Wed Oct 07 2026

Logo

મીરા રોડમાં ‘લોન વુલ્ફ’ અટૅક કરનારો અન્સારી ઑનલાઈન વીડિયો જોઈને જાતે કટ્ટરપંથી બન્યો: ચાર્જશીટ

2026-10-07 20:40:16
Author: Yogesh C. Patel
મીરા રોડમાં ‘લોન વુલ્ફ’ અટૅક કરનારો અન્સારી ઑનલાઈન વીડિયો જોઈને જાતે કટ્ટરપંથી બન્યો: ચાર્જશીટ

મુંબઈ: મીરા રોડમાં ધર્મ પૂછીને અને કલમા પઢવાનું કહીને નિર્માણાધીન ઈમારતના બે વૉચમેન પર પહલગામ સ્ટાઈલમાં ‘લૉન વુલ્ફ’ અટૅક કરનારો આરોપી ઝૈબ ઝુબેર અન્સારી ઑનલાઈન અંતિમવાદીઓના વીડિયો જોઈને જાતે કટ્ટરપંથી બન્યો હતો, એવું મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જણાવાયું હતું.

અમેરિકાથી પાછા ફરેલા 31 વર્ષના અન્સારીએ પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. ભાડેનો ફ્લૅટ ખાલી કરવાનું તેના પર દબાણ હતું અને તે અજાણ્યાઓ દ્વારા રાંધવામાં આવતા ભોજન પર ભરોસો રાખતો નહોતો, એવું એટીએસે તેના 2,500 પાનાંના આરોપનામામાં જણાવ્યું હતું.

હાલમાં જ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં એટીએસે અન્સારી વિરુદ્ધ અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (યુએપીએ) લગાવ્યો હતો. અત્યારે તે અદાલતી કસ્ટડીમાં છે. પોલીસ અનુસાર એપ્રિલમાં અન્સારીએ મીરા રોડના નયાનગરમાં ઘર નજીકની નિર્માણાધીન ઈમારતના બે વૉચમેન પર છરીથી હુમલો કર્યો હતો. વૉચમેનને તેમના ધર્મ પૂછીને આરોપીએ છરીના ઘા ઝીંક્યા હતા. નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયેલા વૉચમેનને સારવાર પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પોલીસને અન્સારીના ઘરમાંથી તેણે લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં ‘લોન વૂલ્સ વિલ પાઉન્સ ઑન યુ’ લખાયેલું હતું. આરોપીની તપાસ અને હાથ લાગેલા પુરાવા પરથી તપાસ અધિકારીઓ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે આમાં કોઈ હેન્ડલર અથવા બહારની વ્યક્તિ સંડોવાયેલી નથી.

કટ્ટરપંથી અમેરિકન-યેમેની ઉપદેશક અન્વર અલ-અવલાકી સહિત અંતિમવાદીઓના વીડિયો આઠ મહિના સુધી જોઈને અન્સારી જાતે કટ્ટરપંથી બન્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે અન્સારી યુએસમાં ટેનિસ કોચ તરીકે કામ કરતો હતો, પરંતુ ભારતમાં આવ્યા પછી સ્થિર આવક જાળવી શક્યો નહોતો. છૂટાછેડા પછી તે એકલો રહેતો હતો અને ઘરમાલિકે એકલા રહેતા પુરુષને ફ્લૅટ ભાડે આપવો નથી, એવી કહીને ફ્લૅટ ખાલી કરવા દબાણ કર્યું હતું.

ચાર્જશીટ અનુસાર પેલેસ્ટાઈનમાં સંઘર્ષમાં બાળકોનાં થયેલાં મોતના અહેવાલો વાંચીને પણ અન્સારી ક્રોધિત થયો હતો. કોર્ટ પ્રક્રિયા દરમિયાન તેના વકીલે કહ્યું હતું કે અન્સારી સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે અને અગાઉ તે દવા પણ લેતો હતો.

એટીએસે યુએસથી મળવા આવેલી અન્સારીની માતા અને મુંબઈ આવ્યા પછી થોડા સમય માટે તે જેના ઘરે રોકાયો હતો તે કુર્લામાં રહેતા મામાનાં નિવેદન નોંધ્યાં હતાં. (પીટીઆઈ)