Tue Oct 06 2026

Logo

ICC વન-ડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, ભારત અને પાકિસ્તાન ક્યારે ટકરાશે એ પણ જાણી લો!

2026-10-01 22:26:00
Author: Mayur Patel
ICC વન-ડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, ભારત અને પાકિસ્તાન ક્યારે ટકરાશે એ પણ જાણી લો!

નવી દિલ્હીઃ ક્રિકેટ પ્રેમીઓ 2027ના વન ડે વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આઈસીસી દ્વારા આજે 2027 વન ડે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાનારી આ મેગા ટૂર્નામેન્ટ 2 ઓક્ટોબરથી 21 નવેમ્બર 2027 દરમિયાન રમાશે. વર્લ્ડ કપની શરૂઆત નામિબિયાની રાજધાની વિન્ડહોકમાં સુપર સિરીઝના મુકાબલાથી થશે, જ્યારે ફાઇનલ મેચ 21 નવેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો, 12 વેન્યુ અને 57 મેચો યોજાશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે અને 10 ઓકટોબરે એકબીજા સામે ટકરાશે.

A ગ્રુપમાં ભારત, પાકિસ્તાન

એશિયાના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનને A ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રુપમાં અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા, ઝીમ્બાબ્વે અને ક્વોલિયર-A છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 10 ઓક્ટોબરે રમાશે. બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે અને ટુર્નામેન્ટનું શિડ્યુલ જાહેર થાય તે પહેલાંથી જ આ મેચની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં આઠ મેચ રમાઈ છે અને આ તમામ મેચોમાં ભારતીય ટીમે વિજય મેળવ્યો છે. જ્યારે ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ન્યૂ ઝીલેન્ડ અને  ક્વોલિયર-B છે.

2027 વર્લ્ડ કપનું સૌથી મોટું આકર્ષણ તેનું બદલાયેલું ફોર્મેટ છે. 2023ની સરખામણીમાં આ વખતે ટીમોની સંખ્યા 10થી વધારીને 14 કરવામાં આવી છે અને સેમિફાઇનલ તથા ફાઇનલ પહેલાં સમગ્ર ટૂર્નામેન્ટને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે. જેમાં સુપર સિરીઝ, ગ્રુપ સ્ટેજ અને સુપર-7 સામેલ છે.

સૌપ્રથમ રમાશે સુપર સિરીઝ

વર્લ્ડ કપની શરૂઆત સૌથી નીચું રેન્કિંગ ધરાવતી 3 ટીમો વચ્ચે સુપર સિરીઝથી થશે. આ ત્રણેય ટીમો રાઉન્ડ-રોબિન પદ્ધતિથી એકબીજા સામે રમશે. આ તબક્કાની વિજેતા ટીમ જ આગામી રાઉન્ડમાં પહોંચશે, જ્યારે બાકીની બે ટીમોની વર્લ્ડ કપ સફર અહીં જ પૂરી થઈ જશે. એટલે કે, 14 ટીમો વાળા આ વર્લ્ડ કપમાં મુખ્ય ગ્રુપ સ્ટેજની શરૂઆત 12 ટીમો સાથે થશે. સુપર સિરીઝની મેચો નામિબિયાની રાજધાની વિન્ડહોકથી શરૂ થશે.

બીજા તબક્કામાં બે ગ્રુપ અને 30 મુકાબલા

સુપર સિરીઝ પૂર્ણ થયા બાદ 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપમાં છ-છ ટીમો હશે. દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની પાંચ ટીમો સાથે રાઉન્ડ-રોબિન પદ્ધતિથી મુકાબલો રમશે. આ તબક્કામાં કુલ 30 મેચો રમાશે. બંને ગ્રુપની ટોચની ત્રણ-ત્રણ ટીમો આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. આ ઉપરાંત બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી એક ટીમ પણ સુપર-7માં જગ્યા બનાવશે. આમ, કુલ સાત ટીમો આગામી રાઉન્ડમાં પહોંચશે.

https://x.com/ICC/status/2105686839827034384

સુપર-7માં જામશે અસલી રોમાંચ

સાત ટીમો ધરાવતો સુપર-7 તબક્કો આ વર્લ્ડ કપના ફોર્મેટનો સૌથી મોટો બદલાવ છે. અહીં તમામ સાતેય ટીમો રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજા સામે ટકરાશે. આ તબક્કામાં કુલ 21 મેચો રમાશે. સુપર-7ના પોઇન્ટ ટેબલમાં ટોચના ચાર સ્થાને રહેનારી ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. પ્રથમ સ્થાને રહેલી ટીમનો મુકાબલો ચોથા સ્થાનની ટીમ સામે થશે, જ્યારે બીજા સ્થાનની ટીમ ત્રીજા સ્થાન ધરાવતી ટીમ સામે સેમિફાઇનલ રમશે. બંને સેમિફાઇનલના વિજેતાઓ વચ્ચે ફાઇનલ જંગ જામશે.

