મુંબઈ: અજય દેવગનની ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ‘દ્રશ્યમ 3: ધ કન્ક્લૂઝન’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મમાં વિજય સલગાંવકરની ભૂમિકા ભજવનાર અજય દેવગનની આ ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે પણ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મે માત્ર પાંચ દિવસમાં ભારતમાં 200 કરોડ રૂપિયાથી વધુની નેટ કમાણી કરી છે, જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન 341.30 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. એક આંકડા અનુસાર, પાંચમા દિવસે ‘દ્રશ્યમ 3’એ ભારતમાં 19 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. ચોથા દિવસે ફિલ્મે 21 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે ફિલ્મનું પાંચ દિવસનું ઈન્ડિયા નેટ કલેક્શન 200 કરોડ રૂપિયા થઈ ગયું છે.
ફિલ્મના ઓવરસીઝ બિઝનેસની વાત કરીએ તો પાંચમા દિવસે વિદેશી માર્કેટમાંથી પણ લગભગ 9.50 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સાથે ઓવરસીઝ કલેક્શન 81.50 કરોડ રૂપિયા થઈ ગયું છે. ભારતમાં 259.80 કરોડ રૂપિયાના ગ્રોસ કલેક્શન સાથે ફિલ્મનું કુલ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 341.30 કરોડ રૂપિયા થઈ ગયું છે. ખાસ કરીને આવનારા વીકએન્ડમાં દર્શકોનો પ્રતિસાદ યથાવત રહે તો ફિલ્મ 225 કરોડ રૂપિયા અને ત્યારબાદ 250 કરોડ રૂપિયાના ઇન્ડિયા નેટ માઇલસ્ટોન તરફ ઝડપથી આગળ વધી શકે છે.
આ ફિલ્મ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. વર્ષ 2015 માં 'દ્રશ્યમ' સાથે શરૂ થયેલી વાર્તાને 2022 માં 'દ્રશ્યમ 2' એ આગળ વધારી હતી. હવે ત્રીજા ભાગમાં વિજય સાલગાવકર ફરી એકવાર પોતાના પરિવારને બચાવવા માટે કાયદા સામે લડે છે. આ રીતે તે આ ફિલ્મના ત્રીજા ભાગમાં પણ પડકારજનક સ્થિતિમાં મુકાય છે. ફિલ્મની ખાસિયત એ છે કે ફ્રેન્ચાઇઝીએ છેલ્લી બંને ફિલ્મોથી જોડાયેલા પાત્રો અને ઘટનાઓને આગળ વધાર્યા છે.
‘દ્રશ્યમ 3: ધ કન્ક્લૂઝન’નું દિગ્દર્શન અભિષેક પાઠકે કર્યું છે અને આ હિન્દી ‘દ્રશ્યમ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી અને અંતિમ ફિલ્મ છે. અજય દેવગન ફરી વિજય સાલગાંવકરના રોલમાં છે, જ્યારે તબ્બુ મીરા દેશમુખ અને શ્રિયા સરન નંદિનીના પાત્રમાં પરત ફર્યા છે. જયદીપ અહલાવત, પ્રકાશ રાજ, રાજત કપૂર, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, સૌરભ શુક્લા, કમલેશ સાવંત અને નેહા જોશી પણ ફિલ્મનો ભાગ છે.