મુંબઈ: નીમ કરોલી બાબાના જીવન અને ઉપદેશો પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર આશ્ચર્યજનક સફળતા મેળવી છે. માત્ર 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 423.26 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. જોકે અભિનેત્રી ઋચા ચઢ્ઢા આ સફળતાને આધારે વર્ષ આ વર્ષને કન્ટેન્ટ આધારિત ફિલ્મો માટેનું 'લેન્ડમાર્ક વર્ષ' માનવા તૈયાર નથી. તેનું કહેવું છે કે હજુ આવી ફિલ્મોની સતત સફળતા જોવા મળે ત્યાર બાદ જ કોઈ મોટો નિષ્કર્ષ કાઢી શકાય.
‘હનુમાન અંશ’ની સફળતા એટલા માટે પણ ખાસ છે કારણ કે ફિલ્મે શરૂઆતમાં ખૂબ જ ઓછી કમાણી કરી હતી. વિશાલ ચતુર્વેદીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ માત્ર 355 શો સાથે રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે તેની કમાણી માત્ર 10 લાખ રૂપિયા રહી હતી. ત્યાર બાદ કમાણી ઘટતી ગઈ અને આ ફિલ્મને રિલીઝના આઠમા દિવસે ફ્લોપ પણ ગણાવવામાં આવી હતી. જોકે મેકર્સે ફિલ્મને થિયેટરમાંથી હટાવી નહીં અને દર્શકોની માઉથ પબ્લિસિટીએ આખી સ્થિતિ બદલી નાખી હતી.
ફિલ્મની કમાણીમાં મોટો વળાંક 17મા દિવસે આવ્યો હતો. માઉથ પબ્લિસિટી બાદ દર્શકોની સંખ્યા ઝડપથી વધવા લાગી અને ફિલ્મે ત્યારથી બોક્સ ઓફિસ પર જોરદાર ગતિ પકડી હતી. આ ફિલ્મે ભારતમાં કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને આઠ અઠવાડિયાની થિયેટર રન દરમિયાન વિશ્વભરમાં તેનો વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 423 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આ સફળતા અંગે રિચા ચઢ્ઢાને પૂછવામાં આવ્યું કે શું ‘હનુમાન અંશ’ની સફળતા દર્શાવે છે કે 2026 કન્ટેન્ટ આધારિત સિનેમા માટે ખાસ વર્ષ બની રહ્યું છે? તેના જવાબમાં તેમણે સંમતિ દર્શાવી હતી. રિચાએ કહ્યું કે જો વાત ‘હનુમાન અંશ’ની સફળતાની છે તો તે અલગ બાબત છે. તેમના મતે આ વર્ષે એવી કેટલી ફિલ્મો ચાલી છે, જેના આધારે કહી શકાય કે દર્શકો હવે માત્ર કન્ટેન્ટને પ્રાથમિકતા આપી રહ્યા છે, તે જોવું જરૂરી છે.
રિચા ચઢ્ઢાએ ફિલ્મની સફળતાનું એક કારણ ધાર્મિક અને પૌરાણિક વિષયોને પણ ગણાવ્યું હતું. તેના મતે આવી વાર્તાઓ પ્રમાણમાં સેફ માનવામાં આવે છે અને લોકો તેને જોવાનું પસંદ કરે છે. રિચાએ સ્પષ્ટ કહ્યું કે માત્ર એક-બે ફિલ્મોની સફળતાના આધારે ‘કંઈક સારું થઈ રહ્યું છે’ એમ કહેવું હજુ વહેલું છે.
ભારતીય સિનેમામાં કન્ટેન્ટ આધારિત ફિલ્મોને આગળ વધારવા માટે રિચાએ વધુ સારી સ્ક્રિપ્ટ અને લેખકોને યોગ્ય પૈસા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેનું માનવું છે કે લેખકોને યોગ્ય આર્થિક સહયોગ અને તક મળશે તો મજબૂત વાર્તાઓ તૈયાર થશે અને તેનાથી કન્ટેન્ટ આધારિત સિનેમાને વાસ્તવિક રીતે આગળ વધારવામાં મદદ મળશે. દરમિયાન, રિચા ચઢ્ઢા હાલમાં પોતાના નવા પ્રોજેક્ટ ‘મુસાફિરી’ને લઈને પણ ચર્ચામાં છે. પ્રોજેક્ટ રિચા અને અલી ફઝલના પુશિંગ બટન્સ સ્ટુડિયોઝ હેઠળ તૈયાર થયો છે અને નવા યુટ્યુબ ચેનલ ‘ફુલ સ્ટોપ’ પર ઉપલબ્ધ છે.