14 ટીમો, 12 સ્થળો અને 57 મેચો

2027નો વર્લ્ડ કપ 24 વર્ષ પછી આફ્રિકા ઉપખંડમાં રમાશે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે આ અગાઉ 2003 વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યા છે, જ્યારે નામિબિયા પ્રથમ વખત મેન્સ સિનિયર વર્લ્ડ કપમાં સહ-યજમાનની ભૂમિકા ભજવશે. આ ટૂર્નામેન્ટ માટે ત્રણેય દેશોમાં કુલ 12 સ્થળો  નક્કી કરવામાં આવ્યા છે અને 57 મેચો રમાશે.

ટિકિટ માટે બેલેટ રજિસ્ટ્રેશન પણ શરૂ

શિડ્યુલ જાહેર થવાની સાથે જ વર્લ્ડ કપની ટિકિટો માટેની બેલેટ પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે. ક્રિકેટ ચાહકો 1 ઓક્ટોબરથી ટિકિટ બેલેટ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રક્રિયા 'પહેલા તે પહેલા'ના ધોરણે નથી અને ટિકિટ માટે અરજી કરવી એ ટિકિટ મળી જવાની ગેરંટી આપતું નથી.

2027નો વર્લ્ડ કપ એવા સમયે યોજાઈ રહ્યો છે જ્યારે ICCએ વધુ ટીમોને તક આપવાની સાથે શરૂઆતના તબક્કાથી જ મુકાબલાઓને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે ફોર્મેટમાં બદલાવ કર્યો છે. હવે ટીમોએ ખિતાબ જીતવા માટે સુપર સિરીઝથી માંડીને ગ્રુપ સ્ટેજ અને સુપર-7 જેવા વિવિધ પડકારો પાર કરવા પડશે.

કઈ ટીમો કરી ચૂકી છે ક્વોલિફાય?

યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ (ડાયરેક્ટ એન્ટ્રી) મળ્યો છે. આ સિવાય ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પણ સીધા ક્વોલિફાય થઈ ચૂક્યા છે. બાકીની ચાર ટીમોનો નિર્ણય આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી મલ્ટી-ટીમ ગ્લોબલ ક્વોલિફાયર મેચો દ્વારા થશે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ પણ આ ક્વોલિફાયરમાં ભાગ લેશે અને મુખ્ય ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે.

CWC 2027 માટે ભારતનું શિડ્યુલ :

ગ્રુપ સ્ટેજ :

7 ઓક્ટોબર - ભારત વિ. ઓસ્ટ્રેલિયા, કેપ ટાઉન

10 ઓક્ટોબર - ભારત વિ. પાકિસ્તાન, જોહાનિસબર્ગ

14 ઓક્ટોબર - ભારત વિ. અફઘાનિસ્તાન, ત્શ્વાને/સેન્ચુરિયન

17 ઓક્ટોબર - ભારત વિ. ક્વોલિફાયર A, બ્લોમફોન્ટેન

24 ઓક્ટોબર - ભારત વિ. ઝિમ્બાબ્વે, વિક્ટોરિયા ફોલ્સ

સુપર 7 : પ્રી-સીડિંગ્સ મુજબ

28 ઓક્ટોબર - ભારત (A1) વિ. ઓસ્ટ્રેલિયા (A2), વિક્ટોરિયા ફોલ્સ

31 ઓક્ટોબર - ભારત (A1) વિ. દક્ષિણ આફ્રિકા (B2), જોહાનિસબર્ગ

4 નવેમ્બર - ભારત (A1) વિ. ન્યુઝીલેન્ડ (B1), પાર્લ

7 નવેમ્બર - ભારત (A1) વિ. પાકિસ્તાન (A3), કેપ ટાઉન

11 નવેમ્બર - ભારત (A1) વિ. ઇંગ્લેન્ડ (AB4), ગ્કેબરહા (Gqeberha)

14 નવેમ્બર - ભારત (A1) વિ. શ્રીલંકા (B3), ડરબન

નોકઆઉટ્સ :

17 નવેમ્બર - સેમિફાઇનલ 1, કેપ ટાઉન

18 નવેમ્બર - સેમિફાઇનલ 2, ત્શ્વાને/સેન્ચુરિયન

21 નવેમ્બર - ફાઇનલ, જોહાનિસબર્ગ