Wed Oct 07 2026

Logo

દેવેન્દ્ર ફડણવીસે શાળા અને છાત્રાલયની નબળી સુવિધાઓ પર વ્યક્ત કરી નારાજગી, સુધારણાના આપ્યા આદેશ

2026-10-07 21:23:20
Author: Mumbai Samachar Team
દેવેન્દ્ર ફડણવીસે શાળા અને છાત્રાલયની નબળી સુવિધાઓ પર વ્યક્ત કરી નારાજગી, સુધારણાના આપ્યા આદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની સરકારી શાળાઓ અને છાત્રાલયોમાં વિદ્યાર્થીઓ માટે પૂરતી માળખાગત અને પાયાની સુવિધાઓના અભાવ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આવી સ્થિતિને કારણે આંદોલનો થઈ શકે છે. ફડણવીસે સોમવારે એક સમીક્ષા બેઠક દરમિયાન આ ટિપ્પણીઓ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર,મુખ્યપ્રધાને શાળા અને છાત્રાલયના માળખાગત સુવિધાઓની સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં બાકી રહેલા સુધારણાના કામો પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સ્વચ્છ શૌચાલય સહિતની પાયાની સુવિધાઓ પૂરી પાડવાની અધિકારીઓને સૂચના આપી હતી.

આ નિર્દેશો 'કોકરોચ જનતા પાર્ટી'ના "સ્કૂલ ઠીક કરો" અભિયાનની પૃષ્ઠભૂમિમાં આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં સરકારી શાળાઓની કથળેલી સ્થિતિને ઉજાગર કરવા તેમના માળખાગત સુવિધાઓમાં સુધારા માટે દબાણ કરવા અને સત્તાવાળાઓ પાસેથી જવાબદારીની માંગ કરવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાન ઓગસ્ટના મધ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું.