અમદાવાદઃ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી 11 મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવ્યા બાદ પગલા લેવામાં આવ્યા હતા. અમદાવાદની સ્પેશિયલ સ્ક્વોડે રેડ પાડી બેરેકમાંથી 11 એન્ડ્રોઇડ-મોબાઈલ મળી આવ્યા હતા. કેદીઓને મળતી વીઆઈપી ટ્રિટમેન્ટનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો હતો. હવે આ કેસમાં 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાહીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
જેલ પ્રશાસન દ્વારા ફરજમાં દાખવેલી બેદરકારી અથવા તો મિલીભગતને કારણે આ પગલાં લેવામાં આવ્યા છે. જેલના કેદીઓને પાન-મસાલા, સિગારેટથી માંડીને આરામદાયક સાધનો પૂરા પાડવામાં આવતા હતા. કેદીઓ જેલ પરિસરમાં બિન્દાસ્ત મોબાઈલ પર વાતો કરતાં પણ ઝડપાયા હતા, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. આ સાથે લાજપોર જેલના જેલર કે. જે. ધારગેની પણ બદલી અમદાવાદ મધ્ય્સ્થ જેલમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમને તાત્કાલિક અસરથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ટ્રાન્સફર કરી દેવાયા છે.
જેલમાં અંદરખાને વહીવટ કરતા અને સવલતો ભોગવતા ત્રણ માથાભારે કેદીઓને પણ તાત્કાલિક અસરથી રાજ્યની અન્ય જેલોમાં ટ્રાન્સફર કરી દેવાયા હોવાની અને જેલમાં બંદોબસ્ત વધારી દેવમાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
AI પ્રતીકાત્મક તસવીર