મુંબઈ: મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં ફૂડ સેફ્ટીને લઈ તુકારામ મુંઢેનું નામ લેવામાં આવી રહ્યું છે, જેમાં કોર્ટથી લઈને બોલીવુડના કલાકારો પણ સપાટામાં આવી ગયા છે ત્યારે જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિંહા અને શાહિદ કપૂરના એક્સ ડ્રાઈવરની દુકાન (મોમોઝ શોપ) સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
આ મોમોઝ શોપના માલિક સુરજ લામાનો બોલીવુડ સાથે ખાસ સંબંધ રહ્યો છે. દાર્જિલિંગના મિરિક ગામમાંથી માત્ર 14 વર્ષની ઉંમરે નોકરીની શોધમાં મુંબઈ આવેલા સુરજે શરૂઆતમાં અનેક નાના-મોટા કામ કર્યા હતા. ત્યાર બાદ તે સેલિબ્રિટી ડ્રાઈવર બન્યો અને લગભગ 25 વર્ષ સુધી આ ક્ષેત્રમાં કામ કર્યું હતું. તે સમય દરમિયાન તેમણે સોનાક્ષી સિન્હા અને શાહિદ કપૂર જેવા કલાકારો માટે ડ્રાઈવિંગ કર્યું હતું, જ્યારે કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ જેવા મોટા બેનર સાથે પણ કામ કર્યું હતું.
સુરજે ફૂડ ક્વોલિટી પર કર્યા હતા દાવા
સુરજ લામાએ એક જૂના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે જેની સાથે કામ કરતો હતો તે પરિવારની જેમ માનતા હતા, પરંતુ ઘણી વખત તેને સમાન દરજ્જો ન મળતો હોવાની લાગણી થતી હતી. એક ઘટનાએ તેને કારકિર્દી બદલવા માટે વિચારવા મજબૂર કર્યો હતો. તે એક અભિનેતાને શૂટિંગ સેટ પર લઈ ગયો હતો, જ્યાં એક બાળક લાંબા સમયથી અભિનેતા સાથે ફોટો પડાવવાની રાહ જોઈ રહ્યો હતો. સુરજે તેની વાત અભિનેતા સુધી પહોંચાડી, પરંતુ ફોટો પડાવવાની મંજૂરી મળી નહોતી. આ ઘટનાથી તે દુઃખી થયો હતો.
સોનાક્ષીના પરિવારે મોમોઝ ચાખ્યા હતા
આ દરમિયાન ઓલા અને ઉબર જેવી એપ આધારિત કેબ સર્વિસના વધતા પ્રભાવને કારણે પણ સુરજે ડ્રાઈવિંગ છોડીને નવો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2017માં તેણે મોમોઝ વેચવાનું શરૂ કર્યું હતું. તેણે સોનાક્ષી સિંહા અને તેના પરિવારને પણ પોતાના બનાવેલા મોમોઝ ખવડાવ્યા હતા અને તેમને તેનો સ્વાદ પસંદ આવ્યો હતો. ત્યાર બાદ સુરજે નોકરી છોડી, પોતાની મોટરસાઈકલ વેચીને સાયકલ ખરીદી અને નાની પોપ-અપ મોમોઝ શોપ શરૂ કરી હતી. તેની પત્ની વિજયતા, જે અગાઉ ગાયક કેકેના ઘરમાં કૂક તરીકે કામ કરતી હતી, તેણે પણ નોકરી છોડીને સુરજ સાથે વ્યવસાયમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.
દુકાન બાદ બિઝનેસ વધાર્યો
શરૂઆતમાં સુરજ અંધેરી વેસ્ટના વિસ્તારોમાં સાયકલ પર ફરીને વેજ અને નોન-વેજ મોમોઝ વેચતો હતો. તે સમયે મુંબઈમાં નોર્થ ઈન્ડિયા જેટલી સરળતાથી મોમોઝ મળતા ન હોવાથી તેના બિઝનેસને સારો પ્રતિસાદ મળ્યો હતો. બાદમાં તેણે વર્સોવામાં રસ્તા કિનારે દુકાન શરૂ કરી હતી. અગાઉની નોકરીમાં સુરજ અને તેની પત્ની મળીને આશરે 30 હજાર રૂપિયા કમાતા હતા, જ્યારે મોમોઝનો બિઝનેસ શરૂ કર્યા બાદ સુરજ એકલો જ રોજના લગભગ 700 રૂપિયા કમાવા લાગ્યો હતો. ત્યાર પછી બિઝનેસનો વિસ્તાર મલાડ અને કાંદિવલી સુધી થયો હતો.
મલાડ અને કાંદિવલીમાં આઉટલેટ ખોલ્યા
સુરજ પોતાના મોમોઝની ખાસિયત તરીકે માતાની રેસિપીનો ઉલ્લેખ કરતો રહ્યો છે. તેણે દાવો કર્યો હતો કે મોમોઝમાં પ્રિઝર્વેટિવ કે આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી. વર્ષ 2024માં તેણે જણાવ્યું હતું કે મુંબઈમાં તેની પત્નીની દેખરેખ હેઠળ એક સેન્ટ્રલ કિચન ચાલે છે, જેમાં 25 લોકોની ટીમ દરરોજ લગભગ 16,000 મોમોઝ તૈયાર કરે છે. આ મોમોઝ આશરે 90 ટકા સુધી રાંધવામાં આવે છે અને ત્યાર બાદ પોતાના તથા ફ્રેન્ચાઈઝી સ્ટોર્સમાં મોકલવામાં આવે છે. ગુણવત્તા જાળવી ન શકાય ત્યાં સુધી પુણે, નાશિક અને ગુજરાત જેવા શહેરોમાં ઝડપથી વિસ્તરણ ન કરવાની તેમની નીતિ હતી.
આટલા દાવાઓ બાદ પણ ક્વોલિટી ફેલ
જોકે હવે આ જ બ્રાન્ડ સામે એફડીએની કાર્યવાહીથી મોટો ઝટકો લાગ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન ખોરાક રાખવા અને હેન્ડલ કરવાની પદ્ધતિ, સ્વચ્છતા, સફાઈ તેમ જ દૂષણ અટકાવવા માટે જરૂરી સુરક્ષા પગલાંમાં ગંભીર ખામીઓ મળી હતી. એફડીએ એ આ ખામીઓને ફૂડ સેફ્ટી નિયમો હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવા જેટલી ગંભીર ગણાવીને લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે. આમ, બોલીવુડ સેલિબ્રિટીઝના ડ્રાઈવર તરીકે 25 વર્ષ કામ કર્યા બાદ મોમોઝના વ્યવસાયમાં સફળતા મેળવનાર સુરજ લામાની સફર હાલ એફડીએની કાર્યવાહી બાદ ફરી ચર્ચામાં આવી છે.