થિમ્પુ: ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ ભારતીય વડાપ્રધાનના ભરપેટ વખાણ કર્યા છે અને તેમને આધુનિક યુગમાં ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવ્યા છે. એક ભારતીય અખબારમાં લખેલા લેખમાં તોબગેએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીનું નેતૃત્વ સમજણ, દયા, સાહસ અને નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વડાપ્રધાન મોદીને પોતાના મોટા ભાઈ સમાન ગણાવ્યા અને કહ્યું કે તેઓ માત્ર ઉંમરમાં જ મોટા નથી, પરંતુ તેમણે મોટા ભાઈ જેવો જ સ્નેહ દર્શાવ્યો છે. ભૂટાનના વડાપ્રધાને પીએમ મોદી સાથે વર્ષ 2019માં થયેલી પોતાની એક મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શેરિંગ તોબગેએ લખ્યું, "હું 27 જુલાઈ 2019ના રોજ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. 10 મહિના પહેલાં ભૂટાનની ચૂંટણીમાં મારી પાર્ટી હારી ગઈ હતી. સંસદમાં તેનું કોઈ પ્રતિનિધિત્વ નહોતું. હું ન તો વડાપ્રધાન હતો કે ન તો સાંસદ. હું એક સામાન્ય નાગરિક તરીકે પીએમ મોદીને મળ્યો હતો."
To Prime Minister @narendramodi, An avatar of our times https://t.co/84RDOEfELm
— Tshering Tobgay (@tsheringtobgay) October 7, 2026
પીએમ મોદીને ગણાવ્યા વિષ્ણુનો અવતાર
તોબગેએ આગળ જણાવ્યું કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન મળેલા સહયોગ બદલ તેમનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ હંમેશાં મારા મોટા ભાઈ રહેશે. માત્ર એટલા માટે નહીં કે તેઓ ઉંમરમાં મોટા છે, પરંતુ એટલા માટે પણ કે તેમણે મારી સાથે એવો જ સ્નેહ દાખવ્યો જેવો એક મોટો ભાઈ પોતાના નાના ભાઈ પ્રત્યે દાખવે છે.
તોબગેએ લખ્યું કે તેમણે પીએમ મોદીને કહ્યું હતું કે તેઓ તેમને વિષ્ણુનો અવતાર માને છે. તેમણે આગળ ઉમેર્યું, "મારા પોતાના જ શબ્દોએ મને આશ્ચર્યમાં મૂકી દીધો હતો. પછીથી મેં વિચાર્યું કે આખરે મેં આવું કેમ કહ્યું? શું હું લાગણીઓમાં વહી ગયો હતો? શું હું ખોટો હતો?" તોબગેએ આ સવાલનો જવાબ જાતે જ આપતા કહ્યું કે, "જ્યારે મેં મારી વાત પર વિચાર કર્યો ત્યારે બધું સ્પષ્ટ થઈ ગયું. પીએમ મોદીને વિષ્ણુનો અવતાર માનવું સાચું હતું."