Tue Oct 06 2026

Logo

મુંબઈમાં અધિકૃત બેનર્સ પર ક્યુઆરકોડ ફરજિયાત: લાઈસન્સ વગર બોર્ડ લગાડનારા પ્રિન્ટર્સ અને એજન્સીને બ્લેક લિસ્ટ કરાશે

2026-10-06 09:00:00
Author: Sapna Desai
મુંબઈમાં અધિકૃત બેનર્સ પર ક્યુઆરકોડ ફરજિયાત: લાઈસન્સ વગર બોર્ડ લગાડનારા પ્રિન્ટર્સ અને એજન્સીને બ્લેક લિસ્ટ કરાશે

મુંબઈના ગેરકાયદે બેનરો, હૉર્ડિંગ્સ સામે બીએમસીની ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના મહત્ત્વના સ્થળોએ ઠેર ઠેર લાગેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરોથી  મુંબઈને કદરૂપી બનાવતી રોકવા,  મુંબઈનું સૌંદર્યીકરણ જાળવી રાખવા અને પર્યાવરણના સંરક્ષણ માટે મુંબઈમાં ફ્લેક્સમુક્ત મુંબઈ ત્રણસો પાંસઠ દિવસ નામે ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે, જે અંતર્ગત પીવીસી ફ્લેક્સ, બેનર, પોસ્ટર અને સ્ટિકર વિરોધમાં ‘ઝિરો ટૉલરન્સ’ પૉલિસી અમલમાં મૂકવામાં આવવાની છે. તેમ જ હવેથી પાલિકાએ મંજૂરી આપેલી અધિકૃત જાહેરાત પર લાઈસન્સ નંબર, પ્રિન્ટરનું નામ અને અધિકૃત ક્યૂઆર કોડ છાપવાનું ફરજિયાત રહેશે. ક્યૂઆર કોડ નહીં ધરાવતા ફ્લક, બેનર્સ, પોસ્ટરને ગેરકાયદે ગણીને તેને તાત્કાલિક જપ્ત કરવામાં આવશે.

મુંબઈના મેયર રિતુ તાવડેની સંકલ્પનાથી મુંબઈમાં અનધિકૃત ફ્લેક્સ વિરોધમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે. સાર્વજનિક હિત અને પર્યાવરણ સંવર્ધનની ઝુંબેશને સર્વપક્ષીય સમર્થન મળે તે માટે મેયર તમામ રાજકીય પક્ષોના પ્રમુખ અને નેતાઓને પત્ર પણ લખવાના છે. ગેરકાયદે બેનર્સ, ફલક ન બેસાડવા માટે તમામ નેતા અને પદાધિકારી, કાર્યકતા તથા નાગરિકોને મેયર અપીલ પણ કરવાના છે. આ પૉલિસીને તાત્કાલિક અમલમાં લાવવા માટે મેયરની અધ્યક્ષતામાં પ્રશાસન સાથે એક બેઠક પણ થવાની છે.

આ ઝુંબેશ હેઠળ તમામ રાજકીય પક્ષોને સહકાર્ય કરવાની અપીલ કરવામાં આવવાની છે. તેમ જ મુંબઈ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર માલમતા વિદ્રુપીકરણ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આવશ્યકતા જણાય ત્યાં પોલીસમાં એફઆઈઆર પણ નોંધવામાં આવશે.

આ દરમ્યાના પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ પાલિકા પાસેથી કાયદાકીય રીતે મંજૂરી લીધેલી અધિકૃત જાહેરાત પર લાઈસન્સ નંબર, મુદત, પ્રિન્ટરનું નામ અને અધિકૃત ‘ક્યૂઆર કોડ’ છાપવો ફરજિયાત રહેશે. વિજિલન્સ ટીમ અથવા સામાન્ય નાગરિક આ ક્યૂઆર કોડ સ્કેન કરીને લાઈસન્સની સત્યતા તપાસી શકશે. ક્યૂઆર કોડ નહીં હોય તેવા કોઈ પણ ફલક, બૅનર, પોસ્ટરોને જપ્ત કરવામાં આવશે.

વારંવાર ગેરકાયદે રીતે ફ્લેકસ, બૅનર્સ અને પોસ્ટર વગેરે છાપનારા પ્રિન્ટર્સ, કૉન્ટ્રેક્ટર અને એજન્સીને ફક્ત દંડ નહીં કરતા તેમને કાયમીસ્વરૂપે બ્લેક લિસ્ટ કરવામાં આવશે.
હાલની આઉટડોર એડવર્ટાઈઝિંગ પૉલિસી અંતર્ગત સુધારણ કરીને તમામ મંજૂરીઓ સિંગલ વિન્ડો ડિજિટલ સિસ્ટમ દ્વારા આપવામાં આવશે. તેથી ગેરકાયદે બોર્ડને કારણે પાલિકાને કરોડો રૂપિયાથી થનારા નુકસાનથી પાલિકા બચી જશે.


૭૨ કલાકમાં ફરિયાદ નિવારણ અને વોર્ડવાર ડેશબોર્ડ 
મુંબઈના નાગરિકો અનધિકૃત હોર્ડિંગ્સની ફરિયાદ કરવા માટે મહાનગરપાલિકાની ૧૯૧૬ હેલ્પલાઇન, સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે. મળેલી ફરિયાદો પર વધુમાં વધુ ૭૨ કલાકમાં કાર્યવાહી કરવાની રહેશે. દરેક વોર્ડમાં કરવામાં આવેલી કાર્યવાહી, વસૂલવામાં આવેલા દંડ અને નોંધાયેલા ગુનાઓનો સાપ્તાહિક ડેશબોર્ડ માનનીય મેયરને સુપરત કરવામાં આવશે.


ગેરકાયદે બેનરો, હૉર્ડિંગ્સ લગાવનારા સામે કેસ દાખલ કરો: ભાજપ
મુંબઈ ભાજપ પ્રમુખ અને વિધાનસભ્ય અમિત સાટમે મેયર રીતુ તાવડેને પત્ર લખીને વ્યાપક નીતિ બનાવવાની અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. મેયરને લખવામાં આવેલા પત્રમાં ભાજપ પ્રમુખે હાઈ કોર્ટના નિર્દેશોનું સતત થઈ રહેલા ઉલ્લંઘનની  ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે અનધિકૃત જાહેરાતના હૉર્ડિંગ્સ અને બેનરો  માત્ર શહેરને બદનામ કરતા નથી, પરંતુ તેના પડી જવાની દુર્ઘટનાની શકયતાને પગલે નાગરિકોની સલામતી પણ જોખમમાં આવી શકે  છે. ભાજપ પ્રમુખે પાલિકા દ્વારા  વીજળીના થાંભલાઓ પર પ્રમાણિત જાહેરાત બોર્ડને મંજૂરી આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં પાલિકાએ પારદર્શક સિસ્ટમ દ્વારા જગ્યાઓ ભાડે આપીને આવક ઊભી કરવાની સલાહ તેમણે આપી છે.