કુલગામ: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જેમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ કુલગામમાંથી પાંચ આતંકી મદદગારની(OGW) ધરપકડ કરી છે. તેમની પાસેથી બે પિસ્તોલ, ત્રણ મેગેઝિન, 9 એમએમ દારૂગોળાના 40 રાઉન્ડ અને ત્રણ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.
ખેરવાન ચડ્ડર વિસ્તારમાં એક વિશેષ અભિયાન હાથ ધર્યું હતું
આ ઘટના અંગે પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે કુલગામ પોલીસ, 9 રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફની 18મી બટાલિયને કુલગામ જિલ્લાના ખેરવાન ચડ્ડર વિસ્તારમાં એક વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન આતંકવાદી સંગઠનોના પાંચ સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી.ધરપકડ કરાયેલા OGWs (ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ)માં તાજમ્મુલ હુસૈન મીર રહમત અલી નાઈકુ તહરીમ અહਮદ ભટ, મંજૂર અહમદ ભટ અને કિફાયત અહમદ દારનો સમાવેશ થાય છે.
આ વિસ્તારમાં સક્રિય આતંકવાદી નેટવર્કને ફટકો
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોની સમયસરની કાર્યવાહીએ આ વિસ્તારમાં શાંતિ ડહોળવાના અને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના આતંકવાદીઓ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તેમજ શસ્ત્રોનો આટલો મોટો જથ્થો મળી આવવો અને ધરપકડ થવી એ આ વિસ્તારમાં સક્રિય આતંકવાદી નેટવર્ક અને OGW (ઓવર ગ્રાઉન્ડ વર્કર) ઇકોસિસ્ટમ માટે મોટો ફટકો છે. કુલગામ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.