નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે ત્રણ નવા જજોએ ઈશ્વરના નામે હોદ્દાના શપથ લીધા હતા. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં સેવા આપી ચૂકેલા જજ સુનિતા અગ્રવાલ, દિલ્હી હાઇકોર્ટના સેવા આપી ચૂકેલા જજ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી ચૂકેલા જજ અપરેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના 37 જજોમાં 3 મહિલા જજ છે. જોકે, સુનિતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટમાં 13માં મહિલા જજ બન્યા છે.
સુનીતા અગ્રવાલ 13માં મહિલા જજ બન્યા
જજ સુનીતા અગ્રવાલની નિમણૂક સાથે સુપ્રીમ કોર્ટમાં મહિલા ન્યાયાધીશોની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે. તેઓ સુપ્રીમ કોર્ટના 13મા મહિલા જજ છે. હાલમાં કાર્યરત અન્ય બે મહિલા જજમાં જજ બી.વી. નાગરત્ના અને જજ વી. મોહના છે. જજ નાગરત્ના સપ્ટેમ્બર 2027માં દેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાના છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 28 સપ્ટેમ્બરે તેમના નામોની ભલામણ કરી હતી
આ ત્રણ જજોની નિમણૂકની મહત્વની બાબત એ છે કે સુપ્રીમ કોર્ટમાં જોડાતા પૂર્વે આ ત્રણેય ન્યાયાધીશો વિવિધ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 28 સપ્ટેમ્બરે તેમના નામોની ભલામણ કરી હતી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 ઓક્ટોબરે તેને મંજૂરી આપી હતી.
શપથ ગ્રહણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ઉપસ્થિત
આ શપથ ગ્રહણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, એટર્ની જનરલ આર. વેંકટરામણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને અન્ય વરિષ્ઠ વકીલો ઉપસ્થિત રહ્યા હતા.