Wed Oct 07 2026

Logo

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારી અને કેન્દ્રીય કૃષિ પ્રધાનની ઉપસ્થિતિમાં વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો સમાપન સમારોહ યોજાયો

2026-10-07 21:18:00
Author: Pooja Shah
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારી અને કેન્દ્રીય કૃષિ પ્રધાનની ઉપસ્થિતિમાં વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો સમાપન સમારોહ યોજાયો

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વડનગરમાં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો ગૌરવશાળી સમાપન સમારોહ સંપન્ન થયો હતો. 

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે , ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું હતું. આજે વડા પ્રધાન સતત ૨૫ વર્ષ સુધી જનસેવા અને સુશાસનનું દાયિત્વ નિભાવીને દેશમાં સૌથી લાંબા સમય સુધી સેવાદાયિત્વ આપનાર જનનાયક બનવાનું ગૌરવ મેળવ્યું છે. તેમણે સત્તાને પદ નહિં પરંતુ સેવાનું સાધન માન્યું છે.  વિકસિત ભારત ૨૦૪૭ના વડાપ્રધાને આપેલા સંકલ્પને સાકાર કરવા માટે તેમણે 'We Will Do It'નું જે આહવાન કર્યું છે તે ઝીલી લઈને ગુજરાતની યુવા શક્તિ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 

આ પ્રસંગે શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ૭મી ઓક્ટોબરનો આ દિવસ ઐતિહાસિક છે. વડનગરની આ પવિત્ર ભૂમિએ દેશને એક એવો વિરલ લાલ આપ્યો છે, જેમણે સમગ્ર વિશ્વમાં ભારતની વિજય પતાકા લહેરાવી છે. 

બાઈક રેલી થકી વારાણસીથી વડનગર સુધી સ્વચ્છતા અને વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યો કરતા આવેલા યુવાનોને બિરદાવતા તેમણે જણાવ્યું કે, દેશનો સાચો યુવા એ છે જેના હૃદયમાં દેશદાઝ હોય અને જેના પગમાં ગતિ હોય. રાજકીય અરાજકતા ફેલાવનારા તત્વો સામે દેશનો યુવા વર્ગ વિકાસ અને રાષ્ટ્ર સેવાના માર્ગે અગ્રેસર છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એ જ પવિત્ર માટી છે જેણે દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા વિઝનરી જનનાયક આપ્યા છે. વડાપ્રધાનના દ્રષ્ટિવંત અને સશક્ત નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે વિકાસ અને સુશાસનના એક નવા યુગનો મંગલ પ્રારંભ થયો છે.