મુંબઈ: તહેવારોની મોસમ નજીક આવતા જ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ મુંબઈ અને કોંકણ વિભાગમાં કડક અભિયાન હાથ ધર્યું છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ તહેવારોની મોસમ પહેલાં રાજ્યવ્યાપી કાર્યવાહીના ભાગરૂપે મુંબઈમાં પાંચ ફૂડ લાઇસન્સ સ્થગિત કર્યા છે અને ત્રણ રદ કર્યા છે. આ ઉપરાંત, વિભાગે પંદર એફઆઈઆર નોંધી છે અને રૂ. 2.22 કરોડની કિંમતની પ્રતિબંધિત ખાદ્ય સામગ્રી જપ્ત કરી છે.
આજે જારી કરાયેલા નિવેદનમાં એફડીએએ જણાવ્યું હતું કે પહેલી થી પાંચમી ઓક્ટોબર દરમિયાન હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી અને 26 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વિભાગે ઉમેર્યું હતું કે છ સંસ્થાને સીલ કરવામાં આવી હતી અને રૂ. 67.60 લાખની કિંમતના પાંચ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. એફડીએએ મુંબઈ અને કોંકણ વિભાગોમાં હોટેલ્સ, રેસ્ટોરા, ઢાબા, ક્લબ, બેકરીઓ અને અન્ય ખાદ્ય સંસ્થાઓ સામે પણ કાર્યવાહી કરી હતી.
મુંબઈમાં આઠ સંસ્થાઓ સામે પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં પાંચના લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા હતા અને ત્રણના રદ કરવામાં આવ્યા હતા. એફડીએએ જણાવ્યું હતું કે લાયસન્સ રદ કરવામાં વિલે પાર્લેમાં 'બ્લિંકિટ' અને 'કોપનહેગન હોસ્પિટાલિટી' તથા બાંદ્રા વેસ્ટમાં 'ઈટક્લબ્સ'નો સમાવેશ થાય છે.
નિવેદન અનુસાર, સ્વચ્છતા, ખોરાકની હેરફેર, સંગ્રહ, પરિસરની સ્વચ્છતા અને દૂષિતતા અટકાવવા માટે જરૂરી પગલાં અંગે ખામીઓ જણાતાં કાલીનામાં 'કેફે સુલતાન', મરોલમાં 'લો ફ્રેશ ફૂડ પ્રાઈવેટ લિમિટેડ', અંધેરીમાં 'કન્ટ્રી ક્લબ' અને 'સુરજ લામા મોમોઝ' તથા સાંતાક્રુઝમાં 'કેફે પાકીઝા'ના લાઇસન્સ સ્થગિત કરવામાં આવ્યા હતા.
નિરીક્ષકોને અસ્વચ્છ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક વાતાવરણમાં ખાદ્ય સામગ્રીનો સંગ્રહ અને વેચાણ થતું જોવા મળ્યા બાદ એફડીએએ રાયગઢના કલંબોલીમાં 'રાજિદી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ'નું ફૂડ લાયસન્સ પણ સ્થગિત કર્યું હતું.
અલગથી, એફડીએએ જણાવ્યું હતું કે પાંચ દિવસીય કાર્યવાહી દરમિયાન સમગ્ર મહારાષ્ટ્રમાં 30,472 કિલો શંકાસ્પદ હલકી ગુણવત્તાવાળો, ભેળસેળયુક્ત, એક્સપાયરી ડેટ વીતી ગયેલો અથવા અયોગ્ય લેબલિંગ ધરાવતો ખાદ્ય જથ્થો અને 1,238 પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
જપ્ત કરાયેલા જથ્થાનું કુલ મૂલ્ય રૂ. 50.69 લાખ હતું. આ વસ્તુઓમાં મીઠાઈઓ, પામોલિન તેલ, ચિકન, ઘી, પનીર, ક્રીમ, સોસ, મરચાંનો પાવડર, મેંદો, મકાઈનો સ્ટાર્ચ, મગફળી, ચીક્કી, સેવૈયાં, ખારી, મિલ્ક ટોસ્ટ અને ફરસાણનો સમાવેશ થતો હતો. એફડીએએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણમાં સંડોવાયેલી વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે તે કડક કાર્યવાહી ચાલુ રાખશે.