Tue Oct 06 2026

Logo

મહારાષ્ટ્રના ડેશિંગ IAS તુકારામ મુંઢેનો ડંકો અમેરિકામાં વાગ્યો! અખબારે ફ્રન્ટ પેજ પર ‘રોકસ્ટાર’ કહી કરી પ્રશંસા...

2026-10-06 14:17:00
Author: Darshana Visaria
મહારાષ્ટ્રના ડેશિંગ IAS તુકારામ મુંઢેનો ડંકો અમેરિકામાં વાગ્યો! અખબારે ફ્રન્ટ પેજ પર ‘રોકસ્ટાર’ કહી કરી પ્રશંસા...

મુંબઈઃ પોતાની પ્રામાણિકતા, કડક કાર્યશૈલી અને નિયમોના ચુસ્ત પાલન માટે જાણીતા મહારાષ્ટ્ર કેડરના લોકપ્રિય આઈએએસ અધિકારી તુકારામ મુંઢેની કામગીરીની નોંધ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ રહી છે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેમણે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ, અસ્વચ્છતા અને નિયમોના ભંગ સામે જે આક્રમક ઝુંબેશ છેડી છે, તેનું ગૌરવ અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'એ પણ કર્યું છે.

વિશ્વવિખ્યાત અખબાર પોતાના મુખપૃષ્ઠ એટલે કે ફ્રન્ટ પેજ પર તુકારામ મુંઢેના ફોટા સાથેનો સ્પેશિયલ રિપોર્ટ છાપીને તુકારામ મુંઢેની સરખામણી એક ‘રોકસ્ટાર’ સાથે કરીને તેમના સાહસિક પગલાંની ભરપૂર પ્રશંસા કરી છે. એફડીએ કમિશનર તરીકેનો પદભાર સંભાળતા જ તુકારામ મુંઢેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ શહેરોની જાણીતી હોટેલ્સ, પ્રીમિયમ રેસ્ટોરન્ટ્સ અને ખાદ્યપદાર્થોના વિક્રેતાઓ પર અચાનક દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. 

કિચનમાં અસ્વચ્છતા, એક્સપાયરી ડેટવાળો માલ કે ભેળસેળ જોવા મળતાં જ તેમણે કોઈની પણ શેહ-શરમ રાખ્યા વિના તાત્કાલિક ધોરણે લાયસન્સ સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા. અખબારે પોતાના અહેવાલમાં એ પણ નોંધ્યું હતું કે, ભારતના એક ફૂડ સેફ્ટી અધિકારીએ પોતાની કડક કાર્યવાહીના કારણે કોઈ રોકસ્ટાર કે સેલિબ્રિટી જેવી લોકપ્રિયતા હાંસલ કરી છે. 

એફડીએની કાર્યવાહી બાદ સામાન્ય જનતામાં પણ ખોરાકની ક્વોલિટી અને સ્વચ્છતાને લઈને નવી જાગૃતિ જોવા મળી રહી છે. આ અહેવાલ અનુસાર, તુકારામ મુંઢેના આક્રમક અભિયાનને કારણે હવે મુંબઈ અને મહારાષ્ટ્રના રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં ફૂડ સેફ્ટીના કાયદા-નિયમોનું વધુ ગંભીરતાથી પાલન કરવામાં આવી રહ્યું છે.

પોતાના આર્ટિકલમાં જાણીતા અખબારે મુંબઈના કોલાબા સ્થિત લગભગ 100 વર્ષ જૂના ઐતિહાસિક 'ઓલિમ્પિયા કોફી હાઉસ' (Olympia Coffee House) પર લેવામાં આવેલી એક્શનનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારે અસ્વચ્છતા અને નિયમોના ઉલ્લંઘન બદલ આ સદી જૂની સંસ્થાને સીલ કરવાના આદેશ આપીને તુકારામ મુંઢેએ સંદેશ આપ્યો હતો કે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ભલે ગમે તેટલો મોટો કે ઐતિહાસિક કેમ ન હોય, તેને બક્ષવામાં નહીં આવે.

ઈન્ટરનેશનલ લેવલ પર ભારતીય પ્રશાસનની સકારાત્મક છબી રજૂ થવા બદલ દેશભરના નાગરિકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તુકારામ મુંઢેની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી રહ્યા છે. કોઈપણ રાજકીય દબાણ સામે ઝૂક્યા વિના સામાન્ય લોકોના હિતમાં કડક નિર્ણયો લેનારા અધિકારી તરીકે તેમણે ફરી એકવાર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે.