Tue Oct 06 2026

Logo

મંચ પર 15 મિનિટ સુધી શ્વાસ રોક્યો ને પલક પણ ઝપકાવી નહીં: વિદ્યુત જામવાલે કેમ કર્યું આમ?

2026-10-06 13:58:00
Author: Mumbai Samachar Team
મંચ પર 15 મિનિટ સુધી શ્વાસ રોક્યો ને પલક પણ ઝપકાવી નહીં: વિદ્યુત જામવાલે કેમ કર્યું આમ?

મુંબઈ: બોલિવૂડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ પોતાની ફિટનેસ, માર્શલ આર્ટ્સ અને ખતરનાક સ્ટન્ટ્સ માટે જાણીતો છે. પરંતુ તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા તેની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઈટર’ની ખાસ ઇવેન્ટમાં તેણે એવું કારનામું કર્યું કે ત્યાં હાજર લોકો અને ફેન્સ પણ ચોંકી ગયા હતા. વિદ્યુત લગભગ 15 મિનિટ સુધી શ્વાસ રોકીને સ્ટેજ પર ધ્યાનની સ્થિતિમાં ઊભો રહ્યો હતો. આ દરમિયાન તેણે લાંબા સમય સુધી પલક પણ ન ઝપકાવી અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. 

સ્ટેજ પર 15 મિનિટ સુધી શ્વાસ રોક્યો 
ઈવેન્ટમાં શરૂઆતમાં લોકોને સમજાયું જ નહીં કે વિદ્યુત શું કરી રહ્યો છે. તે આંખો ખુલ્લી રાખીને એક જ સ્થિતિમાં ઊભો રહ્યો હતો. સમય પસાર થતો ગયો તેમ તેના પગમાં હળવી કંપારી જોવા મળી અને આંખોમાં પાણી આવી ગયા હતા. આ દ્રશ્ય જોતા જ ત્યાં હાજર લોકો ચિંતિત જોવા મળ્યા હતા, પરંતુ વિદ્યુતે પોતાની પ્રેક્ટિસ પૂર્ણ કરી હતી.  આ અસાધારણ દૃશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. 

 

પતંજલિ યોગ સૂત્રની ટેક્નિકનો ઉલ્લેખ કર્યો 
ધ્યાન પૂર્ણ થયા બાદ વિદ્યુતે જણાવ્યું કે તેણે પતંજલિ યોગસૂત્રની એક વિશેષ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. તેના જણાવ્યા અનુસાર આ પ્રેક્ટિસે તેને જીવનમાં અનેક મોટા મુકામ હાંસલ કરવામાં મદદ કરી છે અને તે આ ટેકનિક યુવાનોને પણ શીખવે છે. વિદ્યુતે યુવા પેઢીને સંદેશ આપતા કહ્યું કે સતત દોડતા રહેવાને બદલે ક્યારેક રોકાઈ જવા અને સ્થિર રહેવાનું પણ જરૂરી છે. તેના મતે ધીરજ અને સ્થિરતા વ્યક્તિને ઘણું આગળ લઈ જઈ શકે છે. 

'સ્ટ્રીટ ફાઈટર'થી હોલિવૂડમાં એન્ટ્રી 
વિદ્યુતની આ યોગિક ક્ષમતા તેમની આગામી હોલિવૂડ ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઇટર’ના પાત્ર સાથે પણ સીધી રીતે જોડાયેલી છે. ફિલ્મમાં તે લોકપ્રિય વીડિયો ગેમ પાત્ર ધલસિમની ભૂમિકા ભજવી રહ્યો છે. લાંબા સમયથી યોગ, માર્શલ આર્ટ્સ અને ફિઝિકલ ટ્રેનિંગ પર કામ કરવાનો તેનો અનુભવ આ પાત્ર માટે ઘણો ઉપયોગી સાબિત થયો છે. એક્શનનો લાંબો અનુભવ હોવાથી આ ભૂમિકા માટે તે એકદમ યોગ્ય પસંદગી માનવામાં આવી રહ્યો છે. ‘સ્ટ્રીટ ફાઇટર’ 16 ઓક્ટોબર, 2026ના રોજ ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે અને તે અંગ્રેજી, હિન્દી, તમિલ તથા તેલુગુ ભાષામાં જોવા મળશે.