Wed Oct 07 2026

Logo

ફ્રાન્સમાં વિદ્યાર્થીઓનું આંદોલન અચાનક ચર્ચામાં કેમ આવ્યું, અમેરિકાએ બળતામાં ઘી હોમ્યું, જાણો મામલો?

WASINTON DC   2026-10-07 16:54:00
Author: Mayur Patel
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓનું આંદોલન અચાનક ચર્ચામાં કેમ આવ્યું, અમેરિકાએ બળતામાં ઘી હોમ્યું, જાણો મામલો?

વૉશિંગ્ટન ડીસીઃ ફ્રાન્સમાં વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. શાળાઓની ઘટતી સુવિધાઓ સામે શરૂ થયેલા વિરોધને ટ્રમ્પે ઇસ્લામિક કબજો ગણાવ્યો હતો. જોકે ફ્રેન્ચ અધિકારીઓએ દાવો ગણાવ્યો હતો. 

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ફ્રાન્સમાં જે થઈ રહ્યું છે, તે માત્ર શાળાઓનો મામલો નથી. તેમના મતે, આની પાછળ મોટા પાયે થઈ રહેલું સ્થળાંતર છે અને ઇસ્લામ ફ્રાન્સ પર કબજો કરવા માંગે છે. ટ્રમ્પના આ નિવેદન બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે ફ્રાન્સમાં વાસ્તવિકતા શું છે? શું ખરેખર આ આંદોલન ધર્મ અને સ્થળાંતરને લઈને છે કે પછી હકીકત કંઈક અલગ છે?

હાલના આંદોલનની શરૂઆત પેરિસ નજીક આવેલા એક શહેરની હાઈસ્કૂલથી થઈ હતી. અહીં વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે ક્લાસમાં 32-35 બાળકો છે, પરંતુ શાળામાં નર્સ કે શિક્ષકો નથી. દિવ્યાંગ બાળકોને મદદ કરતો સ્ટાફ પણ ઓછો છે. 

21 સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હતા. શરૂઆતમાં આ આંદોલન એક શાળા પૂરતું સીમિત જણાતું હતું, પરંતુ ત્યારબાદ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ પણ જોડાવા લાગ્યા. હવે ફ્રાન્સના જુદા જુદા વિસ્તારોની ઘણી શાળાઓ બહાર વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

ફ્રાન્સ નાણાકીય દબાણ હેઠળ છે તેવા જ સમયે આંદોલન વેગ પકડી રહ્યું છે. ફ્રેન્ચ વડા પ્રધાન સેબાસ્તિયન લેકોર્નુ 2027ના બજેટમાં 54 અબજ યુરોની બચત કરવાની યોજના જણાવી રહ્યા છે. સરકારી કર્મચારીઓના વેતન સ્થગિત કરવાની વાતો પણ ચાલી રહી છે. જોકે, આ 54 અબજ યુરો સમગ્ર બજેટમાં બચતનો આંકડો છે, ફક્ત શાળાઓ માટેનો નથી. ઇમેન્યુઅલ મેક્રોન શાસનનું પણ કહેવું છે કે આ બાબતે લોકોમાં અફવાઓ ફેલાઈ રહી છે.

શું આંદોલનમાં હિંસા પણ થઈ રહી છે?
આંદોલન દરમિયાન કેટલાક ભાગોમાં હિંસા પણ જોવા મળી રહી છે. 6 ઓક્ટોબરે ત્રીજું રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન થયું હતું. શાળા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી રહ્યા છે અને ઘણા ટ્રેડ યુનિયનો પણ તેમની સાથે જોડાઈ રહ્યા છે. ફ્રેન્ચ ગૃહ મંત્રાલય 2,66,000 લોકો સામેલ હોવાનું જણાવી રહ્યું છે, જ્યારે વિદ્યાર્થી સંગઠન USL  4,50,000 લોકો જોડાયા હોવાનો દાવો કરી રહ્યું છે.

ઇસ્લામિક આંદોલન કેમ ગણાવી રહ્યા છે?
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સના વિદ્યાર્થી આંદોલનને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની મૂળભૂત માંગણીઓમાં શિક્ષકો, નર્સ, સ્ટાફ અને શાળાના સંસાધનો સામેલ છે. સ્થળાંતર કે ઇસ્લામને લઈને આ આંદોલન શરૂ થયું નહોતું. તેમ છતાં, ટ્રમ્પ સમગ્ર વિવાદને સ્થળાંતર અને ઇસ્લામ સાથે જોડી રહ્યા છે. તેઓ તેને એક મોટા સામાજિક અને સાંસ્કૃતિક સંકટ તરીકે જોઈ રહ્યા છે.

ટ્રમ્પના નિવેદનથી એવો સંદેશ જઈ રહ્યો છે કે ફ્રાન્સમાં શાળાઓ સંબંધિત ફરિયાદો પાછળ ખરી સમસ્યા વસ્તીમાં થઈ રહેલો ફેરફાર અને ઇસ્લામનો કથિત વધતો પ્રભાવ છે. પરંતુ તથ્યો આ દાવા સાથે મેળ ખાતા નથી. ફ્રેન્ચ અધિકારીઓ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓ કોઈ સંગઠિત ઇસ્લામિક એજન્ડા હેઠળ પ્રદર્શન કરી રહ્યા નથી.

અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદનને અમેરિકન અને યુરોપિયન દક્ષિણપંથી રાજકારણના સંદર્ભમાં સમજી શકાય છે. આ રાજકારણમાં યુરોપના ઘણા વિરોધ પ્રદર્શનોને સ્થળાંતર, ઇસ્લામ અને સુરક્ષાના મુદ્દાઓ સાથે જોડીને જોવામાં આવે છે. ટ્રમ્પ લાંબા સમયથી અમેરિકામાં કડક બોર્ડર પોલિસી અને ગેરકાયદે સ્થળાંતર સામે કડક વલણ ધરાવે છે.

આ સંજોગોમાં તેઓ ફ્રાન્સની અશાંતિને અમેરિકન ચર્ચા માટે એક ઉદાહરણ તરીકે રજૂ કરી રહ્યા છે. એટલે કે ફ્રાન્સમાં જે સમસ્યા શાળાના સ્તરે શરૂ થઈ હતી, તેને ટ્રમ્પ એક મોટા સાંસ્કૃતિક સંઘર્ષ તરીકે જોઈ રહ્યા છે. ફ્રાન્સની સ્થાનિક ન્યૂઝ ચેનલો આ પ્રદર્શનોને અમેરિકનો માટે એક ચેતવણીરૂપ ગણાવી રહ્યા છે.