Thu Oct 08 2026

Logo

સુભાષ બ્રિજથી આશ્રમ સુધીનો રોડ બનશે ‘આઈકોનિક’, કોર્પોરેશનના કમિશનરે સ્પોટ વિઝિટ કરીને અધિકારીને સૂચનો કર્યા

2026-10-06 22:55:03
Author: Mumbai Samachar Team
સુભાષ બ્રિજથી આશ્રમ સુધીનો રોડ બનશે ‘આઈકોનિક’, કોર્પોરેશનના કમિશનરે સ્પોટ વિઝિટ કરીને અધિકારીને સૂચનો કર્યા

અમદાવાદઃ મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ(ગાંધી આશ્રમ)ના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમને જોડતાં રોડનો વિકાસ કરી વૃક્ષારોપણ વધારવા માટે મ્યુનિ.કમિશનરે સૂચના આપી છે. ખાસ કરીને આ ઐતિહાસિક સ્થળને જોડતા રસ્તાને આઈકોનિક પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવામાં આવશે. આ અંગેના એક પ્રોજેક્ટની કમિશનરે વિગતવાર ચર્ચા કરી છે.  અમદાવાદ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાનીએ સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત ગાંધી આશ્રમને જોડતાં વિવિધ એપ્રોચ રોડની સ્થળ તપાસ કરી હતી. ખાસ કરીને આશ્રમ સુધી આવતા દરેક રસ્તાની હાલની સ્થિતિની સમીક્ષા કરી છે. 

મુલાકાતીઓને ધ્યાને લઈ લેવાશે નિર્ણય
ગાંધી આશ્રમ પ્રોજેક્ટ પૂર્ણ થયાં બાદ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવશે તેને ધ્યાને લઈ ગાંધી આશ્રમને જોડતાં વિવિધ રોડને વધુ વ્યવસ્થિત, આકર્ષક પ્લાન્ટેશન કરીને હરિયાળી વધારવા ઉપર ભાર મૂક્યો હતો. કમિશનરે સુભાષ બ્રિજથી ગાંધી આશ્રમ સુધીનાં 60 મીટરના રોડને આઈકોનિક રોડ બનાવવાનો છે. તેની તેમજ રાણીપથી રિવરફ્રન્ટ સુધીનાં રોડ સહિતનાં વિવિધ એપ્રોચ રોડની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં મેમ્બર સેક્રેટરી આઈ.કે.પટેલ તથા ડે.કમિશનરો અને આસિ.કમિશનરો તેમજ ઈજનેર ખાતાનાં ઉચ્ચ અધિકારીઓ તથા એસ્ટેટ-ટીડીઓ ખાતાનાં અધિકારીઓ સાથે આશ્રમ તરફ જતા માર્ગોને વધુ સુવ્યવસ્થિત, આકર્ષક અને નાગરિકોને અનુકૂળ બનાવવા માટે હાથ ધરવામાં આવનારી વિવિધ વિકાસલક્ષી કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

રૂબરૂ મુલાકાત કરી
કમિશનરે સંબંધિત સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ માર્ગોના વર્તમાન માળખા, ટ્રાફિક વ્યવસ્થા વગેરે બાબતોને લઈ ચર્ચા કરી હતી અને આગામી વાઈબ્રન્ટ સમિટ પહેલાં ગાંધી આશ્રમને જોડતાં રોડની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે મ્યુનિ.નાં અધિકારીઓને સૂચના આપી હતી. ખાસ કરીને ટ્રાફિક ન થાય, મુસાફરો કે મુલાકાતીઓને આશ્રમ સુધી પહોંચવામાં સરળતા રહે, આશ્રમ સુધી આવતા અનેક રસ્તાઓમાં કોઈ મોટી મુશ્કેલી ન થાય એવી કેટલીય બાબતોનું આ પ્રોજેક્ટમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે. હાલમાં રાણીપ એસ.ટી. બસ સ્ટેન્ડની સામેના રસ્તા પર વૃક્ષારોપણથી લઈને સાઈનબોર્ડ સુધીની કામગીરી ચાલી રહી છે.