નવી દિલ્હીઃ દિલ્લીમાં આજે INDIA બ્લોકના પક્ષો પ્રદર્શન કરશે. આ પ્રદર્શન બપોરે 1 વાગ્યાથી ચૂંટણી પંચની ઓફિસની બહાર થશે. વિપક્ષી પાર્ટીઓએ આની તૈયારી કરી છે. પ્રદર્શનનો મુખ્ય મુદ્દો વોટર લિસ્ટનું સ્પેશ્યલ ઇન્ટેસિવ રિવીઝન (SIR) છે. વિપક્ષી દળો આ પ્રોસેસનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પણ કરવામાં આવી રહી છે.
આ પ્રદર્શન દિલ્હીમાં INDIA ગઠબંધનની સંયુક્ત વ્યૂહરચનાનો એક ભાગ છે. કોંગ્રેસ ઉપરાંત CPI, CPI(M), RJD, NCP અને RSP સહિતના અનેક પક્ષો તેમાં સામેલ છે.
વિરોધ પક્ષોનું કહેવું છે કે મતદાર યાદીમાં ફેરફાર કરવાની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ. તેમનો આરોપ છે કે SIR દ્વારા મતદારોના નામ પ્રભાવિત થઈ શકે છે. INDIA ગઠબંધનના નેતાઓએ આ પ્રક્રિયા પાછી ખેંચવાની માંગ કરી છે.
CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ
પ્રદર્શનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવશે. વિપક્ષી પાર્ટીઓએ SIR ને લઈને ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે. INDIA ગઠબંધનના પક્ષોનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહેવો જરૂરી છે. આ માટે મતદાર યાદીમાં ફેરફારની પ્રક્રિયા સ્પષ્ટ અને પારદર્શક હોવી જોઈએ.
INDIA ગઠબંધનના પક્ષો આ મુદ્દાને આગળ પણ ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે. દિલ્હી પછી અન્ય રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શનની રણનીતિ બનાવવામાં આવી રહી છે. વિપક્ષો SIR અંગે પોતાનો વાંધો ચૂંટણી પંચ અને સરકાર સમક્ષ રજૂ કરવાની વાત કરી રહ્યા છે.
જંતર-મંતર પર બેરિકેડિંગ, ચૂંટણી પંચની કચેરી બહાર સુરક્ષા વધારાઈ
INDIA ગઠબંધનના પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જંતર-મંતર ખાતે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચની કચેરી અને સંસદ માર્ગની આસપાસ પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગઈકાલે પણ INDIA ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પોલીસે આ વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે.