણી શકાય.
આજે બજારની નજર આગામી દિવસોમાં જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની ગત સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર સ્થિર થઈ છે. જોકે, ગત શુક્રવારે જાહેર થયેલા અમેરિકાના રોજગારીના નોન ફાર્મ પૅ રૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર રોકાણકારો આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા 18 ટકા અને ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 69 ટકા શક્યતા મૂકી રહ્યા હતા. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.