Wed Oct 07 2026

Logo

ન પતિએ પૈસા રોક્યા છે ન બોયફ્રેન્ડે... કશ્મીરા શાહે એરપોર્ટ પર કોના પર કર્યો કટાક્ષ? ગોવિંદાની ચર્ચિત ગર્લફ્રેન્ડ સાથે જોડાઈ રહ્યા છે તાર...

2026-10-07 21:10:03
Author: Darshana Visaria
ન પતિએ પૈસા રોક્યા છે ન બોયફ્રેન્ડે... કશ્મીરા શાહે એરપોર્ટ પર કોના પર કર્યો કટાક્ષ? ગોવિંદાની ચર્ચિત ગર્લફ્રેન્ડ સાથે જોડાઈ રહ્યા છે તાર...

પોતાના બિન્દાસ અંદાજ અને બેબાક નિવેદનો માટે જાણીતી અભિનેત્રી અને કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની કશ્મીરા શાહ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. મુંબઈ એરપોર્ટ પર પેપરાઝી સાથે વાતચીત કરતી વખતે કશ્મીરાએ પોતાના આગામી ઇન્ટરનેશનલ પ્રોજેક્ટની માહિતી આપતાં એક એવું નિવેદન આપ્યું છે, જેને બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાની કો-સ્ટાર અને રૂમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ રાની સ્વર્ણકાર પર સણસણતો કટાક્ષ માનવામાં આવી રહ્યો છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી... 

કશ્મીરા પોતાના નવા પ્રોજેક્ટના શૂટિંગ માટે ગ્રીસ (Greece) જવા રવાના થઈ રહી હતી, જ્યાં તે અભિનયની સાથે દિગ્દર્શન (Direction) ની જવાબદારી પણ નિભાવવાની છે. એરપોર્ટ પર વાત કરતા કશ્મીરાએ હસતાં હસતાં જણાવ્યું હતું કે, "આ એક સંપૂર્ણપણે ઇન્ડિપેન્ડન્ટ પ્રોજેક્ટ છે. તેમાં ન તો મારા પતિએ પૈસા રોક્યા છે કે ન તો કોઈ બોયફ્રેન્ડે ફાઇનાન્સ કર્યું છે! અમે બહારની ફિલ્મો કરીએ છીએ ભાઈ, ઘરની નહીં..."

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કશ્મીરા શાહનો આ વીડિયો વાઈરલ થતાંજ યુઝર્સ તેને ગોવિંદા અને તેમના પરિવાર સાથે જોડાયેલા તાજેતરના વિવાદો સાથે જોડી રહ્યા છે. જોકે, વીડિયોમાં ભલે કશ્મીરાએ કોઈનું પણ સીધું નામ ન લીધું હોય, પરંતુ તેનો ઈશારો સ્પષ્ટ હોવાનું મનાઈ રહ્યું છે. 

છેલ્લાં કેટલાક સમયથી ગોવિંદા અને તેમની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકારના સંબંધોને લઈને ગપશપ ચાલી રહી છે અને આમ આ ઘરની ચાર દિવાલની બાબત હવે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. અહીંયા તમારી જાણકારી માટે કે હાલમાં જ ગણેશોત્સવ દરમિયાન ગોવિંદા અને કોમલ રાની બંને સાથે જ લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા હતા, જ્યાં કોમલ રાનીના સેંથામાં લાલ સિંદૂર જોવા મળતાં ભારે અટકળો વહેતી થઈ હતી. 

રસપ્રદ વાત તો એ હતી કે એ જ દિવસે ગોવિંદાના પત્ની સુનીતા આહુજા પણ એકલા લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. આ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ફેન્સ જાત જાતની અટકળો લગાવી રહ્યા હતા. સુનીતાએ તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે ગોવિંદા જ્યાં પણ રહે, ખુશ રહે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિવાદ વચ્ચે ગોવિંદાએ પણ એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જો તેમનું કોઈની સાથે અફેર હોય તો પણ તે લોકો માટે ચર્ચાનો વિષય ન બનવો જોઈએ. ગોવિંદા પરિવાર અને કૃષ્ણા-કશ્મીરા વચ્ચે વર્ષોથી ચાલી રહેલા વિવાદો વચ્ચે કશ્મીરાની આ લેટેસ્ટ કમેન્ટે ફરી એક વખત આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.