ગાંધીનગરઃ ગુજરાત સરકારે હાઈ કોર્ટના ચુકાદાઓના સમયબદ્ધ પાલન અંગે વહીવટી વ્યવસ્થાને વધુ સ્પષ્ટ અને જવાબદાર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. તેના અંતર્ગત સરકાર દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે SOP નક્કી કરવામાં આવી છે, જેના હેઠળ અદાલતનો નિર્ણય મળ્યા બાદ વિભાગોએ નિયત પ્રક્રિયા અને સમયમર્યાદા મુજબ કાર્યવાહી કરવાની રહેશે. આ એસઓપીનો મુખ્ય હેતુ ચુકાદાઓના અમલમાં થતો બિનજરૂરી વિલંબ અટકાવવાનો અને એવી સ્થિતિ ઊભી થતી રોકવાનો છે.
આ વ્યવસ્થામાં હાઈ કોર્ટના ચુકાદા બાદ વિભાગો સમક્ષ ઉપલબ્ધ વિકલ્પો અને તેમની પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. કાયદા વિભાગના તાજેતરના પરિપત્ર મુજબ ન્યાયાલયના નિર્ણય બાદ સમયસર કાર્યવાહી ન થવાથી આદેશના અમલમાં વિલંબ થઈ શકે છે. નવી SOP આ વહીવટી વિલંબને ઘટાડવા માટે પ્રક્રિયાને ટાઇમ-બાઉન્ડ બનાવે છે.
ચુકાદો સ્વીકાર્ય હોય તો કાર્યવાહી અને અપીલ કરવી હોય તો નિયત પ્રક્રિયા
જો સંબંધિત વહીવટી વિભાગ હાઈ કોર્ટના ચુકાદાને સ્વીકારે છે, તો નાણાં વિભાગે નક્કી કરેલી પ્રક્રિયા અનુસાર જરૂરી કાર્યવાહી કરવી પડશે. જ્યારે વિભાગને ચુકાદા સામે અપીલ કરવી યોગ્ય લાગે, ત્યારે વિભાગીય અભિપ્રાય સાથે કાયદા વિભાગની સલાહ લઈને નિયત સમયમર્યાદામાં લિટિગેશનની કાર્યવાહી શરૂ કરવાની રહેશે. આ સાથે કાયદા વિભાગ દ્વારા 29 જૂન 2024ના રોજ જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત વહીવટી વિભાગની રહેશે. એટલે કે ચુકાદો આવ્યા બાદ તેને પડતર રાખવાને બદલે વિભાગે સમયબદ્ધ રીતે એ નક્કી કરવાનું રહેશે કે નિર્ણય સ્વીકારવો છે કે તેની સામે કાનૂની પ્રક્રિયા હાથ ધરવી છે.
અપીલની દરખાસ્તમાં દસ્તાવેજી પ્રક્રિયા પણ સ્પષ્ટ રહેશે
અપીલ સંબંધિત દરખાસ્ત તૈયાર કરતી વખતે ઈ-ફાઈલમાં નોંધાયેલી નોંધ સાથે તેમાં સંદર્ભિત દસ્તાવેજોને ઈ-સરકાર પ્રણાલીમાં અપલોડ કરવા અનિવાર્ય રહેશે. સંબંધિત દસ્તાવેજો અને સંદર્ભોને સ્પષ્ટ હાઈપરલિંક સાથે નોંધવા પડશે તથા પ્રસ્તાવમાં જરૂરી વિગતો ઉપલબ્ધ કરાવવી પડશે. સક્ષમ અધિકારીની સહીવાળી ચેકલિસ્ટમાં વિલંબના કારણો સહિત જરૂરી માહિતી નોંધવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આથી અપીલની દરખાસ્તોમાં દસ્તાવેજી સંપૂર્ણતા અને પ્રક્રિયાની સ્પષ્ટતા સુનિશ્ચિત થશે તથા બિનજરૂરી પત્રવ્યવહાર અથવા દસ્તાવેજોની અછતને કારણે થતા વિલંબને ઘટાડવામાં મદદ મળશે.
વિલંબ માટે જવાબદારી પણ નક્કી થશે
સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદાના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલવાથી થતો બિનજરૂરી વિલંબ અટકાવવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. જો કોઈ કિસ્સામાં નિયત સમયમર્યાદાના ઉલ્લંઘન માટે કોઈ અધિકારી જવાબદાર જણાશે, તો લાગુ નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવાની જવાબદારી વિભાગના વડાની રહેશે.
સમયસર અમલ શક્ય ન હોય, તો કોર્ટ પાસેથી વધારાનો સમય માંગી શકાશે
કેટલાક કિસ્સાઓમાં વ્યવહારુ કારણોસર હાઈકોર્ટના આદેશનો નિયત સમયગાળામાં અમલ કરવો શક્ય ન પણ બને. ઉદાહરણ તરીકે; રેકોર્ડ ઉપલબ્ધ ન હોવો, સેવા સંબંધિત જરૂરી માહિતીનો અભાવ અથવા ચુકાદા અનુસાર નિર્ણય લેવાની પ્રક્રિયા પડતર હોવી. આવી પરિસ્થિતિમાં સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં Miscellaneous Civil Application for Time Extension દાખલ કરીને વધારાનો સમય માંગવાની કાર્યવાહી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ રીતે વધારાના સમય માટેની આ અરજી હાઈકોર્ટ દ્વારા મૂળ ચુકાદામાં નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ દાખલ કરવાની રહેશે. તેને અંતિમ સમય સુધી પડતર રાખવાને બદલે સમયસર કોર્ટ સમક્ષ રજૂ કરવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.
નવી SOPથી હાઈકોર્ટના આદેશો બાદ અમલ, અપીલ અથવા સમયવધારો; આ ત્રણેય પરિસ્થિતિઓ માટે સ્પષ્ટ વહીવટી માર્ગ નક્કી થયો છે. આથી ન્યાયિક આદેશોના અમલમાં સમયબદ્ધતા વધારવા, બિનજરૂરી વિલંબ ઘટાડવા અને જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે.