અમદાવાદઃ વડોદરામાં બે ઠગે પોલીસ બની એક ખેડૂતને લૂંટી લીધાનો વિચિત્ર કેસ પોલીસ ચોપડે નોંધાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર છાણી કાછીયાવાડના નાની કાછીયાવાડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા 62 વર્ષીય નગીનભાઈ જેઠાભાઈ પટેલ પોતાના ટુ વ્હીલરમાં છાણી-દુમાડ રોડ પર દર્શન કરવા નીકળ્યા હતા. તેઓ પરત ફરતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સ તેમને મળ્યા હતા.
બન્નેએ પોતે પોલીસ હોવાનું કહ્યું હતું અને ફરિયાદીને ડરાવ્યા હતા. તેમણે આગળ હત્યા થઈ હોવાનું અને હત્યારી ગેંગ ફરતી હોવાનુ ખેડૂતને જણાવ્યું હતું. તેમના કહેવા બાદ ફરિયાદીએ પોતે પહેરેલા સોનાના દાગીના કાઢી નાખ્યા હતા. ત્યારબાદ બન્ને આરોપીએ તેમને દાગીના પેન્ટના ખિસ્સામાં ન મૂકવા અને તેમણે આપેલા કાગળમા મુકી થેલીમાં મૂકવા કહ્યું હતું.
જોકે આ દરમિયાન તેમણે હાથચાલાકી વાપરી દાગીના સરકાવી લીધા હતા. થોડે દૂર ગયા બાદ શંકા જતા ખેડૂતે થેલીમાં મૂકેલું પડીકું ખોલ્યું હતું ત્યારે તેમાંથી દાગીનાને બદલે પાન-માસાલો નીકળ્યો હતો. ખેડૂતે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવી કેમરા ચેક કરી બન્ને ઠગબાજને શોધવાની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
AI (પ્રતીકાત્મક તસવીર)