અમદાવાદઃ સાપ જોઈને સામાન્ય રીતે લોકો ડરી જાય છે, પરંતુ દાહોદના ધાનપુરમાં સામે આવેલા આ સાપને જોઈને લોકોમાં ડર કરતાં આશ્ચર્ય વધારે જોવા મળ્યું હતું. કારણ કે આ કોઈ સામાન્ય સાપ નહોતો. આ દુર્લભ સાપનું શરીર એક હતું પરંતુ બે મોઢાં હતા. પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વન વિભાગના સહયોગથી આ અત્યંત દુર્લભ સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ વુલ્ફ સ્નેક બિનઝેરી છે. એક જ શરીર પર બે મોઢાં હોવાની આ દુર્લભ જૈવિક સ્થિતિને બાયસેફાલી કહેવામાં આવે છે.
રાજ્યમાં બે મોઢાં વાળો સાપનો પ્રથમ કિસ્સો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આશ્ચર્યની વાત એ છે કે બંને માથાં પાસે પોતાનું અલગ અલગ મગજ અને નવર્સ સિસ્ટમ છે. એટલે કે એક જ શરીર પરંતુ તેને ચલાવવા માટે બે અલગ અલગ દિમાગ. હવે સવાલ એ ઊભો થાય છે કે આ સાપ બન્યો કેવી રીતે અને બંને માથાં એક જ શરીરને કઈ રીતે સંભાળે છે? આખરે આવું કઈ રીતે બની શકે? જોકે આ પ્રકૃતિમાં જોવા મળતી એક અત્યંત દુર્લભ સ્થિતિ છે.
આ પહેલાં ભારતમાં બે કોબ્રા અને બે વુલ્ફ સ્નેકમાં આવી વિકૃતિ જોવા મળી હતી. હવે અસલી સવાલ સાપના બે માથાં બને છે કેવી રીતે? આની પાછળ 'જેનેટિક મ્યુટેશન' એટલે કે આનુવંશિક ફેરફારને કારણ માનવામાં આવે છે. વિજ્ઞાનની ભાષામાં તેને બાયસેફલી કહેવામાં આવે છે. સાપ જ્યારે ગર્ભ સ્વરૂપે વિકસી રહ્યો હોય છે, તે દરમિયાન તેના શરીરના માથાંવાળા ભાગના વિકાસમાં અસામાન્ય ફેરફાર થાય છે. પરિણામે, એક શરીર સાથે બે માથાં વિકસી જાય છે. જો બે માથાં છે, તો શું બંને એક જ મગજથી કામ કરે છે? ના. આ સાપના બંને માથાં પાસે પોતપોતાનું સ્વતંત્ર મગજ અને ચેતાતંત્ર હોય છે. એટલે કે એક જ શરીરમાં બે અલગ-અલગ મગજ.
હવે જરા વિચારો, સાપને આગળ વધવું છે. એક મોં એક તરફ વળવા માંગે છે, તો બીજું મોં બીજી તરફ. તો પછી શરીર કોનું માનશે? આવા જીવો માટે આ જ સૌથી મોટો પડકાર બની જાય છે. ખોરાકની બાબતમાં પણ બંને મોં વચ્ચે હરીફાઈ થઈ શકે છે. દિશા નક્કી કરવા બાબતે પણ બંને અલગ-અલગ પ્રતિક્રિયા આપી શકે છે. કદાચ આજ કારણ છે કે કુદરતી વાતાવરણમાં આવા જીવોનું આયુષ્ય સામાન્ય રીતે ઘણું ઓછું હોય છે, કારણ કે જંગલ કે ખુલ્લા વાતાવરણમાં સાપ સામે જોખમો ઓછા નથી હોતા. આવા સમયે એક જ શરીરના બે માથાં જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે તે તેના અસ્તિત્વ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
દાહોદમાં મળેલો આ સાપ ફક્ત એટલા માટે ચર્ચામાં નથી કે તેના બે માથાં છે. આ એક વુલ્ફ સ્નેક (રૂપસુંદરી/વરુદંતી સાપ) છે, અને વુલ્ફ સ્નેક મનુષ્યો માટે બિનઝેરી અને હાનિરહિત હોય છે. સામાન્ય રીતે તે ઘરોની આસપાસ જોવા મળતી ગરોળીઓ અને નાના જીવોને ખાય છે. એટલે કે જે સાપને જોઈને આજે લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, તેની સામાન્ય ભૂમિકા આપણી આસપાસની ઇકોસિસ્ટમ માટે ઘણી મહત્વપૂર્ણ છે. તે નાના જીવોની સંખ્યા નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
કુદરત ક્યારેક એવી અજાયબીઓ બતાવી દે છે, જેને જોઈને વિજ્ઞાનનાં પુસ્તકોમાં વાંચેલી વાતો પણ અચાનક નજર સમક્ષ જીવંત થઈ ઊઠે છે. દાહોદનો આ બે મોંવાળો સાપ પણ કંઈક આવો જ ચમત્કાર છે.