નવી દિલ્હીઃ અમેરિકાના લાસ વેગાસમાં 12 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાનારી U23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજો માટે ભાગ લેવો હવે ઘણો મુશ્કેલ જણાઈ રહ્યો છે. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ભારતીય પહેલવાનોએ યુએસ એમ્બેસીમાં વિઝા માટે અરજી કરી હતી, પરંતુ 9 પહેલવાનોના વિઝા નકારી કાઢવામાં આવ્યા છે, જેમાં વર્ષ 2024માં U17 વર્લ્ડ ચેમ્પિયન રહેલી નેહા સાંગવાનનું નામ પણ સામેલ છે. વિઝા માટે અરજી કરનારા કુસ્તીબાજોને 7 ઓક્ટોબરે નવી દિલ્હી સ્થિત યુએસ એમ્બેસીમાં વિઝા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા, જે બાદ વિઝા નકારવાનું કારણ જણાવીને તેમના પાસપોર્ટ પરત કરી દેવાયા હતા.
આ કારણસર ન મળ્યા યુએસ વિઝા
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, U23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે યુએસ વિઝા અરજી કરનારા જે ભારતીય પહેલવાનોના વિઝા નકારવામાં આવ્યા છે, તેમને લઈને યુએસ એમ્બેસી તરફથી જણાવવામાં આવ્યું છે કે 20 વર્ષથી ઓછી ઉંમર અને રોજગાર ન હોવાના કારણે તેમની અરજીઓ નકારવામાં આવી છે. ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) એ આ મામલે નવી દિલ્હી સ્થિત યુએસ એમ્બેસીને આ કેસો પર પુનર્વિચાર કરવા અને 8 ઓક્ટોબરે વિઝા ઇન્ટરવ્યુ માટે બોલાવાયેલા પહેલવાનોને વિઝા આપવા વિનંતી કરી છે.
મહાસંઘે લખેલા પત્ર મુજબ, આજે 24 સહભાગીઓ તેમના વિઝા ઇન્ટરવ્યુ માટે એમ્બેસી ગયા હતા, જેમાં આ રમત સાથે જોડાયેલા 16 પહેલવાનો સામેલ હતા. પરંતુ કથિત રીતે નવ પહેલવાનોના વિઝા તેમની રોજગાર સ્થિતિ અને 20 વર્ષથી ઓછી ઉંમર હોવાને કારણે નકારી કાઢવામાં આવ્યા. મહાસંઘે જણાવ્યું કે આગામી ચેમ્પિયનશિપ અંડર-23 વય જૂથ માટે છે અને તેમાં ભાગ લેનારા પહેલવાનોની ઉંમર 18 થી 23 વર્ષ વચ્ચેની છે. WFI એ એમ્બેસીને નકારાયેલી અરજીઓ પર પુનર્વિચાર કરવાની વિનંતી કરતા કહ્યું છે કે આમાંથી ઘણા યુવા ખેલાડીઓ હજુ પણ તેમની રમતગમત કારકિર્દી બનાવી રહ્યા છે અને સ્વાભાવિક રીતે તેઓ ઔપચારિક રીતે નોકરી કરતા નથી.
નેહા સાંગવાન સહિત આ પહેલવાનોની વિઝા અરજી નકારાઈ
WFI એ લખેલા પત્રમાં જે પહેલવાનોની વિઝા અરજીઓ નકારવામાં આવી છે, તેમાં સમર્થ ગજાનન મ્હાકવે, ધીરજ કુમાર મલિક, સચિન કુમાર, નિખિલ, હરદીપ, પરવીન, અહિલ્યા શત્રુઘ્ન શિંદે, નેહા શર્મા અને નેહા સાંગવાન સામેલ છે. ઉપરાંત પત્રમાં જેમને હજુ વિઝા અરજી પછી ઇન્ટરવ્યુ માટે જવાનું બાકી છે અને તેમની ઉંમર 20 વર્ષથી ઓછી હોવાની સાથે તેઓ બેરોજગાર પણ છે તેમની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.