‘પહેલા બાંધો, પછી વિચારો’ મોડલ! ક્યાંક વાયડક્ટની ઊંચાઈનું ગણિત ખોટું પડ્યું તો ક્યાંક લેનની ગોઠવણી પર સવાલો
મુંબઈ: મુંબઈના ઘાટકોપરમાં બાંધકામ હેઠળના રોડ ઓવરબ્રિજ સાથે વિકાસનું જાણે નવું સૂત્ર સામે આવ્યું છે—પહેલા કામ શરૂ કરો, થોડું પૂરું કરો અને પૈસા વેડફ્યા પછી ડિઝાઈન ફરી વિચારો! ઘાટકોપરના આરઓબીનું લગભગ 30 ટકા કામ પૂર્ણ થયા બાદ હવે તેની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવી યોજના મુજબ પહેલેથી તૈયાર કરાયેલી ત્રણ પિયર કેપને આંશિક રીતે તોડી વધુ ઊંચાઈએ ફરી બનાવવી પડશે. એટલે જે કામ એક વખત થઈ ગયું છે, તેના પર ફરી કામ કરવાનો વારો આવ્યો છે. તેની સાથે જ કરોડો રૂપિયા અને સામગ્રીનો પણ વ્યય થયો છે.
નવી ડિઝાઇનમાં બે સ્તરનો બ્રિજ બનાવવાની યોજના છે. નીચલો રોડ ઓવર બ્રિજ સ્થાનિક પૂર્વ-પશ્ચિમ ટ્રાફિક માટે રહેશે, જ્યારે ઊંચો કેબલ-સ્ટેઈડ બ્રિજ અંધેરી તરફથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ જતા લાંબા અંતરના ટ્રાફિક માટે હશે.
આ બ્રિજનો મુખ્ય હેતુ ટ્રાફિકને અલગ કરવાનો છે, પરંતુ સવાલ એ છે કે આ ટ્રાફિકનું ગણિત ડિઝાઈન બનાવતી વખતે કેમ ન ઉકેલાયું? હવે ત્રણ પિયર કેપ તોડીને ફરી ઊંચી બનાવાશે, એટલે સમય, મહેનત અને થયેલા બાંધકામ પર ફરીથી બાંધકામ—મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ‘રીવર્ક’ પણ હવે જાણે પ્રોજેક્ટનો હિસ્સો બની રહ્યો છે.
ઘાટકોપરની ઘટના મુંબઈમાં બનેલી આ એકમાત્ર ઘટના નથી પણ છેલ્લા એક વર્ષમાં આવા ચોંકાવનારા એક બે નહીં ત્રણ ઉદાહરણો સામે આવ્યા છે. બીજું ઉદાહરણ ભાયંદરનું છે. મીરા-ભાંયદર ફ્લાયઓવરમાં ચાર લેનમાંથી બે લેન સુધી અચાનક થતી બ્રિજની ડિઝાઈનને લઈને સવાલો અને ટીકા થઈ હતી.
ત્યારે એમએમઆરડીએએ સ્પષ્ટ કર્યું હતું કે આ બાંધકામ સ્થળની મર્યાદિત જગ્યા અને ભવિષ્યના વિસ્તરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બાદમાં લેન મર્જિંગ અને સલામતી સુધારવા માટે વિવિધ પગલાંની યોજના બનાવાઈ. એટલે અહીં પણ જનતાને પહેલા ડિઝાઇન દેખાઈ અને પછી તેની પાછળનું ‘ભવિષ્યનું પ્લાનિંગ’ સમજાવવામાં આવ્યું.
વિલે પાર્લેની મેટ્રો 7Aની કહાની તો આ ‘પહેલા બાંધો, પછી વિચારો’ ચર્ચામાં વધુ મોટો સવાલ ઊભો કરે છે. અહીં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 2022માં પ્રોજેક્ટ માટે એનઓસી આપ્યું હતું, પરંતુ મેટ્રો માટે જરૂરી ઓએચઈની વધારાની ઊંચાઈ ડિઝાઇનમાં સામેલ કરાઈ નહોતી.
2025માં ઊંચાઈનો મુદ્દો સામે આવ્યા બાદ કામ અટક્યું અને સુધારેલી મંજૂરી માગવામાં આવી. ફેબ્રુઆરી 2026 સુધીમાં સમગ્ર એલિવેટેડ વાયડક્ટ 100 ટકા અને એલિવેટેડ રેમ્પનું બાંધકામ 95 ટકા પૂર્ણ થઈ ગયું હતું. અને જો હવે તેનો ટેકનિકલ ઉકેલ ન મળે તો આશરે 1 કિલોમીટર વાયડક્ટનું લગભગ 250 કરોડ રૂપિયાનું કામ ફરી કરવું પડી શકે છે.
હવે ઘાટકોપર રોડ ઓવર બ્રિજમાં 30 ટકા કામ થયા પછી ત્રણ પિયર કેપ ફરી તોડવાની સ્થિતિ, ભાઈંદરમાં ફ્લાયઓવરની લેન બાંધકામ પર સવાલો અને વિલે પાર્લેમાં મોટા પાયે કામ થયા બાદ ઊંચાઈનો મુદ્દો—ત્રણેય બાબત એક જ સવાલ તરફ ઈશારો કરે છે.
મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ડિઝાઇન અને ટેકનિકલ ગણિતનું હોમવર્ક કામ શરૂ થાય તે પહેલાં થાય છે કે પછી? કારણ કે મુંબઈમાં હવે વિકાસનું નવું સૂત્ર જાણે તૈયાર છે—‘પહેલા બાંધો, પછી ડિઝાઈન બદલો અને પ્રજાના પૈસાનું પાણી કરો!’