અમદાવાદ: દરેક વ્યક્તિને પોતાના ઘરના ઘરનું સપનું હોય છે પરંતુ આકાશને આંબી રહેલા ભાવના કારણે દરેકનું સપનું સાકાર થઈ શકતું નથી. અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે બાંધકામ સામગ્રીના વધેલા ભાવની અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ગુજરેરા (GujRERA - ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) માં કુલ 756 નવા પ્રોજેક્ટ્સ નોંધાયા છે, જે પાછલા બે વર્ષની સરખામણીએ મંદી દર્શાવે છે.
ગુજરેરાના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26માં રાજ્યમાં 1,606 નવા પ્રોજેક્ટ નોંધાયા હતા, જ્યારે 2024-25માં આ આંકડો 1,818 હતો. વર્તમાન નાણાકીય વર્ષનો માત્ર અડધો જ સમય વીત્યો છે ત્યારે, પ્રથમ છ મહિનાના આંકડા દર્શાવે છે કે ખર્ચમાં ફેરફાર અને ગ્રાહકોની પસંદગી બદલાવાને કારણે ડેવલપર્સ નવા લૉન્ચિંગ બાબતે વધુ સાવચેતી વર્તી રહ્યા છે.
અમદાવાદમાં કેટલા નવા પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન થયા
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં નવા રજિસ્ટ્રેશનમાં અમદાવાદ 217 પ્રોજેક્ટ્સ સાથે રાજ્યમાં મોખરે રહ્યું હતું. સુરત 180 પ્રોજેક્ટ્સ સાથે બીજા ક્રમે રહ્યું, જ્યારે વડોદરામાં 81 પ્રોજેક્ટ નોંધાયા હતો. ગાંધીનગરમાં 71 પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન થયું હતું. ભાવનગર રાજકોટ કરતાં આગળ નીકળી ગયું હતું. આ સમયગાળા દરમિયાન રાજકોટના 41 પ્રોજેક્ટ્સ સામે ભાવનગરમાં 59 નવા પ્રોજેક્ટ નોંધાયા હતા.
આ દરમિયાન એક રિપોર્ટમાં જણાવાયું છે કે જાન્યુઆરી-સપ્ટેમ્બરના ગાળામાં અમદાવાદના રેસિડેન્શિયલ માર્કેટમાં 14,300 હાઉસિંગ યુનિટ્સનું વેચાણ નોંધાયું છે, જે 2025ના સમાન ગાળાના 14,064 યુનિટ્સ કરતાં વાર્ષિક ધોરણે 2% વધુ છે. આ વધારો 2018 પછીના પ્રથમ નવ મહિનાનું શહેરનું સર્વશ્રેષ્ઠ વેચાણ પ્રદર્શન દર્શાવે છે. ડેવલપર્સે આ નવ મહિનાના સમયગાળામાં 16,745 યુનિટ્સ લૉન્ચ કર્યા, જે ગત વર્ષ કરતાં 1% વધુ છે અને 2018 પછી સૌથી વધુ છે.
એક કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરોનું વેચાણ વધ્યું
ગ્રાહકોની માંગ પ્રીમિયમ અને વધુ કિંમતના ઘરો તરફ વળી રહી છે. 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરોનું વેચાણ 16% વધીને 3,885 યુનિટ થયું છે, જેનાથી તેનો હિસ્સો 24% થી વધીને 27% થયો છે. 2026ના ત્રીજા ક્વાર્ટરમાં ભારિત સરેરાશ કિંમતો (વેઇટેડ એવરેજ પ્રાઇસ) વાર્ષિક ધોરણે 3.7% વધીને 4,837 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ છે. વણવેચાયેલી પ્રોપર્ટી (અનસોલ્ડ ઇન્વેન્ટરી) 9% વધીને આશરે 38,700 યુનિટ્સ પર પહોંચી છે.
જમીનના ભાવમાં પણ ઉછાળો
સૂત્રોએ જણાવ્યું કે, જમીનના ભાવોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે અને મુખ્ય કાચા માલના ભાવો પણ ખાસ કરીને અમેરિકા-ઈરાન યુદ્ધ પછી વધ્યા છે. બિલ્ડર્સ ખર્ચનો આ સમગ્ર બોજ ગ્રાહકો પર નાખી શકતા નથી, જેના કારણે નફાનું માર્જિન ઘટી ગયું છે. આ ઉપરાંત, 'એફોર્ડેબલ હાઉસિંગ'ની વ્યાખ્યા લગભગ એક દાયકા જૂની છે અને હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ તે મર્યાદા વટાવી ચૂક્યા છે. પરિણામે, એફોર્ડેબલ હાઉસિંગના લૉન્ચિંગમાં સતત ઘટાડો નોંધાયો છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, દિવાળી પછી પ્રોજેક્ટ લૉન્ચિંગમાં તેજી આવશે. કોમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે મજબૂત માંગ છે અને આપણે ત્યાં સુધારો જોઈ રહ્યા છીએ. વૈષ્ણોદેવી, છારોડી-ગોતા અને ઝુંડાલ જેવા વિસ્તારોમાં વધુ એફોર્ડેબલ હાઉસિંગ અને 3-BHKનો સપ્લાય જોવા મળશે. કોમનવેલ્થ ગેમ્સ શહેરને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં મદદ કરશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થવાથી જીવનધોરણ સુધરશે.