Wed Oct 07 2026

Logo

સાત સમંદર પારઃ પ્લાસ્ટિક સર્જરી ને સેનેટરી પેડની શોધ યુદ્ધને કારણે!

2026-10-07 08:18:54
Author: Ravi Nayak
સાત સમંદર પારઃ પ્લાસ્ટિક સર્જરી ને સેનેટરી પેડની શોધ યુદ્ધને કારણે!

રવિ નાયક

આજે રશિયા-યુક્રેન પછી અમેરિકા-ઈરાન બાખડી રહ્યા છે. તાજા સમાચારો મુજબ સઉદી અરેબિયા અને યમનના હુતી બળવાખોરો પણ યુદ્ધમાં પ્રવેશી ચૂક્યા છે. વિશ્વની તમામ મહાસત્તાઓ અને મોટા અર્થતંત્રો યુદ્ધકાળ વેઠી રહ્યા હોય ત્યારે ગમે તે ઘડીએ ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની આશંકા અસ્થાને નથી. આ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકો તરીકે આપણાથી કશું થાય એમ નથી, સિવાય કે થોડી ઘણી પોઝિટીવ વાત કરી લઈએ.

કદાચ જાણીને નવાઈ લાગશે પણ અગાઉ ખેલાઈ ચૂકેલા બે વિશ્વયુદ્ધો સહિતની ભીષણ લડાઈઓએ માનવજાતને કેટલીક મહત્ત્વની ભેટ પણ આપી છે. આમાં સૌથી ટોચે નામ આવે ઈન્ટરનેટનું. જો કે ઈન્ટરનેટ કોઈ સીધા યુદ્ધ દરમિયાન નહિ, પણ અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે ચાલતી કોલ્ડ વોર દરમિયાન શોધાયું હતું.

આમ તો કેન્ડ ફૂડ ખાવું સ્વાસ્થ્ય માટે સારું ગણાય કે હાનિકારક, એ વિષે નિષ્ણાંતોમાં ચર્ચા ચાલતી રહે છે, પણ દુર્ગમ પ્રદેશો જે એક્સ્પ્લોર કરવા જોવા જાણવા નીકળેલા પર્યટકો-સંશોધકોથી માંડીને દિવસો સુધી યુદ્ધરત રહેતી સૈન્ય ટુકડીઓ માટે કેન્ડ ફૂડ કોઈ આશીર્વાદથી કમ નથી. પ્રશ્ન એ છે કે સારી કેલેરી ધરાવતા ભોજનને દિવસો સુધી  કેન-ડબ્બામાં સંગ્રહ કરીને દિવસો પછી વાપરતા રહેવાનો વિચાર સૌથી પહેલા કોને આવ્યો હશે?    

નેપોલિયનનું લશ્કર જ્યારે યુરોપને ધમરોળી રહ્યું હતું ત્યારે આ લશ્કર માટે સૌથી મોટી મુશ્કેલી હતી સૈનિકોને ખોરાક પૂરો પાડવાની. આ માટે ઇસ 1809માં તત્કાલીન ફ્રાંસ સરકારે એક પ્રતિયોગિતા જાહેર કરી, જે વ્યક્તિ ખોરાકને સ્ટોર કરીને દૂર સુધી પહોંચાડી શકાય એવી ડિવાઈસ વિકસાવશે એને પૂરા 12,000 ફ્રેન્કનું ઇનામ! નિકોલસ એપર્ટ નામના એક ફ્રેંચ વ્યક્તિએ ગ્લાસ જારને ફરતે સીલ દ્વારા કવર કરીને ખાસ પ્રકારનું કેન વિકસાવ્યું. આ કેન ખોરાકને દિવસો સુધી સુરક્ષિત રાખી શકે એમ હતું.

ફ્રાન્સની સેનાએ તેનો બહોળો ઉપયોગ કર્યો. એપર્ટને ઇનામ પણ મળ્યું અને એ રકમ વાપરીને એણે ફૂડ કેન્સ  બનાવવાની ફેક્ટરી પણ નાખી, પરંતુ નેપોલિયનની હાર બાદ વિરોધી દળોએ આ ફેક્ટરી સળગાવી દીધી. જો કે કેન્ડ ફૂડ એટલા પ્રખ્યાત થઇ ગયા કે આજેય આખી દુનિયામાં એ ધૂમ વપરાય છે.

ફૂડની વાત નીકળે તો ઠંડા ખોરાકને તાબડતોબ ગરમ કરી આપતા ઓવનને કઈ રીતે ભૂલી શકાય? હકીકતમાં એવું ય બનતું હોય છે કે એક શોધને ઈમ્પ્રુવ કરવાના ચક્કરમાં સંશોધકો કોઈ બીજી ભળતી જ ચીજ શોધી નાખે! 

