Wed Oct 07 2026

Logo

ખેતરમાં મજૂરી કરતી યૂટ્યૂબરે લાખોના દિલ જીત્યા! 'દેહાતી મેડમ' યશોદા લોધીની પ્રેરણાયી કહાની, પ્રિયંકા ચોપડાએ પણ કર્યા વખાણ

2026-10-07 14:14:58
Author: Mumbai Samachar Team
ખેતરમાં મજૂરી કરતી યૂટ્યૂબરે લાખોના દિલ જીત્યા! 'દેહાતી મેડમ' યશોદા લોધીની પ્રેરણાયી કહાની, પ્રિયંકા ચોપડાએ પણ કર્યા વખાણ

મુંબઈ: ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાની યશોદા લોધી, જેને સોશિયલ મીડિયા પર 'ઈંગ્લીશ વિથ દેહાતી મેડમ' તરીકે ઓળખવામાં આવે છે, હાલમાં ચર્ચામાં છે. કારણ છે બોલિવૂડ અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા જોનસે યશોદાનો વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. પ્રિયંકાના આ એક શેર બાદ યશોદાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને તેમની ફોલોઅર્સની સંખ્યા ચાર લાખ સુધી પહોંચી ગઈ હતી. 

'દેહાતી મેડમ' તરીકે ઓળખાતા યશોદા લોધી કોણ છે?

યશોદા લોધીનું જીવન કોઈ મોટા અંગ્રેજી શિક્ષણ સંસ્થાન કે મોંઘી કોચિંગથી શરૂ થયું નહોતું. કૌશાંબી જિલ્લાના સિરાથૂ નગર પંચાયતના લોધન કા પુરવા ગામની રહેવાસી યશોદાને લગભગ એક વર્ષની ઉંમરે તેની ફઈ અને ફુવા લુધિયાણા લઈ ગયા હતા, કારણ કે તેમને સંતાન નહોતું. યશોદાએ ત્યાં રહીને અભ્યાસ કર્યો અને તેમની ઔપચારિક શિક્ષણ ધોરણ 12 સુધી જ થઈ શક્યું હતું. આર્થિક પરિસ્થિતિને કારણે આગળનો અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. 

યશોદા પોતાને 'દેહાતી મેડમ' તરીકે ઓળખાવે છે

યશોદા પોતાને ‘દેહાતી મેડમ’ કહેવામાં સંકોચ અનુભવતી નથી. તેના માટે ‘દેહાતી’ શબ્દ ગામડાં અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તે ઘણીવાર સાડી અને બિંદી પહેરીને પોતાના ઘરમાંથી જ વીડિયો રેકોર્ડ કરે છે અને સરળ ભાષામાં અંગ્રેજી શીખવે છે. તેનો ઉદ્દેશ ખાસ કરીને ગામડાં અને ઘરની જવાબદારી સંભાળતી મહિલાઓ સહિત એવા લોકો સુધી અંગ્રેજી પહોંચાડવાનો છે, જેઓ ભાષાના આત્મવિશ્વાસના અભાવે પાછળ રહી જાય છે. 

પૈસાની તંગીએ ભણતર છોડાવ્યું 

યશોદાએ ઈન્ટરવ્યૂની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફૂવા રિટાયરમેન્ટની ઉંમરે પહોંચ્યા બાદ તેમની સેલરી બંધ થઈ ગઈ હતી અને પરિવાર પાસે આવકનું બીજું કોઈ સાધન નહોતું. શરૂઆતમાં તેણે મોટિવેશન ચેનલ અને વ્લોગિંગમાં પણ હાથ અજમાવ્યો, પરંતુ સફળતા મળી નહીં. ત્યારબાદ તેણે અંગ્રેજીમાં વાતચીત કરતા લોકોના વીડિયો જોવાનું શરૂ કર્યું હતું. તેણે પહેલાં માત્ર પંદર દિવસ સુધી સાંભળવાની પ્રેક્ટિસ કરી અને પછી પોતે અંગ્રેજીમાં બોલીને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. 

