Wed Oct 07 2026

Logo

ગુજરાતની આ સ્કૂલમાં કલાક પુસ્તક વાંચવાના 5 રૂપિયા, વિદ્યાર્થીઓને વાંચન તરફ વાળવા અનોખી પહેલ

2026-10-07 11:27:54
Author: Mumbai Samachar Team
ગુજરાતની આ સ્કૂલમાં કલાક પુસ્તક વાંચવાના 5 રૂપિયા, વિદ્યાર્થીઓને વાંચન તરફ વાળવા અનોખી પહેલ

Chat GPT Image


રાજકોટ: રાજકોટમાં વાંચવાના પૈસા મળે છે. શહેરમાં ખાનગી સ્કૂલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને પુસ્તકો વાંચવા બદલ પ્રોત્સાહન રૂપે રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ અનોખી પહેલેથી વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેનો અભિગમ પણ બદલાયો છે.

આજના મોબાઈલના જમાનામાં વિદ્યાર્થીઓ પુસ્તકથી દૂર જઈ રહ્યા છે અને મોબાઈલની નજીક આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને વાંચન તરફ વાળવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ જો એક કલાક પુસ્તક વાંચે છે તો તેમને પાંચ રૂપિયા આપવામાં આવે છે. જેટલી કલાક પુસ્તક વિદ્યાર્થીઓએ વાંચ્યું છે તેટલી કલાકના પાંચ-પાંચ રૂપિયા આપવામાં આવે છે. 

રાજકોટના વર્ધમાનનગરમાં આવેલી આર.બી. સ્કૂલે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. સિંગાપોર સરકારના રીડિંગ મોડલ પરથી પ્રેરણા મેળવી શાળાએ બાળકોને મોબાઈલ અને ટીવીના સ્ક્રીન ટાઈમથી દૂર રાખવા ખાસ પોલિસી બનાવી છે. જેમાં ધો. 3 થી 10ના 150 વિદ્યાર્થીઓ માટે 1 કલાક વાંચન પર રૂ. 5 અને 2 કલાકના રૂ. 10 ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકાઈ છે.

આ વાંચનનું નિરીક્ષણ વાલીઓ કરે છે અને જો શાળાના 150 તમામ બાળકો રોજ 2 કલાક વાંચે તો મહિને રૂ. 45 હજાર અને 3 કલાક વાંચન કરે તો 67 હજાર સુધી ચૂકવાશે. શાળા દ્વારા યોગ્ય પોલિસી અને મોનિટરિંગ સિસ્ટમ ગોઠવીને પાયલટ પ્રોજેક્ટ માટે લાગુ કર્યો છે.

આ રકમ પ્રોત્સાહન સ્વરૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સ્કૂલની આ અનોખી પહેલના કારણે તેઓ પુસ્તક તરફ વળ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પહેલા તેમને ખ્યાલ ન હતો કે પુસ્તક વાંચવામાં આટલી મજા આવતી હશે પણ સ્કૂલ દ્વારા આપવામાં આવતા પ્રોત્સાહનના કારણે તેઓ પુસ્તક વાંચતા થયા. હવે તેમને ખ્યાલ આવ્યો કે મોબાઈલ કરતા વધુ મજા પુસ્તક વાંચવામાં આવે છે.

વિદ્યાર્થીઓને વાંચન માટે કોઈ દબાણ કરવામાં નથી આવતું તેમને સમય મર્યાદામાં કે કોઈ ચોક્કસ પુસ્તકનું દબાણ પણ નથી કરવામાં આવતું. વિદ્યાર્થી જ્યાં ઈચ્છે ત્યાં જે પુસ્તક છે તે તેમની રીતે વાંચી શકે છે. આ માટે સ્કૂલ દ્વારા એક ચાર્ટ પેપર બનાવવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીએ જે પુસ્તક વાંચ્યું છે તે પુસ્તકનું નામ, કેટલી કલાક વાંચ્યું છે, કેટલા પેજ વાંચ્યા છે તેમજ વાલીની સાઈન અને તેમના વર્ગ શિક્ષકની સાઈન લેવામાં આવે છે. વર્ગ શિક્ષકનું કહેવું છે કે તેઓ જ્યારે ચાર્ટ પેપર ઉપર સાઈન કરે છે ત્યારે જે પુસ્તક વિદ્યાર્થીએ વાંચ્યું હોય તે સાથે રાખવાનું હોય છે. 

વર્ગ શિક્ષક વિદ્યાર્થીએ વાંચેલા વિષયમાંથી સવાલો પૂછે છે, જો એ સવાલોના જવાબ આપી દે તો સાઈન કરી દેવામાં આવે છે. દર મહિને વિદ્યાર્થીને તે પ્રમાણે પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. સ્કૂલ સંચાલકનું કહેવું છે કે આ કોન્સેપ્ટના કારણે વિદ્યાર્થીઓ મોબાઈલથી દૂર જતા હોય છે અને વાંચન તરફ વળતા હોય છે. અંતે તેમનું રિઝલ્ટ પણ સુધરતું હોય છે જ્યારે લાંબા ગાળે સ્કૂલનું નામ પણ વધતું હોય છે.

જો વિદ્યાર્થી એક વખત પુસ્તક વાંચતો થઈ જાય તો તેમને સમજાઈ જાય છે કે જે મજા પુસ્તક વાંચવામાં છે તે મજા મોબાઈલમાં નથી. જે ફાયદો પુસ્તક વાંચવામાં છે તેટલો ફાયદો મોબાઈલ જોવામાં નથી. બસ વિદ્યાર્થીને માત્ર એક વખત પુસ્તક વાંચવા તરફ પ્રેરેવાની જરૂર હોય છે, એવું માનીને આ ખાનગી સ્કૂલ દ્વારા આ નવતર પ્રયોગ કરાયો છે.