Thu Oct 08 2026

Logo

મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આદિવાસી વિદ્યાર્થીઓની અટકાયત, શહેર બહાર મોકલ્યા

2026-10-06 18:40:12
Author: Yogesh D. Patel
મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આદિવાસી વિદ્યાર્થીઓની અટકાયત, શહેર બહાર મોકલ્યા

મુંબઈ: હોસ્ટેલની સારી સુવિધાઓ અને આશ્રમશાળામાં થયેલા મૃત્યુની તપાસની માગણી સાથે નાશિકથી કૂચ કરીને આવેલા અને વિરોધ પ્રદર્શન કરી રહેલ આદિવાસી વિદ્યાર્થીઓની મંગળવારે પોલીસે અટકાયત કરી હતી. પોલીસે તેમને મહારાષ્ટ્ર કૉંગ્રેસ મુખ્યાલયની બહાર બસોમાં બેસાડીને શહેરની બહાર મોકલી દીધા હતા.આઝાદ મેદાનમાં એકઠા થવાની પરવાનગી ન મળવાને કારણે વિદ્યાર્થીઓ સોમવારથી દાદરમાં વિરોધ પક્ષના મુખ્યાલય તિલક ભવન ખાતે આશરો લઇ રહ્યા હતા અને તેઓ રાજ્યપાલ જીષ્ણુ દેવ વર્માને મળીને આવેદનપત્ર આપવા માગતા હતા.

નાશિકથી તેમણે 28 સપ્ટેમ્બરે કૂચ શરૂ કરી હતી અને સારી સુવિધાઓ, આદિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓનાં મૃત્યુની તપાસ તથા આદિવાસી વિકાસ પ્રધાનના રાજીનામા સહિતની માગણીાઓ તેમણે કરી હતી.સોમવારે મહારાષ્ટ્ર કૉંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરવા આવેલા અનક આદિવાસી વિદ્યાર્થીઓને પોલીસે અટકાવ્યા હતા અને વહેલી સવારના તેમને અટકાયતમાં લીધા હતા. જોકે પોલીસે ધરપકડની વાત નકારી કાઢી હતી.

કૉંગ્રેસના જણાવ્યા મુજબ આદિવાસી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને શિષ્યવૃત્તિ,આશ્રમશાળાઓ તથા હોસ્ટેલમાં પાયાની સુવિધાઓનો અભાવ તથા અન્ય મુદ્દાઓ અંગે પોતાની માગણીના ઉકેલની માગ કરી રહ્યા હતા.વિદ્યાર્થીઓને પરિસરથી બહાર જતા રોકવા માટે તિલક ભવનની બહાર પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમને ખાનગી બસમાં બેસાડીને શહેરની બહાર લઇ જવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)