Wed Oct 07 2026

Logo

જાવેદ અખ્તરે ધર્મ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું કે, ‘99 ટકા લોકો જે ધર્મમાં જન્મે છે, એ જ ધર્મમાં મૃત્યુ પામે છે’

2026-10-07 09:36:09
Author: Mumbai Samachar Team
જાવેદ અખ્તરે ધર્મ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું કે, ‘99 ટકા લોકો જે ધર્મમાં જન્મે છે, એ જ ધર્મમાં મૃત્યુ પામે છે’

મુંબઈ: જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે ફરી એકવાર ધર્મ અને આસ્થાને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક વાતચીત દરમિયાન તેણે સવાલ કર્યો કે શું લોકો ખરેખર પોતાના ધર્મની પસંદગી કરે છે કે પછી બાળપણથી માતા-પિતા પાસેથી મળેલી માન્યતાઓને જ જીવનભર અનુસરે છે. જાવેદ અખ્તરે દાવો કર્યો કે 99 ટકા લોકો જે ધર્મમાં જન્મે છે, એ જ ધર્મમાં મૃત્યુ પામે છે. 

'શાંતિ મળવી સત્ય હોવાનો પુરાવો નથી'

જાવેદ અખ્તરે કહ્યું કે મુશ્કેલ સમયમાં ધર્મ લોકોને માનસિક સહારો અને શાંતિ આપી શકે છે, પરંતુ માત્ર શાંતિ મળવી એ કોઈ માન્યતા સાચી હોવાનો પુરાવો નથી. તેમના મતે, લોકો ઘણીવાર કોઈ સર્વોચ્ચ શક્તિમાં એટલા માટે વિશ્વાસ રાખે છે કારણ કે તેનાથી તેમને એવું આશ્વાસન મળે છે કે કોઈ તેમની સંભાળ રાખી રહ્યું છે. તેણે આવી માન્યતાને તર્કની દૃષ્ટિએ પ્રશ્નાર્થ ગણાવી હતી. 

એલોન મસ્કનું ઉદાહરણ આપી સમજાવી વાત 

આ વાત સમજાવવા માટે જાવેદ અખ્તરે એલોન મસ્કનું ઉદાહરણ આપ્યું હતું. તેણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ પોતાના મનમાં એવું માની લે કે એલોન મસ્ક તેનો ભાઈ છે અને આગામી મહિને તેને અબજો ડોલર મોકલવાનો છે, તો માત્ર એ માન્યતાથી પણ તેને ખુશી અને સુરક્ષાની લાગણી થઈ શકે છે. પરંતુ તેનાથી એ માન્યતા હકીકત બની જતી નથી. 

'99 ટકા લોકો તે જ ધર્મમાં મરે છે જેમાં તેઓ જન્મે છે'

જાવેદ અખ્તરે ધર્મની પસંદગી અંગે પણ સવાલ કર્યો હતો. તેના કહેવા પ્રમાણે, દુનિયાના મોટાભાગના લોકો પોતે વિચારીને કોઈ ધર્મ પસંદ કરતા નથી, પરંતુ જન્મથી મળેલી માન્યતાઓને સ્વીકારે છે. પોતાના વિચારો સમજાવતા જાવેદ અખ્તરે કહ્યું કે તે વ્યક્તિ પર નહીં પરંતુ વિચાર, તર્ક અને કારણ પર વિશ્વાસ કરે છે. આ વાતના આધારે તેણે કહ્યું કે લગભગ 99 ટકા લોકો તે જ ધર્મમાં મરે છે, જેમાં જન્મ્યા હતા.

'આપણે માણસ પર નહીં, વિચાર પર વિશ્વાસ કરીએ છે'

જાવેદ અખ્તરે ધાર્મિક વિશ્વાસને લઈને પણ વાત કરી હતી.  તેના મતે કોઈ વ્યક્તિ કાલે પોતાનો અભિપ્રાય બદલી શકે છે, તેથી વ્યક્તિને નહીં પરંતુ તેના વિચારને તપાસવો જોઈએ. કોણ કહી રહ્યું છે, એનાથી વધારે જરૂરી છે કે તે જે કહી રહ્યું છે તેમાં કેટલો દમ છે. 

દુનિયાના દરેક ધર્મ એક જેવા નથી  

જાવેદ અખ્તરે ધાર્મિક વિશ્વાસને લઈને અન્ય એક વાત કરી હતી. તેના મતે દુનિયાના અલગ અલગ ધર્મને એટલે એક જેવા ન કહી શકાય કારણકે દરેક માણસ પોતાના ધર્મ અનુસાર ઉત્તમ બનવાનો પ્રયાસ કરે છે. દુનિયામાં અનેક મોટા ધર્મો છે જેમના વિચાર તદ્દન જુદા છે. તેથી દરેક ધર્મ એક જ વાત કરે છે તે કહેવું યોગ્ય નથી. જાવેદ અખ્તરના આ નિવેદન બાદ ફરી એકવાર ધર્મ, આસ્થા, વારસામાં મળતી માન્યતાઓ અને તર્ક વચ્ચેના સંબંધને લઈને ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ‘99 ટકા લોકો જન્મેલા ધર્મમાં જ મૃત્યુ પામે છે’ એવી તેની ટિપ્પણીએ આ મુદ્દાને વધુ ચર્ચામાં લાવી દીધો છે.