પ્રિયંકા ચોપડાના વીડિયો શેર કરવા પર બોલી યશોદા 

એકટ્રેસ પ્રિયંકા ચોપરા જોનસે 'દેહાતી મેડમ' નો વીડિયો પોતાની સ્ટોરી પર શેર કર્યો હતો. આના ઉપર તેણે કહ્યું કે તેને જરાય અંદાજ નહોતો કે પ્રિયંકા ચોપરા જોનસ મેમ તેની સ્ટોરી પર તેનો વીડિયો શેર કરશે. તે જયારે ખેતર ગઈ હતી ત્યારે તેણે એક વીડિયો બનાવ્યો હતો. બાદમાં તેણે આ વીડિયો પોસ્ટ કર્યો અને એવુ બન્યું જેની તેને ક્યારેય આશા જ નહોતી. આગળ તેણે જણાવ્યું કે તે સ્ટોરીએ તેનો દિવસ ખાસ બનાવી દીધો હતો.  

પહેલીવાર 26 ડિસેમ્બર 2023 એ યુટ્યુબ ચેનલ શરૂ કરી 

યશોદાએ 26 ડિસેમ્બર 2023ના રોજ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. તેના વીડિયો સ્પોકન ઇંગલિશ, રોજિંદી વાતચીત અને સામાન્ય જીવનમાં ઉપયોગી અંગ્રેજી વાક્યો પર આધારિત હોય છે. ખાસ વાત એ છે કે તેઓ અંગ્રેજીને માત્ર એકેડેમિક વિષય તરીકે નહીં, પરંતુ રોજિંદા જીવનમાં સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી ભાષા તરીકે શીખવે છે. તેની ચેનલ શરૂ થયાના એક મહિનામાં જ મોનેટાઇઝ થઈ ગયું હતું અને બીજા મહિને તેમને પહેલું પેમેન્ટ મળ્યું હતું. આજે તેના યુટ્યુબ પર ચાર લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. 

એક દુર્ઘટનાએ પરિવારની પરિસ્થિતિ બદલી નાખી 

આ સફરમાં એક મોટો પડકાર તેમના પરિવાર પર આવેલો અકસ્માત પણ હતો. 28 ડિસેમ્બર 2019ના રોજ યશોદાના પતિનો અકસ્માત થયો હતો. તેમના જણાવ્યા મુજબ, નશામાં રહેલા એક ડ્રાઈવરે ખોટી દિશામાંથી આવીને તેમના પતિની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પગમાં ફ્રેક્ચર, આંખ પાસે ઈજા અને આંગળીઓમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમની આંગળીઓ કાપવી પડી હતી. તેઓ લગભગ સાતથી આઠ મહિના સુધી પથારીવશ રહ્યા હતા. એ દરમિયાન યશોદાના ઘઉંના પાકમાં પણ આગ લાગી હતી અને પરિવારને જળેલા ઘઉંમાંથી બનેલી રોટલી ખાવાનો સમય આવ્યો હતો. આ મુશ્કેલીઓ વચ્ચે યશોદાએ હિંમત ન હારી નહોતી. શરૂઆતમાં તેના પતિએ પણ તેને કહ્યું હતું કે યુટ્યુબથી પૈસા નહીં મળે અને સમય બગાડવો નહીં, પરંતુ યશોદા સતત વીડિયો બનાવતી રહી અને પોતાની અંગ્રેજી સુધારતી રહી હતી. 

હવે તેની મહેનતને પ્રિયંકા ચોપડા જેવી મોટી સેલિબ્રિટીનું સમર્થન મળ્યું છે. પ્રિયંકાની સ્ટોરી શેર થયા બાદ યશોદાએ કહ્યું કે તેમના માટે આ માત્ર એક સોશિયલ મીડિયા સ્ટોરી નથી, પરંતુ તેમના લાંબા સંઘર્ષને મળેલી મોટી ઓળખ છે. ખેતરમાં કામ કરતી ગામની યુવતીથી લાખો લોકોને અંગ્રેજી શીખવતી ‘દેહાતી મેડમ’ બનવાની યશોદાની કહાની ખરેખર પ્રેરણાદાયી બની છે.