યુદ્ધ સમયે વપરાતા રડારને વધુ કાર્યક્ષમ બનાવવા માટે બ્રિટિશ સંશોધકોનું એક દળ ‘કેવિટી  મેગ્નેટ્રોન’ નામક હાઈ પાવર વેક્યુમ ટ્યુબ ઉપર સંશોધન કરી રહ્યું હતું. આ વેક્યુમ ટ્યુબ દ્વારા માઈક્રોવેવ તરંગો પેદા કરી શકાતા હતા. બ્રિટિશરોનું આ સંશોધનકાર્ય પાછળથી એક અમેરિકનને કામે લાગ્યું! યુદ્ધ બાદ ઇ.સ. 1945માં પર્સી સ્પેન્સર માઈક્રોવેવ ઉત્પન્ન કરી શકતા રડાર ઉપર કામ કરી રહ્યો હતો. 

એ દરમિયાન એના ગજવામાં મૂકેલી કેન્ડી ઓગળી ગઈ! સ્પેન્સરને સમજાઈ ગયું કે માઈક્રોવેવ્સના કારણે ખોરાક ગરમ થઇ જતો હોય છે. બસ, પછી તો સ્પેન્સર ભાઈએ માઈક્રોવેવ ઓવન નામનું ઉપકરણ વિકસાવી લીધું, જે આજે ય ઘર ઘરના રસોડામાં પહોંચી ચૂક્યું છે.

સેનેટરી પેડ પણ એક એવી ચીજ છે, જે ન શોધાઈ હોત તો કદાચ આજે ય સ્ત્રીઓએ ભણતર કે રોજગાર માટે રોજિંદા ધોરણે ઘરની બહાર નીકળવા પહેલા વિચાર કરવો પડત  અને આ સેનેટરી પેડની શોધ પણ યુધ્ધની જ દેન છે.

કિમ્બર્લી ક્લાર્ક નામક અમેરિકન કંપનીએ સેલ્યુકોટન નામે એક પ્રોડક્ટ વિકસાવેલી, જે યુદ્ધમાં ઘાયલ થતા સૈનિકોના રક્તસ્રાવને ઝડપથી શોષી લેવાનું કામ કરતી. યુદ્ધ સમયે આ પ્રોડક્ટનો મોટા પાયે વપરાશ થવા માંડ્યો. યુએસ આર્મીમાં આ પ્રોડક્ટ છૂટથી વહેંચાવા માંડી. એ સમયે મિલિટરી હોસ્પિટલમાં કામ કરતી કેટલીક નર્સને વિચાર આવ્યો કે જો સેલ્યુકોટન સૈનિકોના ઊંડા ઘામાંથી ધડધડાટ વહેતા લોહીને શોષી લેવામાં ય સફળ નીવડતું હોય તો પછી... અને આ નર્સોએ પિરિયડ્સ સમયે સેલ્યુકોટનનો ઉપયોગ કરવા માંડ્યો. પાછળથી ઇસ 1920માં કંપનીએ ‘કોટન-લાઈક ટેક્સચર’ ઉપરથી ‘કોટેક્સ’ નામના સેનેટરી પેડ બજારમાં મૂક્યા, એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી વત્તા હર સ્ટોરી બની ગઈ!

આજ રીતે, પ્લાસ્ટિક સર્જરીની શોધ. ઇસ 1916માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન વોલ્ટર નામના એક બ્રિટિશ સૈનિકને ચહેરા ઉપર ભયંકર ઇજાઓ થઇ. એની આંખની પાંપણ સુધ્ધાં બળી ગઈ. એ સમયે મૂળ ન્યૂ ઝિલેન્ડના નિવાસી એવા ડોક્ટર હેરોલ્ડ ગિલીસ રોયલ આર્મીની મેડિકલ ટુકડી સાથે યુરોપ આવેલા. ઈજાગ્રસ્ત વોલ્ટરને ઘાયલ થયાના એકાદ વર્ષ બાદ ડૉ. ગિલીસ પાસે લાવવામાં આવ્યો.

એક પ્રયોગ તરીકે ડૉ. ગિલીસે શરીરના સારા ભાગ ઉપરથી ત્વચાનો ટુકડો કાપીને વોલ્ટરના ચહેરા ઉપર ચોંટાડી આપ્યો અને આધુનિક તબીબીશાસ્ત્રની એ પ્રથમ પ્લાસ્ટિક સર્જરી ગણાય. છે. એ હિસાબે ડૉ ગિલીસને પ્લાસ્ટિક સર્જરીના પિતા તરીકે ગણી શકાય.

આવી ઉપરાંત બીજી ઘણી નાની-મોટી શોધ હશે જે યુદ્ધોને આભારી હોય. અહીં મૂળ વાત એ કે આ જ સંશોધનો વગર યુદ્ધે થયા હોત તો કેટલું સારું !