Wed Oct 07 2026

Logo

દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી! ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું

2026-10-07 08:56:07
Author: Vimal Prajapati
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી! ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા દેશના વિવિધ ભાગો માટે હવામાન અંગે નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન અને વરસાદનો દોર જોવા મળી શકે છે, જ્યારે ઉત્તરના પહાડી વિસ્તારોમાં હળવી બરફવર્ષા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.   

પૂર્વ અને મધ્ય ભારતમાં આંધી-તોફાનનું જોખમ

બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં 7થી 10 ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને બિહારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે, જે અમુક સમયે 60 કિમી/કલાકની ઝડપ પણ પકડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઓડિશા અને સિક્કિમમાં પણ વાવાઝોડા અને ગાજવીજનું એલર્ટ આપવામાં આવ્યું છે.  

દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ મુસળધાર વરસાદ પડી શકે છે. આ સાથે આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને યનામમાં 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પૂર્વોત્તર ભારતમાં 7થી 11 ઓક્ટોબર દરમિયાન અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રના કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અથવા બરફવર્ષા થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. તે જ સમયે હરિયાણામાં પણ તેજ પવન અને વીજળી પડવાની ચેતવણી છે. દિલ્હી-NCR ક્ષેત્રમાં આંશિક રીતે વાદળછાયું આકાશ રહેશે. જોકે, હવામાન વિભાગે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા અને આંધી-તોફાનની આશંકા વ્યક્ત કરી છે.