મુંબઈ અને ઉપનગરીય વિસ્તારોમાં વધતી જતી વસ્તી તેમજ લોકલ અને લાંબા અંતરની ટ્રેનોના ભારે ટ્રાફિક વચ્ચે પશ્ચિમ રેલવે પર પ્રવાસ કરનારા લાખો પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે પર પ્રવાસીઓની ભીડને કન્ટ્રોલ કરવા અને લોકલ ટ્રેનોની અવરજવરને સુગમ બનાવવા માટે 'વસઈ રોડ રેલવે ટર્મિનસ'ના નિર્માણ કાર્યને ઓફિશિયલી શરૂ કરી દેવામાં આવ્યું છે. 2028 સુધી આ નવું ટર્મિનસ શરૂ થતાં લાખો મુંબઈગરાને રાહત મળશે.
પશ્ચિમ રેલવે પર આ નવું ટર્મિનસ એ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. રેલવે પ્રશાસન દ્વારા વિવિધ કોન્ટ્રાક્ટરોની નિમણૂક કરી સ્થળ પર કામકાજ ઝડપી કરવામાં આવી રહ્યું છે. અંદાજે રૂપિયા 150.25 કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટને માર્ચ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
વસઈ રોડ ટર્મિનસ પ્રોજેક્ટ રેલવેની આશરે 4.5 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવી રહ્યો છે. તેમાં 1.8 રૂટ કિલોમીટર અને 5.1 ટ્રેક કિલોમીટરનું આધુનિક માળખું ઊભું કરવામાં આવશે. નવું ટર્મિનસ કાર્યરત થતાં તે એકસાથે 12 લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે.
વાત કરીએ નવા ટર્મિનસના પ્રોજેક્ટ અપડેટ્સની તો આ નવા ટર્મિનસ માટે નિર્ધારિત 1200 મીટર લાંબી પ્લેટફોર્મ વોલમાંથી અંદાજે 500 મીટરનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત કોંક્રીટ એપ્રોન, ડ્રેનેજ સિસ્ટમ અને યાર્ડમાંથી જૂના ટ્રેક હટાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
પશ્ચિમ રેલવે પર લોકલ ટ્રેનો અને પેસેન્જર ટ્રેનોની અવરજવર સરળ બનાવવા માટે જોગેશ્વરી ખાતે આવેલું માલગાડીઓનું ગુડ્સ યાર્ડ વસઈ રોડ ખાતે શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ નવું યાર્ડ આશરે 850 મીટર લાંબું અને 27 મીટર પહોળું હશે, જેમાં 800-800 મીટરની બે ગુડ્સ લાઇનો બનાવવામાં આવશે. દક્ષિણ દિશામાં રેમ્પ અને કોમર્શિયલ તેમજ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ તૈયાર કરાશે જેથી માલગાડીઓનો ટ્રાફિક પેસેન્જર રૂટથી સંપૂર્ણ અલગ થઈ જશે.
અત્યારે વસઈ-વિરાર, મીરા-રોડ અને પાલઘરના લાખો મુસાફરોને ઉત્તર ભારત કે દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનો પકડવા માટે વાંદ્રા ટર્મિનસ, દાદર, મુંબઈ સેન્ટ્રલ કે સીએસએમટી (CSMT) સુધી લાંબા થવું પડે છે. વસઈ ટર્મિનસ બનવાથી આ મુસાફરો પોતાના ઘર નજીકથી જ સીધી ટ્રેન પકડી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ધસારાના સમયે લાંબા અંતરની ટ્રેનોના કારણે બોરીવલી-વિરાર વચ્ચે લોકલ સેવાઓ પ્રભાવિત થાય છે. બે વર્ષ બાદ વસઈ ખાતે નવું ટર્મિનસ બનતાં જ લોકલ ટ્રેનોની પંક્ચ્યુઆલિટીમાં સુધારો જોવા મળશે અને સર્વિસની સંખ્યામાં વધારો થશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.