Wed Oct 07 2026

Logo

મહારાષ્ટ્ર બન્યું શહેરી માઓવાદીઓનું 'અડ્ડો'! રાજ્ય સરકારે કોર્ટમાં કર્યો મોટો ખુલાસો

2026-10-07 20:27:06
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર બન્યું શહેરી માઓવાદીઓનું 'અડ્ડો'! રાજ્ય સરકારે કોર્ટમાં કર્યો મોટો ખુલાસો

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર 'શહેરી માઓવાદી' પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની ગયું હોવાથી 'મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યુરિટી એક્ટ'  અમલમાં મૂકવામાં આવ્યો છે. ગેરકાયદે, વિનાશક અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે એક મજબૂત કાનૂની માળખું તૈયાર કરવાના હેતુથી આ કાયદો લાવવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યુરિટી એક્ટ (એમએસપીએસએ)ની બંધારણીય માન્યતાને પડકારતી અનેક અરજીઓના જવાબમાં આ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં નોંધવામાં આવ્યું હતું કે રાજ્યભરમાં "શહેરી માઓવાદી" નેટવર્ક્સની વધતી જતી હાજરીને કારણે ગેરકાયદેસર અને વિનાશક પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે એક વિશેષ કાનૂની માળખાની આવશ્યકતા ઊભી થઈ હતી. 

સોગંદનામા મુજબ, મહારાષ્ટ્ર "શહેરી માઓવાદી પ્રવૃત્તિઓ માટેનું મુખ્ય કેન્દ્ર" બનીને ઉભરી આવ્યું હતું. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ડેટાના આધારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં ૬૪ સક્રિય 'ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન્સ' (અગ્રણી સંગઠનો) કાર્યરત છે, જે દેશમાં સૌથી વધુ છે. આ અરજીઓ કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા અને કેટલાક સામાજિક કાર્યકરો દ્વારા દાખલ કરવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશ એમ. સી. ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની ખંડપીઠે મંગળવારે અરજદારોને સરકારના સોગંદનામા સામે તેમનો જવાબ (રિજોઇન્ડર) રજૂ કરવા માટે સમય આપ્યો હતો.

ગયા વર્ષે જુલાઈમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલ અને ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મેળવનાર એમએસપીએસએનો ઉદ્દેશ્ય ડાબેરી ઉગ્રવાદી સંગઠનો અથવા સમાન સંસ્થાઓની અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અસરકારક રીતે રોકવાની જોગવાઈ કરવાનો છે.