Mon Oct 05 2026

Logo

મુંબઈમાં સાથે સ્પોટ થયા અર્જુન કપૂર-મલાઈકા અરોરા! વીડિયો વાઈરલ થતાં સંબંધો સુધર્યા હોવાની અટકળો તેજ

2026-10-05 17:31:07
Author: Darshana Visaria
મુંબઈમાં સાથે સ્પોટ થયા અર્જુન કપૂર-મલાઈકા અરોરા! વીડિયો વાઈરલ થતાં સંબંધો સુધર્યા હોવાની અટકળો તેજ

બોલીવૂડના સૌથી ચર્ચિત અને ગ્લેમરસ કપલ્સમાં સામેલ રહી ચૂકેલા મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ તેમની બોન્ડિંગ અને કેમિસ્ટ્રી આજે પણ અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બને છે. બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચે કોઈ કડવાશ જોવા મળી નથી અને જ્યારે પણ તેઓ સાથે સ્પોટ થાય છે ત્યારે સોશિયલ મીડિયા પર ગપસપનું બજાર ગરમ થઈ જાય છે.

હવે એકવાર ફરી મુંબઈમાં અર્જુન અને મલાઈકા સાથે જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહેલાં નવા વીડિયોમાં અર્જુન કપૂર જેન્ટલમેન અંદાજમાં મલાઈકા માટે કારનો દરવાજો ખોલતો અને પછી પોતે બીજી બાજુથી જઈને કારમાં બેસતો જોવા મળ્યો છે. આ વીડિયો સામે આવતાં જ ફેન્સ વચ્ચે બંનેના પેચઅપની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે.

પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અર્જુન અને મલાઈકા એકસાથે કાર તરફ જતાં દેખાય છે. મલાઈકા કારમાં બેઠા બાદ અર્જુને પોતાના હાથે દરવાજો બંધ કર્યો અને પછી પોતે બીજી બાજુ જઈને અંદર બેઠો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જોકે આ મુલાકાત માત્ર કેઝ્યુઅલ ફ્રેન્ડશિપ હતી કે પેચઅપ તરફનો સંકેત, તે અંગે બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

અર્જુન અને મલાઈકાએ 2018ની આસપાસ પોતાના સંબંધોને સત્તાવાર રીતે સ્વીકાર્યા હતા. આશરે છ વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2024માં બંનેના અલગ થવાના સમાચાર સામે આવ્યા હતા. વર્ષ 2026માં જ એક ઈવેન્ટ દરમિયાન અર્જુન કપૂરે જાતે જ સ્પષ્ટ કર્યું હતું કે તે હાલ સિંગલ છે. જોકે અલગ થયા પછી પણ બંને વચ્ચે સન્માન અને મિત્રતા જળવાઈ રહી છે. ફેબ્રુઆરી 2025માં પણ એક રિયાલિટી શો દરમિયાન બંને એકબીજા સાથે હસી-મજાક કરતા જોવા મળ્યા હતા.

તાજેતરમાં એક જાણીતા પત્રકારે આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે મલાઈકા અરોરા લગ્ન કરવા માંગતી હતી, જ્યારે અર્જુન કપૂર તે સમયે લગ્ન માટે તૈયાર નહોતો. આ વૈચારિક મતભેદના કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ સંબંધ અર્જુન માટે માત્ર ટાઈમ પાસ નહોતો, તેથી આજે પણ બંને એકબીજાનું ખૂબ સન્માન કરે છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં એક મુલાકાત દરમિયાન મલાઈકાએ ખુલાસો કર્યો હતો કે અર્જુન મારા જીવનનો અત્યંત મહત્વનો હિસ્સો રહ્યો છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે સંબંધ તૂટ્યા બાદ વ્યક્તિ ગુસ્સો, દુઃખ અને નિરાશાના તબક્કામાંથી પસાર થાય છે, પરંતુ સમય સાથે બધું સામાન્ય થઈ જાય છે. મલાઈકાના આ નિવેદનથી સ્પષ્ટ થયું હતું કે તેના દિલમાં અર્જુન માટે કોઈ ફરિયાદ કે કડવાશ નથી.