Wed Oct 07 2026

Logo

કચ્છી ચોવકઃ કર્મ કરીએ તો જ સપનાં સાકાર થાય!

2026-10-07 08:16:31
Author: Kishor Vyas
કચ્છી ચોવકઃ કર્મ કરીએ તો જ સપનાં સાકાર થાય!

કિશોર વ્યાસ

ઘણા ભણેલા-ગણેલા, ડાહ્યા, ચતુર અને વળી હોશિયાર ગણાતા લોકો સામાન્ય રીતે પોતાનાં કામ આયોજનપૂર્વક તેમ જ ગણતરીપૂર્વક કરતા હોય છે. એ સારી વાત છે કે, આયોજન વખતે તેમાં પણ ગણતરી જરૂરી હોય છે. પણ, હું અહીં જે ચોવક મૂકવા માગું છું, તેમાંથી ભાવાર્થ એવો નીકળે છે કે, ગણતરીબાજ ગણાતાં લોકો હજુ ગણતરી જ કરતા હોય છે, પરંતુ ત્યાં સુધીમાં તેમની પંક્તિમાં ન આવા લોકો એજ પ્રકારનું કામ પૂરું કરી નાખતા હોય છે! સરસ ચોવક છે, તેમના માટે, વળી દ્વી અર્થી પણ છે:

‘ડાઈયૂં ડીં લેખીયેં, ચરઈયૂં છોરા જણીંયે’ આ ચોવકનો શબ્દાર્થ એવો થાય છે કે, ડાહી સ્ત્રીઓ (અહીં પ્લાનિંગ કરતી) હજુ દિવસો જ ગણતી હોય, ત્યાં સુધી ‘ચરઈયૂં’ એટલે કે, ખરેખર પાગલ નહીં પણ સામાન્ય કક્ષાનું જીવન જીવતી સ્ત્રીઓને ત્યાં પારણાં ઝૂલતાં થઈ જાય છે! ‘ડાઈયૂં’ એટલે ડાહી, ‘ડીં’ એટલે દિવસ, ‘છોરા’ એટલે સંતાન અને ‘જણીંયેં’નો અર્થ થાય જન્મ આપવો! છે, ને ગજબની ચોવક? કહેવું છે કંઈક અને માધ્યમ બનાવે છે સ્ત્રીના જણતરને!

કચ્છના કયા વિસ્તારમાં મોસમનો પહેલો વરસાદ વરસે તો તે શુકન કે અપશુકન ગણાય તેવી અનુભવ અને અભ્યાસ પર આધારિત ચોવક છે: ‘કંઠી વસે કરવડો, વાગડ વસે ડુકાર, જ વસે ગેડો ત કચ્છ તેં અલીલ સુગાર’ કચ્છમાં કાંઠાળ વિસ્તારના અમુક ભાગને ‘કંઠીપર’ કહે છે વાગડ વિસ્તારથી તો આપણે સૌ પરિચિત છીએ જ, એજ રીતે અબડાસા તાલુકાનો ચોક્કસ વિસ્તાર ‘ગેડોપટ’ તરીકે ઓળખાય છે. 

ચોવક એમ કહેવા માગે છે કે, જો ‘કંઠીપટ’માંથી વરસાદ શરૂ થાય તો વરસ સામાન્ય રહે, અને જો વરસાદનો પ્રારંભ વાગડથી થાય તો દુષ્કાળ પડવાની દહેશત રહે! પણ જો ‘ગેડોપટ’થી ચોમાસું શરૂ થાય તો કચ્છ આખું લીલુંછમ્મ બની જાય! પણ હવે વરસાદ ચોવકને ગાંઠતો હોય તેવું લાગતું નથી!

આર્દ્રા નક્ષત્ર વરસાદની ઋતુ દરમિયાન જ આવે છે, પરંતુ કચ્છના લોકોને એ નક્ષત્રના વરસાદ પર બહુ ભરોસો નથી હોતો. એમ કહેવાય છે કે, ‘આધર કરે સાધર’ મતલબ કે આ નક્ષત્રમાં ધરતીને ધરવ થાય તેવો વરસાદ ન વરસે. તો વળી, ‘ઉતરા’ નક્ષત્ર માટે એમ કહેવાય છે કે, ‘ઉતરા ત બધો જોતરા’ ‘બધો’ એટલે બાંધો, અને ‘જોતરા’નો અર્થ થાય છે, ‘જોતરો’. એ નક્ષત્રમાં પડતા વરસાદથી પાક સારો થાય છે. 

એવું જ પાછું ચિત્રા નક્ષત્ર માટે પણ કહેવાય છે: ‘ઘેલી ચિત્રા કરે ખેલ, બરે બેપોરે આંણે રેલ’ ચિત્રાના વરસાદને ઘેલો વરસાદ કહે છે. એ એવો ખેલ રચે કે, બળબળતા બપોરે પણ પાણી વહી નીકળે! આ નક્ષત્રમાં પણ જો વરસાદ પડે તો વરસ સારું જાય તેવો અર્થ અહીં અભિપ્રેત છે.

જોકે હવે ઋતુ પ્રમાણે વરસાદનું ચક્ર ચાલતું નથી, પણ વરસાદને નક્ષત્રો સાથે જોડીને પણ કચ્છના પૂર્વજોએ ચોવકો રચી છે!

ખેર! કર્મની ગતિ ન્યારી એવું આપણે ગુજરાતી અને હિંદીમાં પણ બોલતા હોઈએ છીએં. એજ વાત ચોવક આ રીતે કહે છે: ‘હજાર કર્યો હીલા, પ કરમ વગર કોડી ન મિલે’ લાખ ધમપછાડા કરો પણ કર્મની ગત મહાન છે કપાળે લખ્યું ન હોય તો ‘કોડી’ પણ ન મળે! મર્યાદા બાંધી આપતી એક ચોવક છે: ‘હિકડે સોંણે રાત ન વિંજે’ શબ્દાર્થ છે કે, એક જ સપને રાત ન જાય. પરંતુ ભાવાર્થ એવો થાય છે કે, જીવન જીવવા માટે માત્ર સપનાં ન જોવાય. એ સાકાર કરવા કર્મ પણ કરતા રહેવું પડે.